Shatdal

દિવ્યા મિત્તલના રાજીનામાએ ચર્ચા જગાવી

By GS Team
8 Sep 20267 mins read
દિવ્યા મિત્તલના રાજીનામાએ ચર્ચા જગાવી
  • દેશની અગ્રણી સંસ્થા IIT- દિલ્હીથી બી.ટેક તે પછી IIM બેંગ્લોરથી એમ.બી.એ. ત્યાર બાદ લંડનમાં જેપી મોર્ગનમાં જોબ અને ભારત પરત આવી IAS બન્યા.. ૧૩ વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું
  • વિવિધા-ભવેન કચ્છી
  • 'આપણે વર્ષો સુધી સિદ્ધિઓ મેળવતા શીખીએ છીએ, પણ મનની શાંતિ સાથે ખુશ કેમ રહેવું તે પ્રકરણ અભ્યાસક્રમમાં નથી.'

'ગ્રે જ્યુએટ આઈ.આઈ.ટી. દિલ્હીથી, એમ.બી.એ.. આઈ. આઈ. એમ. બેંગ્લોરથી અને પછી આઈ.એ.એસ… મને મારા દેશની સર્વોત્તમ શિક્ષણ પ્રણાલી મળી. તેણે મને અઘરી પરીક્ષાઓ પાસ કરતા અને મોટી જવાબદારીઓ સંભાળતા શીખવ્યું, પરંતુ તેણે ક્યારેય એ ન શીખવ્યું કે મારા પોતાના મનને શાંત કેવી રીતે રાખવું અથવા એકલતાનો સામનો કેવી રીતે કરવો? આપણે વર્ષો સુધી સિદ્ધિઓ મેળવતા શીખીએ છીએ, પણ ખુશ કેમ રહેવું તે શીખવા માટે એક દિવસ પણ ફાળવતા નથી.'
આ શબ્દો છે હાલ ભારત સરકારના અમલદારો, સનદી અધિકારીઓ અને શિક્ષણ જગતમાં જેની ચર્ચા થાય છે તેવા દિવ્યા મિત્તલના.
પોસ્ટ વાઈરલ બની
આઈ. એ. એસ. તરીકે ૧૩ વર્ષ ઉદાહરણીય પ્રદાન આપ્યા પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે વાઈરલ બનેલી ઉપરોક્ત પોસ્ટ દ્વારા આપણી શિક્ષણ પ્રણાલી પર પણ પ્રશ્નો ખડા કર્યા છે.
જ્યારે દેશના તેજસ્વી જૂજ વિદ્યાર્થીઓનું આઈ. આઈ. ટી.ના સ્નાતક બનાવાનું કે પછી આઈ. આઈ. એમ. સંસ્થામાંથી એમ. બી. એ. કે આઈ. એ. એસ. બનવા જેવી એકાદ પરીક્ષામાં ઉત્તિર્ણ થવાનું સ્વપ્ન હોય છે ત્યારે દિવ્યા મિત્તલે આ ત્રણેયમાં સફળતા મેળવી બતાવી. એટલું જ નહીં આઈ.આઈ.એમ.માંથી એમ. બી. એ. થયા પછી તે લંડનની મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નિમણુંક પામ્યા અને કેટલાક વર્ષો ત્યાં જોબ કર્યા પછી તેને થયું કે મારે મારા દેશમાં બદલાવ લાવવો જરૂરી છે. આ માટે તેને આઈ. એ. એસ. બનવું જરૂરી લાગ્યું તેથી તે લંડનની તગડા પગારની જોબ છોડી ભારત આવ્યા. યુ. પી. એસ. સી. ની પરીક્ષા આપી અને બીજા પ્રયત્નમાં સફળ થયા.૧૩ વર્ષ ઉત્તર પ્રદેશમાં અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં આઝાદી પછી પહેલી વખત મળે તેવી સવલતો અપાવી.હવે તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપતા હલચલ મચી છે.
ભારતમાં આવી શિરમોર ટ્રિપલ શૈક્ષણિક સિદ્ધિ ધરાવનાર હસ્તી આખી શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવે ત્યારે આત્મમંથન તો કરવું જ પડે કે 'આપણી શાળાઓ અને યુનિવર્સિટીઓ ફક્ત 'માર્કશીટ મશીનો' તૈયાર કરી રહી છે, સંવેદનશીલ માનવીઓ નહીં.'
સિસ્ટમ સામે સવાલ
દિવ્યા મિત્તલે ખૂબ જ સચોટ વાત કરી છે કે, 'આપણે આવર્ત કોષ્ટક (Periodic Table) મોઢે કરી લીધું, પણ તૂટેલા હૃદયનું રસાયણશાસ્ત્ર (Chemistry) કોઈએ ન સમજાવ્યું.'
આપણી સિસ્ટમમાં જે મુખ્ય બાબતો ખૂટે છે તેના પર નજર ફેંકવી હવે અનિવાર્ય બનતી જાય છે.
ભાવનાત્મક નિયમન : ક્રોધ, નિરાશા, અપમાન, કે કોઈ સ્વજનના વિયોગ સામે કેમ ટકી રહેવું તે કોઈ પુસ્તક શીખવતું નથી. સ્કૂલની ચુસ્ત શાંતિને આપણે શિસ્ત માની લઈએ છીએ, વાસ્તવમાં તે બાળકના ભાવનાત્મક અવાજને ઘૂંટવાનું કાવતરું બની જાય છે.
ઊંડાણપૂર્વકની વાતચીત : મોટી મોટી નિબંધ કે વક્તૃત્વ સ્પર્ધાઓ જીતનારી યુવા પેઢી કોઈ સાથે સારી રીતે વાતચીત નથી કરી શકતા કેમ કે તેઓ જુદા જુદા ક્ષેત્રમાં શું બની રહ્યું છે તે ઊંડાણથી જાણતા જ નહીં હોઈ સામેની વ્યક્તિ જોડે જોડાવું (કનેક્ટ)કઈ રીતે તે જ નથી જાણતા. હેતુ પણ વાત શું કરવી તે આવડતું જ નહીં હોઈ પોતે માહિતી અને જ્ઞાનથી વંચિત રહે છે. સંવાદ કરવાની શૈલી હશે તો જ કોઈની મૂંઝવણ, વેદના કે ઈચ્છા જાણી શકશો. આવી તાલીમ શિક્ષણમાં નથી સામેલ કરાતી.
ના પાડતા શીખવું : વાસ્તવિક જીવનમાં નેતા, બોસ, સહકર્મી,પરિવારજન કે મિત્ર કઈંક એવું કરવાનું કહે જેનાંથી તમે સંમત નથી તો સારી રીતે ના પાડતા આપણને આવડતું નથી. આ કારણે બહુમતિ જેઓ ન કરવાનું કરે છે તેમાં આપણે પણ સામેલ થઈ જવું પડે છે. કુસંગ, વ્યસન પાછળ આ જ પરિબળ જવાબદાર છે. મોટાભાગના અધિકારીઓ યસ મેન બનીને જ તેમનો કાર્યકાળ પૂરો કરતા હોય છે. સરવાળે તેઓનું પ્રદાન કુસેવા જેવી હોય છે અને અધિકારી કે કર્મચારી આજીવન દોષની લાગણી સાથે જીવન વ્યતિત કરશે.
નાણાકીય સાક્ષરતા : ગણિતના અટપટા દાખલા ગણાવનાર શિક્ષણ એ નથી શીખવતું કે કમાયા પછી પૈસાનું વ્યવસ્થાપન કેમ કરવું, દેવાના બોજથી કેમ બચવું અને ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાયા વિના આર્થિક સ્વાતંત્ર્ય કેમ જાળવવું.
માનસિક સ્વાસ્થ્યનો સ્વીકાર : જ્યારે આખી જિંદગી માત્ર માર્ક્સ પાછળ દોડનાર યુવાન અચાનક સ્પર્ધાત્મક દુનિયાની ભીડમાં એકલો પડે છે, ત્યારે તેને ઘેરી લેતી એકલતા ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. આઝાદી પછી પણ આપણે માનસિક સ્વાસ્થ્યને એક 'વહેમ' કે 'નબળાઈ' ગણીને નજરઅંદાજ કરીએ છીએ. સમાજમાં,ઓફિસ, ધંધા કે વ્યવસાયમાં તનાવ, મંદી, હલકી માનસિકતા સાથેની આજુબાજુની દુનિયા વધતી જાય છે ત્યારે આત્મવિશ્વાસ અને સ્વસ્થ માનસ કેમ ટકાવી રાખવું અને આવા સંજોગોમાં આગળ કેમ વધવું તે પણ એમ. બી. એ. હોવ કે આઈ. એ. એસ. થવાંથી આવડી નથી જતું.અસલામતીની ભાવના પણ વધતી જાય છે.
આપણે ત્યાં અવારનવાર એવા સમાચારો સાંભળવા મળે છે કે કોઈ આઈ.આઈ.ટી.નો ગોલ્ડ મેડાલિસ્ટ કે ટોચની સરકારી સેવાના ઉચ્ચ અધિકારીએ અચાનક રાજીનામું આપી દીધું અને વિદેશ સેટલ થઈ ગયા અથવા આધ્યાત્મિક માર્ગ અપનાવી લીધો.
આના પરથી એમ સાબિત થાય છે કે માત્ર ભૌતિક સફળતા, ગાડી, બંગલો અને બેંક બેલેન્સ વ્યક્તિને અંદરથી સંતુષ્ટ કરી શકતા નથી.
વિક્ટર ફ્રેંકલને નાઝી દ્વારા કોન્સેન્ટ્રેશન કેમ્પમાં મુકવામાં આવેલા. ભયાનક યાતના અને ભીષણતા વચ્ચે તેમણે અનુભવ્યું હતું કે 'મનુષ્યને જીવવા માટે માત્ર ભૌતિક સુખ નહીં, પણ જીવનનો કોઈ ઊંડો 'હેતુ' જોઈએ.'
હતાશાજનક ચિત્ર
આજે ભારતના ટોચના અધિકારીઓ અને યુવા પેઢી એટલા માટે દેશ છોડી રહ્યા છે કે ભારતમાં સિસ્ટમની યંત્રવત્ લાચારી, સતત કામનું પ્રેશર અને આંતરિક ખાલીપો તેમને અંદરથી તોડી નાખે છે. જ્યારે કોઈ ઉચ્ચ પદાધિકારી કે યુવા પેઢી વર્ષો સુધી અવિરત કલાકો કામ કર્યા પછી પણ સિસ્ટમમાં પાયાનો બદલાવ ન લાવી શકે ત્યારે તે લાચારી ડિપ્રેશન કે 'બર્નઆઉટ'માં પરિણમે છે. તેઓ ભૌતિક રીતે સફળ હોવા છતાં આત્મિક રીતે નિરાશ થઈ જાય છે. દિવ્યા મિત્તલે લગભગ ૧૩ વર્ષ સુધી ભારતીય વહીવટી સેવામાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી. ઉત્તર પ્રદેશના દેવરિયા અને મિર્ઝાપુર જેવા જિલ્લાઓમાં તેમણે કરેલા લોકઉપયોગી કાર્યો આજે પણ લોકો યાદ કરે છે. વિકલાંગોને સન્માનજનક જીવન અપાવવું, ખેતરો સુધી પાણી પહોંચાડવું અને જમીનના હકો અપાવવા જેવા કાર્યો કરીને તેમણે સાબિત કર્યું કે સત્તા માત્ર કાગળો પર સહી કરવાની નથી, પણ લોકોના જીવનમાં અજવાળા ફેલાવવાની તક છે.તેઓ કહે છે કે ભારતમાં પ્રત્યેક ફાઈલને કાગળ પરની અરજીઓ નહીં પણ આપણા દેશના નાગરિકોની આજીજી તરીકે નહીં જોવાય ત્યાં સુધી પરિવર્તન લાવવું અઘરું છે.
આત્મશોધ જરૂરી
દિવ્યા મિત્તલના અચાનક રાજીનામા સાથેની વિદાયની નોટ વાંચતા સમજાય છે કે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું પદ અને અંગત મહત્વાકાંક્ષાઓ સંતોષાઈ ચૂકી હતી. પરંતુ એક સરકારી ફાઇલ કે અધિકારીની મર્યાદાઓની પેલે પાર પણ એક વિશાળ દુનિયા છે. ક્યારેક સિસ્ટમની ભીડભાડમાં વ્યક્તિ પોતાની જાતને જ ખોઈ બેસે છે. તેમનું રાજીનામું એ કોઈ ભાગેડુ વૃત્તિ નથી, પરંતુ પોતાની આંતરિક ખુશી, માનસિક શાંતિ અને જીવનના આગામી મોટા સ્વપ્નોને સાકાર કરવાની એક આત્મ-શોધ છે. તેમણે બતાવી આપ્યું કે પદ છોડયા પછી પણ લોકોના દિલમાં જીવી શકાય છે.
આજે ભારતીય યુવાનો સામે સૌથી મોટો ખતરો બેરોજગારીનો તો છે જ, પણ તેનાથી પણ મોટો ખતરો એ છે કે વ્યક્તિ નિષ્ફળ જાય તો પણ ડિપ્રેશન અને હવે તો સફળ થાય તે પછીનું પણ ડિપ્રેશન જોવા મળે છે.આવી મનોદુનિયા અને સમાજ વ્યવસ્થા શિક્ષણમાં કઈંક ખૂટે છે તે તરફ નિર્દેશ કરે છે. જો આપણે સમયસર બાળકોને 'માર્કસ'ની સાથે 'મનની મજબૂતાઈ' નહીં શીખવીએ, તો આવનારી પેઢી શારીરિક રીતે ભલે સક્ષમ હોય, પણ માનસિક રીતે અત્યંત ખોખલી થઈ જશે.
માત્ર આઈ. ક્યુ. નહીં
આનો ઉકેલ શું હોઈ શકે તે વિચારીએ.
શાળાના અભ્યાસક્રમમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ નો સમાવેશ : ગણિત અને વિજ્ઞાન જેટલું જ મહત્વપૂર્ણ 'ભાવનાત્મક બુદ્ધિમત્તા' અને 'માનસિક સ્વાસ્થ્ય'ને આપવું પડશે. બાળકોને નિષ્ફળતા પચાવવાની તાલીમ આપવી પડશે.
સ્પર્ધાથી ઉપર ઉઠીને સહયોગની ભાવના : માર્ક્સની સરખામણી કરવાની સંસ્કૃતિ છોડીને દરેક બાળકની અનન્ય ક્ષમતાને સ્વીકારવી પડશે.
માતા-પિતાની ભૂમિકા: ઘરોમાં માત્ર રિપોર્ટ કાર્ડની ચર્ચા ન થાય, પણ બાળક આજે કેવું અનુભવે છે, તેના મનમાં શું ચાલે છે તેની વાતો થાય તેવું મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે.
દિવ્યા મિત્તલની આ વેદના એ દરેક શિક્ષક, વાલી અને નીતિ ઘડનારાઓને માટે ચીમકી કે ચેતવણી સમાન છે. શિક્ષણ માત્ર રોજગારી મેળવવાનું સાધન નથી. તેવી જ રીતે જીવન માત્ર કમાણી કે પદનું નામ નથી; જીવન એક ઉત્સવ છે, જેનો આનંદ માણવો એ પણ એક કળા છે.
જો આપણે ખરેખર ભારતને વિશ્વગુરૂ કે એક સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું હશે, તો શાળાઓમાં માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ 'ખુશ રહેવાની કળા', આત્મવિશ્વાસ જેવા ગુણો અને માનસિક સંભવિત પડકારો પર કાબુ કઈ રીતે મેળવવો તે પણ શીખવવું પડશે.
પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થી દેશને સારો એન્જિનિયર કે અધિકારી આપી શકે છે, પરંતુ એક ભાવનાત્મક રીતે સ્વસ્થ અને ખુશખુશાલ નાગરિક જ એક સુંદર અને શાંતિપૂર્ણ પરિવાર અને સમાજનું નિર્માણ કરી શકે છે.
શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર : શાળાઓમાં 'લાઇફ સ્કિલ્સ' અને 'મેન્ટલ વેલબીઇંગ' ના વિષયો ફરજિયાત બનવા જોઈએ, જેમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિષ્ફળતા પચાવવાની તાલીમ આપવામાં આવે.
જ્ઞાન પોસ્ટ
પુસ્તકોમાં શીખવાડવામાં આવે છે કે થોમસ એડિસને ૧૦૦૦ નિષ્ફળતાઓ પછી બલ્બ બનાવ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં વિદ્યાર્થીને કોઈ એવું નથી કહેતું કે 'તું પરીક્ષામાં કે ઇન્ટરવ્યુમાં વારંવાર નિષ્ફળ જાય તો પણ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર પ્રયત્ન કરતો રહીશ તો સફળ થઈશ.. અને કદાચ સફળ ન થાય તો પણ તું એક મૂલ્યવાન વ્યક્તિ જ રહીશ.