Shatdal

બંધની ઊંચાઈ : ફાયદા-ગેરફાયદા

By GS Team
8 Sep 20264 mins read
બંધની ઊંચાઈ : ફાયદા-ગેરફાયદા
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ

થાઇલેન્ડમાં પાક મૂન ડેમની ડિઝાઇન તૈયાર થઈ ત્યારે ૨૦,૦૦૦ લોકોને સ્થળાંતર કરવું પડે તેમ હતું. પણ પછી આખી ડિઝાઇનમાં મામૂલી ફેરફાર કર્યો અને ઊંચાઇમાં પણ કંઈક બાંધછોડ કરી તો માત્ર બે હજાર લોકો જ સ્થળાંતરિત થયા. અમુક હજાર લોકો સ્થળાંતરિત થાય છે, પણ તેની સામે લાખ્ખો લોકોને પાણી અને વીજળી મળે છે. પાણીના ડેમ દ્વારા વાતાવરણમાં કોઈ બગાડ થતો નથી. માત્ર વરાળ જ પેદા થાય છે. પણ અણુશક્તિના પ્લાંટથી પર્યાવરણ બગડવાનો ભય રહે છે! અણુપ્લાંટનો જાળવણીખર્ચ જબ્બર હોય છે. પણ જળવિદ્યુત પ્લાંટની જાળવણી મામૂલી હોય છે. વીજળીની ઓછીવત્તી માગ સાથે જળવિદ્યુત પ્લાંટને ટર્ન ઓન અને ટર્ન ઓફ કરી શકાય છે. જ્યારે વીજળીની માગ વધે ત્યારે જળવિદ્યુત પ્લાંટ તેને સારી રીતે સંતોષી શકે છે. કેલિફાર્નિયામાં તોલુજા નદીને કાંઠે ડેમ બંધાવાનો હતો ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે દલીલ કરી કે આ નદીમાં મચ્છી પાલન વગેરે થાય છે તેમ જ વોટર રાફટિંગનો મનોરંજન ઉદ્યોગ છે તેમાં ૨૧.૪ કરોડ ડોલરની આવક છે. જ્યારે તેમાં બંધ બાંધવાથી વીજળી અને પાણી મળશે છતાં ૨.૬ કરોડ ડોલરનો ઓછો ફાયદો થશે. આટલા તફાવત ખાતર ડેમ બંધ રહ્યો.

અમેરિકામાં પણ પત્ની પિડિત પતિઓનું યુનિયન
લંડનમાં પતિદેવો પત્નીને માર મારે તે માટેની ફરિયાદ નોંધવા સંખ્યાબંધ પોલીસ સ્ટેશનો ઊભાં થયાં છે. પણ અમેરિકામાં જુદો જ પ્રોબ્લેમ ઊભો થયો છે. મિકાસોટા રાજ્યમાં સેન્ટ પોલ ગામે પુરુષોનું અક મંડળ ઊભું થયું છે. તેમાં માથાભારે પત્નીથી ત્રાસેલા પતિદેવોને રક્ષણ મળશે. 'ડિમેસ્ટિક રાઇટસ કો-ઍલિશન' નામના મંડળે 'ન્યુ યોર્ક ટાઇમ્સ'માં જાહેરખબર આપી છે : 'હે માટીડાઓ, તમને તમારી પત્ની લાફા મારે છે? લાતો લગાવે છે? કે ગુસ્તા મારે છે? તો એ ગેરકાનૂની છે અને હવે તમારે પત્નીનો ત્રાસ વધુ સમય સહન કરવો ન જોઈએ, અમને મળો.' અમેરિકાના ૬૦૦૦ યુગલોનું સર્વેક્ષણ કરતાં માલૂમ પડયું કે પુરુષો પત્નીને મારે છે તેટલો જ માર પત્નીઓ પણ અમેરિકન પુરુષોને મારે છે. માત્ર એટલું બહાર આવ્યું છે કે પહેલો ઘા પુરુષ મારે છે અને છેલ્લો ઘા પત્નીનો હોય છે. પત્નીઓ મારવા કરતાં કરડી વધુ જાય છે. કેલિફોર્નિયામાં ેએક કેન્સરપીડિત પતિએ પત્નીને પૂછયા વગર ચોકલેટ ખાધી એટલે પત્નીને તેના ઉપર ખિજાઇ ગઈ અને તેના પલંગ ઉપર પેટ્રોલ છાંટીને પતિને આગ ચાપી દીધી.


જૈન ધર્મમાં શબ્દોનો ઝીણવટથી ઉપયોગ
શબ્દોનો જે ઝીણવટથી જૈન દર્શને ઉપયોગ કર્યો છે એવો અન્ય કોઈ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાને જતાં જીવોને દુ:ખ ઉપજાવવાના પ્રકારો ઇરિયાવહિયં સૂત્રમાં વર્ણવ્યા છે : સામા આવતાં પગથી હણ્યાં હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંક્યાં હોય, જમીન સાથે ઘસાયાં હોય, અંદર અંદર એકબીજાનાં શરીરને મેળવ્યાં હોય, સ્પર્શ કરીને દુભવ્યાં હોય, દુ:ખ દીધાં હોય, મરણ તોલ કર્યાં હોય, ત્રાસ ઊપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂકયાં હોય, પ્રાણરહિત કર્યાં હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યાં થાઓ. જીવોની નિરાધના થઈ હોય. કઈ રીતે? જીવોને પગથી ચાંપવાથી, વાવેલા બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, પાંચ વર્ણની શેવાળને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી, કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ.


તબિયતની કાળજી રાખવામાં દરેક રાષ્ટ્રની વિચિત્ર ખાસિયત
'સન્ડે ટાઇમ્સે' એક સર્વેક્ષણ કર્યું છે તેમાં કહ્યું છે કે જગતમાં કેટલાક રોગો કે શરીરની તકલીફો રાષ્ટ્રીય ચારિત્ર્ય સાથે જડાયેલી છે. બીરબલના કહેવા પ્રમાણે ભારતનો રાષ્ટ્રીય રોગ કબજિયાત છે. કદાચ આ કબજિયાત હોવાની મેન્ટાલિટી આપણને અંગ્રેજો તરફથી મળી છે. અંગ્રેજો હંમેશાં સવારે દસ્ત સાફ આવે તેની ચિંતા બહુ રાખે છે. તેથી જુલાબની ગોળીઓ બ્રિટનમાં સૌથી વધુ ખપે છે. જર્મન લોકો હૃદયરોગના હુમલાથી બહુ ડરે છે. એટલે વધુમાં વધુ હૃદયરોગની દવા જર્મનીમાં ખપે છે. ફ્રૅન્ચ લોકો દારૂ બહુ પીએ છે એટલે તેમને લીવર બગડવાની બહુ બીક લાગે છે. એટલે લીવરની દવા બહુ ખાય છે. પણ ફ્રાન્સમાં વધુ મરણો લીવરના રોગથી જ થાય છે. અમેરિકનોને હેલ્થ ચેક-અપ અને ઍપેન્ડિક્સના ઓપરેશનનો બહુ શોખ છે. તબિયતની કાળજી રાખવામાં પણ દરેક રાષ્ટ્રમાં વિચિત્ર ખાસિયતો હોય છે. ફ્રેન્ચ લોકો પોતાને તાવ છે કે નહીં તેનો સ્પષ્ટ ખ્યાલ રાખવા માગે છે. જર્મન લોકો હૃદયરોગની દવા અમેરિકનો કરતાં છ ગણી લે છે અને બસમાં કે ટ્રેનમાં પોતે હૃદયરોગની ટીકડી ગળે તેમાં ગૌરવ પણ અનુભવે છે!


બાળકને મારવાની અનોખી સજા
કેલિફોર્નિયાની કોર્ટે ડારલિન જોનસન નામની મહિલાને મજેદાર સજા ફરમાવી છે. કેલિફોર્નિયામાં સગી મા તેના બાળકને મારી શકતી નથી. ડારલિને તેના બાળકોને સતત મારવા માંડયાં એટલે એક બાળકે પોલીસમાં ફરિયાદ કરી, ડારલિન પર કોર્ટમાં કામ ચાલ્યું અને ૧ વર્ષની કેદની સજા થઈ પણ કોર્ટને આટલું પૂરતું ન લાગ્યું. કોર્ટે ડારલિનને ફરજ પાડી કે એક નવી જ જાતનું સંતતિનિયમનનું સાધન તેના શરીરમાં બેસાડી દેવું જેથી તેને પાંચ વર્ષ સુધી બાળકો જ ન થાય.