Shatdal

ચીન: સૌથી ખતરનાક પાડોશી!

By GS Team
8 Sep 20264 mins read
ચીન: સૌથી ખતરનાક પાડોશી!
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • ચીન પોતાને એશિયા ખંડની મહાસત્તા સમજે છે અને આડોશપાડોશનાં નાનકડા દેશોને સતત પરેશાન કરે છે.

દુ નિયાભરના લોકોને સ્તબ્ધ કરી દે એવી ભીષણ કરુણાંતિકા ગયા પખવાડિયે નેપાળમાં સર્જાઇ ગઇ. સેંકડો લોકોના જાનમાલની ખુવારી થઇ અને અનેક લોકો લાપતા થયા. આખાનાં આખાં ગામડાં નકશા પરથી અલોપ થઇ ગયાં. અબજો રૂપિયાનું નુકસાન થયું. ઇન્ટરનેશનલ મિડિયામાં એવા અહેવાલો વહેતા થયા કે ચીને ધાર્યું હોત તો આ કરુણાંતિકા નિવારી શક્યું હોત. ચીને નેપાળને સમયસર અને પૂરતી ચેતવણી આપી નહીં પરિણામે નેપાળ ઊંઘતું ઝડપાઇ ગયું. માર્યા ગયેલા કે લાપતા થયેલા લોકોમાં વિદેશી પર્યટકો પણ હતા. ચીને જો કે એવો દાવો કર્યો કે અમે નેપાળને સમયસર અને પૂરતી માહિતી આપી જ હતી. ઇન્ટરનેશનલ મિડિયા ચીનના આ દાવાને સ્વીકારતું નથી. સ્વાભાવિક છે, પાંચ છ વર્ષ પહેલાં દુનિયાભરમાં હાહાકાર ફેલાવનારા કોરોના-કોવિડ રોગચાળા વિશે ચીને ક્યાં કોઇને જાણ કરેલી ? ચીન એક નંબરનું જૂઠ્ઠાડું છે.
ચીન શિયાળ જેવું ખંધું અને ખેપાની રાષ્ટ્ર છે. આપણને તો એની આડોડાઇનો અનુભવ છેક પંડિત જવાહરલાલ નહેરુના સમયથી છે. હિંદી ચીની ભાઇ ભાઇ કહીને ચીને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતો. છેલ્લા થોડા સમયથી ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ગણાવીને એ તરફની સરહદ પર નાનાં નાનાં ગામડાં વસાવી રહ્યું છે. ભારતીય લશ્કર સતત આંખમાં તેલ આંજીને સાવધ રહે છે. તમે ક્યારેય વિચાર કર્યો છે કે પાડોશી તરીકે ચીન કેવું ગણાય ? પાકિસ્તાન તો ઊઘાડું છે. સમગ્ર વિશ્વ હવે જાણે છે કે જિહાદી આતંકવાદ પાકિસ્તાનનું સર્જન છે. પરંતુ ચીન છાનુંમાનું જે કાવતરાં કરે છે એ જલદી ધ્યાનમાં આવતાં નથી.
બહુ ઓછા લોકો જાણે છે કે ઓછામાં ઓછા ચૌદ દેશોની સરહદ ચીન સાથે જોડાયેલી છે. મોટા ભાગના દેશો જોડે ચીને લાઇન ઑફ કન્ટ્રોલ (એલઓસી)ના મુદ્દે સમજુતી કરી લીધી છે. એકમાત્ર ભારત સાથે એ સતત આડોડાઇ કરતું રહ્યું છે. ૨૦૨૦માં કોરોના આવ્યો એ પહેલા ભારત અને ચીન વચ્ચે લશ્કરી અથડામણ પણ થઇ ગઇ. જો કે તાજેતરમાં બીજીંગમાં સ્પેશિયલ રેપ્રેઝન્ટેટીવ્સ ટૉક યોજાઇ ગઇ. કામચલાઉ સમાધાન જેવું થયું. આમ છતાં ચીન ક્યારે કેવું કપટ કરશે એ કલ્પી શકાય નહીં. ઝડપી વિકાસશીલ દેશ તરીકે ભારત આગળ વધે એ ચીન સહી શકે એમ નથી. એ સતત ભારતને પજવ્યા કરે છે અને પજવતું રહેશે.
ભારત ઉપરાંત ચીન અન્ય દેશોને પણ સતત કનડે છે. સાઉથ ચાઇના સી તરીકે ઓળખાતા મહાસાગરમાંથી પસાર થતા ફિલિપાઇન્સ, મલેશિયા, વિયેતનામ અને બ્રુનેઇનાં જહાજો પર ચીની કોસ્ટગાર્ડ સતત કોઇ દેખીતા કારણ વિના આક્રમણો કરતું રહે છે. ચીન પોતાને એશિયા ખંડની મહાસત્તા સમજે છે અને આડોશપાડોશનાં નાનકડા દેશોને સતત પરેશાન કરે છે. ચીની કોસ્ટગાર્ડ અગાઉ જણાવેલા દેશોના જહાજો પર જળતોપ, ઇરાદાપૂર્વકની ટક્કર જેવા આક્રમણો દ્વારા જીવન જરૂરી પુરવઠો લઇ જતા જહાજોને નુકસાન પહોંચાડે છે.
નેપાળ તરફ ચીનની નારાજીનું એક કારણ આ છે. ઝેન જીએ હિંસક દેખાવો દ્વારા ચીનતરફી નેતા પ્રચંડની માર્ક્સવાદી સરકારનું પતન સર્જ્યું એટલે ચીન રોષે ભરાયું. પ્રચંડની સરકાર દ્વારા નેપાળ પર ચીન પોતાનું પ્રભુત્ત્વ કાયમી કરવા માગતું હતું. પ્રચંડની સરકારના પતનથી એ શમણું રોળાઇ ગયું. શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને કહેવાતા ઓછા વ્યાજની લોન આપીને ચીન પોતાના ઓશિયાળા કરી નાખ્યા છે. પાકિસ્તાનમાં બલુચી લીબરેશન ફ્રન્ટ દ્વારા જે હિંસક દેખાવો થઇ રહ્યા છે એની પાછળ પણ પાકિસ્તાને ચીનને આપેલી ગ્વાદર પોર્ટ જેવી સગવડો જવાબદાર છે. બલુચીઓ માને છે કે ચીન અમારા પ્રદેશને લૂંટી લેવાનો લાગ શોધી રહ્યું છે.
નેપાળની જેમ તાઇવાન પર ચીનનો ડોળો છે એ તો હવે આખી દુનિયા જાણે છે. આપણા અરુણાચલ પ્રદેશની જેમ તાઇવાનનો કેટલોક હિસ્સો ચીને લગભગ પચાવી પાડયો છે અને હજુ પણ એને તાઇવાનનો કેટલોક હિસ્સો પડાવી લેવો છે. એની તાઇવાન તરફની મેલી મુરાદને કારણે જપાને વિવાદગ્રસ્ત સેંકાકુ આઇલેન્ડ પર સતત બાજનજર રાખવી પડે છે.
અહીં ઔર એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ચીન ધારે તો નેપાળ જેવી કરુણાંતિકા ભારતમાં પણ સર્જી શકે. એ બ્રહ્મપુત્ર નદીના વિનાશકારી પૂર ભારતમાં ધસમસતા કરી શકે. પરંતુ એ જાણે છે કે આવું કરે તો ભારત કરતાં જાનમાલની સૌથી વધુ ખુવારી બાંગ્લાદેશમાં થાય. બાંગ્લાદેશમાં ચીનનું જંગી મૂડી રોકાણ અને અન્ય સવલતો છે. એટલે ખુદ ચીનને આવી કરુણાંતિકાથી નુકસાન થાય.
આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ભારતની વ્યાપારી આલમે અને ખાસ તો મારાતમારા જેવા નાગરિકોએ ખાસ સંકલ્પ કરવો જોઇએ કે અમે ચીની માલ ખરીદીશું નહીં. ખાસ કરીને નવરાત્રિ-દિવાળી જેવા તહેવારોએ ઝાકઝમાળ કરતા અને કલરફૂલ રોશની સર્જતા ઇલેક્ટ્રોનિક તોરણો તેમજ ચીની ફટાકડાનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઇએ. એજ રીતે ભારતના વેપારી-ઉદ્યોગપતિઓએ ચીનનો સસ્તો પણ તકલાદી માલ લેવાનું બંધ કરી દેવું જોઇએ. ચીન આપણને આટઆટલું હેરાન કરે છે છતાં આપણે ચીની માલસામાન લેવાનું છોડતા નથી.