ડાયાબિટીસ ઉપયોગી ઉત્તમ ઔષધિઓ

- એન્ટિસેપ્ટીક દવાઓ લગાવ્યા પછી પણ ન રૂઝાતા, સડતા ઘા-ગૂમડા પર કાળી જીરીના બારીક ચૂર્ણનો બાહ્ય પ્રયોગ અજમાવી જોવા જેવો છે
આ પૂર્વેના લેખમાં ડાયાબીટીસ માટે ઉપયોગી વિવિધ ઔષધિઓ વિષે જાણ્યું. આજે, આ રોગ સાથે સંકળાયેલ લક્ષણ સમુદાય પર અસરકારક અન્ય ઔષધિઓ વિશે.
પુનર્નવા (સાટોડી) : મૂત્રલ ગુણ ધરાવી સોજા દૂર કરતી, કિડનીની કાર્યક્ષમતા સુધારી વિષ તત્વોનો નિકાલ કરતી આ ઔષધિ સાચા અર્થમાં તેના નામ 'પુનર્નવા'ને સાર્થક કરતાં રક્તકોષો (ર્ર્મ્નગ ભીનનજ)ને નવું જીવન આપવા પુનર્જીવિત કરવા સક્ષમ છે.
ડાયાબીટીસના રોગીઓના હૃદયના સ્નાયુઓની નબળાઈ, હાથ-પગમાં સોજા, મૂત્રમાં વધતા પસ સેલ્સ, ક્રિએટીનીન અને આલ્બ્યુમીન માટે આ ઔષધિ રામબાણ છે.
માત્રા : પાંચ ગ્રામ. સમય : સવારે હાજત પછી, મર્યાદા : નિત્ય ત્રણ-ચાર મહિના સુધી.
કાળી જીરી : કાળી જીરીના દાણાનો આકાર ચોખાના દાણાને મળતો આવે એ ઔષધિની પરખ. રક્તના ઘટકતત્ત્વોને સમ્યક રાખનાર અને ત્વચાના રૂઝાતા ગૂમડા પર ઉપયોગી છે. વિશેષ કરીને ડાયાબીટીક ગેન્ગ્રીન પર અક્સીર છે.
જૂના વખતમાં જ્યારે કેમિકલયુક્ત જંતુનાશક શોધાયા ન હતા ત્યારે કાળી જીરીના બારીક ચૂર્ણને રેશમી વસ્ત્રો અને પુસ્તકો પર છાંટી જંતુ-જીવાતથી બચાવ કરવામાં આવતો. વિસરાઈ ગયેલ આ વાત આજે પણ સાર્થક છે. એટલું જ નહિ એન્ટિસેપ્ટીક દવાઓ લગાવ્યા પછી પણ ન રૂઝાતા, સડતા ઘા-ગૂમડા પર કાળી જીરીના બારીક ચૂર્ણનો બાહ્ય પ્રયોગ અજમાવી જોવા જેવો છે.
માત્રા : બે થી પાંચ ગ્રામ, સમય : બપોર અને સાંજના ભોજનના બે કલાક પછી. મર્યાદા: બે મહિના સુધી.
કડવો લીમડો : વનશ્રીને વૈભવ એવો લીમડો અસંખ્ય રોગોની ઔષધિ છે. એ વિષે ઘણું સુવિદિત હોઈ ટૂંકમાં ડાયાબીટીસના રોગીઓ માટે લીમડા વિષે જરૂરી માહિતી. વાચકમિત્રોએ જાણવું ઘટે કે લીમડો શુક્રાણું - વીર્ય (Sperm) પર નકારાત્મક અસર કરતો હોઈ, બાળકની ઈચ્છા રાખનાર ડાયાબીટીસના દર્દીઓએ એનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
ડાયાબીટીસ સાથે ક્ષય (TB) કે અન્ય ચેપ (Infection) સંલગ્નિત હોય તેમના માટે લીમડાનું સેવન લાભદાયી છે.
જર્નલ ઑફ ઈન્ડિયન કેમિકલ્સ સોસાયટીના અહેવાલ મુજબ લીમડાના પાનમાં રહેલ નિમ્બોસ્ટિરાલ નામનું તત્ત્વ TB જેવા રોગ પર પ્રભાવક અસર બતાવે છે. સાથે સાથે એડ્રીનેલીન પ્રણાલીની વિફળતા અંતર્ગત ગ્લાઈસેમિયા (રક્તમાં વધતી શર્કરા)ને નિયંત્રિત કરવાનું કામ પણ આ તત્ત્વને જ આભારી છે. માત્ર : બે ગ્રામ, સમય : સવારે હાજત જતાં પહેલા, મર્યાદા : બે મહિના સુધી.
ગરમાળો : ડાયાબીટીસના રોગીઓના વિશિષ્ટ લક્ષણો અનુસાર પીળા-કેસરી રંગનું મૂત્ર, મૂત્રમાર્ગમાં દાહ, બળતરા, દુ:ખાવો, મૂત્ર અવયવનું સૂજી જવું. એ સ્થાને ફોડલી કે ચાંદી પડવી, કઠણ ઝાડો અને કબજીયાત - આ બધા લક્ષણો પર ગરમાળાની શીંગોમાં રહેલી મજ્જા બે થી પાંચ ગ્રામ સવારે હાજત જતાં પહેલા ગરમ પાણીમાં મેળવી લેવી. મર્યાદા : પંદર દિવસથી એક મહિનો.




