Shatdal

સંબંધોમાં નાદારી : બધું ગુમાવ્યા પછી પણ પોતાની જાતને કેવી રીતે બચાવવી?

By GS Team
15 Sep 20265 mins read
સંબંધોમાં નાદારી : બધું ગુમાવ્યા પછી પણ પોતાની જાતને કેવી રીતે બચાવવી?
  • વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
  • 'તમારું રોકાણ ડૂબી શકે છે… તમારું અસ્તિત્વ નહીં.'

ના દારી એટલે શું? બેંકમાં પૈસા ખૂટી જાય, ધંધો પડી ભાંગે, મિલકત વેચવી પડે, દેવું વધી જાય, આપણે તેને નાદારી કહીએ છીએ. પરંતુ મનોચિકિત્સક તરીકે વર્ષોથી માણસોના મન અને સંબંધોને નજીકથી જોતાં મને લાગે છે કે એક બીજી નાદારી ઘણી વધારે પીડાદાયક હોય છે.
સંબંધોની નાદારી! જેમાં બેંક ખાતું ખાલી નથી થતું, પણ માણસનું મન ખાલી થઈ જાય છે.
આખી જિંદગી સંતાનોને ભણાવવા-ગણાવવા પાછળ પૈસા, સમય અને લાગણીઓનું રોકાણ કર્યું હોય. તેમની કારકિર્દી માટે પોતાની જરૂરિયાતો પાછળ મૂકી હોય. સગાંઓ માટે જાત ઘસી નાખી હોય. મિત્રોની મુશ્કેલીમાં રાત-દિવસ જોયા વગર દોડી ગયા હોઈએ. જીવનસાથી કે કોઈ નજીકના સંબંધને સાચવવા માટે પોતાના અહંકારથી લઈને સપનાઓ સુધી ઘણું જતું કર્યું હોય. અને પછી જીવનના કોઈ પડાવે અચાનક અનુભવ થાય-
'જે સંબંધોને હું મારી જિંદગીની મૂડી સમજતો હતો, એ જ મૂડી આજે ડૂબી ગઈ!'
સંતાનો પાસે સમય નથી. સગાં હવે માત્ર પ્રસંગોમાં મળે છે. મિત્રોનો મેળો હતો, પણ મુશ્કેલી આવી ત્યારે ગણતરીના લોકો જ બાકી રહ્યા. જેના માટે આખી જિંદગી કાઢી તે વ્યક્તિ જ એક દિવસ કહી દે- 'હવે મારે મારી રીતે જીવવું છે.' આવી સ્થિતિમાં માણસ આર્થિક રીતે નહીં, લાગણીથી નાદાર થઈ જાય છે.
થોડાં વર્ષો પહેલાં મારી સામે લગભગ સાઠેક વર્ષની એક વ્યક્તિ બેઠી હતી. ઓળખ અને પરિસ્થિતિ બદલેલી છે, પરંતુ તેમની લાગણી અનેક લોકોની સાચી લાગણીનું પ્રતિબિંબ છે. આર્થિક રીતે સુખી. સામાજિક રીતે સફળ. સંતાનો ઉચ્ચ શિક્ષિત અને પોતપોતાના જીવનમાં સ્થિર. બહારથી જોઈએ તો જીવનમાં કોઈ ખોટ નહીં. પરંતુ વાત કરતાં કરતાં તેમની આંખ ભીની થઈ ગઈ. તેમણે કહ્યુ :
'ડૉક્ટર, પૈસા ગુમાવ્યા હોત તો ફરી કમાઈ લેત. મેં તો મારી આખી જિંદગી માણસોમાં રોકાણ કર્યું હતું, આજે એવું લાગે છે કે મારું બધું રોકાણ ડૂબી ગયું.'
વાક્ય ખૂબ ઊંડું હતું. તેમણે સંતાનો માટે પોતાની ઘણી ઇચ્છાઓ છોડી હતી. તેમની શિક્ષણ અને કારકિર્દી માટે પૈસા કરતાં વધુ સમય અને લાગણી આપી હતી. સગાં-સંબંધીઓ માટે વર્ષો સુધી હાજર રહ્યા હતા. મિત્રો માટે પોતાનું કામ મૂકીને દોડયા હતા. હવે સંતાનો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. કેટલાક નજીકના સંબંધોમાં અંતર આવ્યું હતું. વર્ષો જૂની મિત્રતાઓ પણ બદલાઈ ગઈ હતી. તેમનો મૂળ પ્રશ્ન હતો :
'મેં બધાના માટે આટલું કર્યું… તો આજે મારી પાસે કોણ છે?'
આ પ્રશ્ન માત્ર તેમનો નહોતો. મારા ક્લિનિકમાં આવા શબ્દો જુદી જુદી રીતે વારંવાર સાંભળવા મળે છે. 'મારા માટે કોઈએ વિચાર્યું જ નહીં.'
'મેં મારા માટે જીવન જીવ્યું જ ક્યારે?'
'જેના માટે બધું કર્યું એ જ આજે મારી કિંમત નથી સમજતું.'
આ પીડાને માત્ર ડીપ્રેસન કહી દેવું પૂરતું નથી. ક્યારેક આ જીવનભરની લાગણીના રોકાણને ગુમાવ્યાનો શોક હોય છે.
આપણે સંબંધોમાં માત્ર પ્રેમ નથી રોકતા
સંબંધમાં આપણે માત્ર સમય કે પૈસા નથી આપતા. આપણે તેમાં આપણી ઓળખ (Identity) પણ રોકીએ છીએ. એક માતા ધીમે ધીમે પોતાને માત્ર 'માતા' તરીકે જોવા લાગે છે. એક પિતા પોતાની સફળતાને સંતાનની સફળતા સાથે જોડે છે. પતિ કે પત્ની પોતાની ઓળખનો મોટો ભાગ લગ્ન જીવન માં મૂકે છે.
કોઈ મિત્ર કહે છે, 'એના વગર હું અધૂરો છું.'
આને મનોવિજ્ઞાનની ભાષામાં Identity Investment કહી શકાય.
સમસ્યા પ્રેમ કરવામાં નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે- 'મારો સંબંધ' ધીમે ધીમે 'મારું સંપૂર્ણ અસ્તિત્વ' બની જાય છે. પછી સંબંધ બદલાય ત્યારે માત્ર વ્યક્તિ દૂર નથી જતીત માણસને પોતાની ઓળખનો એક ભાગ ખસી ગયો હોય એવું લાગે છે. એટલે જ કેટલીક વાર સંતાન વિદેશ જાય ત્યારે માતા-પિતાને માત્ર ખાલી ઘર નથી લાગતું, પોતાની જરૂરિયાત જ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે.
લગ્ન તૂટે ત્યારે આપણે માત્ર જીવનસાથી ને નથી ગુમાવતા, પરંતુ 'હવે હું કોણ અને મારું કોણ?' એવો પ્રશ્ન ઊભો થાય છે.
પ્રેમ ક્યારે હિસાબ બની જાય છે?
સંબંધોમાં એક અદ્રશ્ય પાસબુક હોય છે. આપણે કદાચ લખતા નથી, પણ મન નોંધ રાખે છે,
'તેના મુશ્કેલ સમયમાં હું ઊભો હતો.'
'તેને ભણાવવા મેં કેટલું કર્યું!'
'મેં મારી ઇચ્છાઓ છોડી.'
'મારે જરૂર પડશે ત્યારે એ ચોક્કસ મારી સાથે રહેશે.'
આ અપેક્ષાઓ માનવીય છે. પરંતુ અહીં એક માનસિક ભૂલ થઈ શકે છે- પ્રેમને Fixed Deposit સમજી લેવાની. માણસ માને છે કે આજે આપેલી લાગણી આવતીકાલે વ્યાજ સાથે પાછી મળશે. પરંતુ સંબંધો બેંક નથી. લાગણીનું રોકાણ વળતરની ખાતરી સાથે આવતું નથી.આ વાક્ય કડવું છે, પરંતુ ઘણી માનસિક પીડામાંથી મુક્તિ અપાવી શકે છે. સંતાનોને પ્રેમથી ઉછેરવાં એ આપણી જવાબદારી અને પસંદગી હતી. મોટા થયા પછી તેઓ આપણા વિચારો પ્રમાણે જ જીવશે તેનો કરાર નહોતો.
મિત્રને મદદ કરી હતી કારણ કે તે સમયે આપણને એ યોગ્ય લાગ્યું હતું. તેથી એ મિત્ર જીવનભર આપણી અપેક્ષા મુજબ જ વર્તશે એની ખાતરી નહોતી. આ સમજણ સંબંધોને લાગણી શૂન્ય બનાવતી નથી. પરંતુ સંબંધોને વધુ પરિપક્વ બનાવે છે.
એડીસનની ફેક્ટરી બળી ગઈ… એડીસન નહીં
જે લોકો માનવીય સંબંધોમાં નાદાર થઇ હતાશા અનુભવતા હોય તેમણે થોમસ આલ્વા એડીસનની એક સત્ય વાતથી જીવનમાંથી શીખ મેળવવી જોઈએ. ૧૯૧૪ની એક રાત્રે અમેરિકાના વેસ્ટ ઓરેન્જ ખાતે એડીસનના ઔદ્યોગિક સંકુલમાં ભયાનક આગ લાગી. એડીશન ત્યારે ૬૭ વર્ષના હતા. તેમની વર્ષોની મહેનતનો મોટો ભાગ આંખ સામે આગમાં ખાખ થઈ રહ્યો હતો.
કલ્પના કરો, ૬૭ વર્ષની ઉંમર. વર્ષોની મહેનત. આંખ સામે વિનાશ. આ ઉંમરે માણસ હતાશામાં ભાંગી પડી એમ કહે કે :
'બસ, હવે મારું બધું ખતમ થઇ ગયું.'
પરંતુ એડીસને કહ્યું હતું :
'હું ૬૭ વર્ષનો છું, પણ નવી શરૂઆત કરવા માટે હજી વૃદ્ધ નથી થઇ ગયો.'
તેમણે ફરી કામ શરૂ કર્યું.
આ ઘટનાનો સંબંધો સાથે શું સંબંધ? ખૂબ મોટો. એડીસનની ઇમારતો બળી હતી.
એડીસનની સર્જનક્ષમતા નહોતી બળી. તેમની સંપત્તિને નુકસાન થયું હતું.
તેમની પોતાની કિંમત નષ્ટ નહોતી થઈ. આ જ ભેદ જીવનમાં શીખવાનો છે.
સંબંધ નિષ્ફળ થયો છે-તમે નહીં
કોઈ સંતાન તમારી અપેક્ષા પ્રમાણે ન વર્તે એટલે માતા કે પિતા તરીકે તમારી આખી જિંદગી નિષ્ફળ ગઈ નથી.
લગ્ન તૂટી ગયું એટલે તમારી પ્રેમ કરવાની ક્ષમતા નિષ્ફળ નથી થઈ.
મિત્રે દગો આપ્યો એટલે તમારી મિત્રતા એક મૂર્ખામી નહોતી.
તમે કોઈ માટે ઘણું કર્યું અને તેણે તેની કિંમત ન કરી-
તો તેનો અર્થ એ નથી કે તમારી લાગણી કિંમત વિનાની હતી.
મનોવિજ્ઞાનમાં આ ભેદ અત્યંત મહત્વનો છે :
'મારી સાથે ખરાબ બન્યું છે'
અને
'મારું આખું જીવન ખરાબ છે'
આ બંને વાક્યો વચ્ચે આખી માનસિક તંદુરસ્તીનો તફાવત છે.
એક ઘટના જીવનનો અધ્યાય છે.
આખું પુસ્તક નહીં. (ક્રમશ:)
ન્યુરોગ્રાફ :
નીંદ ભી ખુલી ન થી કે હાય ધૂપ ઢલ ગઈ.
પાંવ જબ તલાક ઉઠે કી જિંદગી ફિસલ ગઈ