Shatdal

ચરમ સીમા પાર કરે બદામીની મંદિરકળા

By GS Team
7 Jul 20265 mins read
ચરમ સીમા પાર કરે બદામીની મંદિરકળા

રસવલ્લરી-સુધા ભટ્ટ
ખુલ્લા મંડપોમાં રાજદ્વારી રહેઠાણોનાં ભગ્નાવશેષો
ગુફાઓમાં ઘૂમી આવી, ખડક પરથી ઉતરી નાનકડા રૂપકડા સીધા સાદા ગામ બદામીની સડકો પર ફરી વળીએ કે પછી રીક્ષા કે ટેક્સી લઇને નીકળી પડીએ અને સ્થાનિક ખાણી પીણીનો લાભ લેતાં લેતાં શક્ય એટલાં તીર્થોમાં અટન કરી લઇએ. હા, અહીં ગુંબજવાળી એક મસ્જિદ પણ નજરે ચડે જેની જાળી ભાત ઇસ્લામી શૈલીનો પરિચય કરાવે. સંબંધોને પરસ્પર સરભર કરાવે એવું એ સ્થાન. નમન ! અનેક હિંદુ મંદિરો અહીં સચવાયાં છે જેમાંથી કેટલાંક વધુ પ્રસિધ્ધિ પામ્યાં છે અને જે સ્થાનો હજુ પ્રવૃત્ત છે તેને સ્થાનિકો પ્રેમથી સાચવી રહ્યાં છે. ઘડિયાળ જોઇને નીકળીએને ! જેથી આગલી સાઇટનું ય માન જળવાય. 'ભૂતનાથ મંદિર સંકુલ'નાં રૉક કટ મંદિરો સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયાં છે. શિવજી અહીં ભૂતનાથ સ્વરૂપે બિરાજે છે. શિવલિંગ નાનું અને ભીંતે પણ 'રિલીફ' શિલ્પ દેખાય. ક્યાંક ક્યાંક નાનાં-મોટાં શિખરભેર મંદિરો શ્યામલ ગુલાબી રંગનાં દેખાય 'બોલ્ડર' એટલે કે પવન-પાણીથી ઘસાઈ ગયેલાં મોટા પથ્થરો પર કવચિત કાષ્ઠ શિલ્પો પણ હાજરી પુરાવે છે. તેની અદ્ભુત નકશી કોતરણી 'ન ભૂતો ન ભવિષ્યતિ' છે. ચોરસ બોલ્ડર એક નવું જ નજરાણું લાગે અહીં. રૉક કટ આઈકોન શેષશાયી વિષ્ણુ પોઢેલા મળે. રેતિયા પથ્થરમાં એમની ઉપસેલી નસો સુધ્ધાં જોવા મળે. આ સંકુલમાં બુધ્ધ અભયમુદ્રામાં ઉપસ્થિત છે જેમણે ઢીલો ડગલો પહેરેલો છે અને મસ્તક પાછળ પ્રભાવલયનો ઉઠાવ અનેરો છે. મોટા સિંહાસન પર આરૂઢ બુધ્ધ કોતરણીમાં સિંહ, મકર, પીપળાથી ઘેરાયેલા - પ્રભાવી લાગે છે. રેતિયા પથ્થરની આ ઇમારત બપોરિયા તાપમાં ઝગારા મારે છે. પ્રવેશે નંદી અને નાનકડાં શિવલિંગોની શ્રેણી ખડકની ઢળથી કમાનો અને ચટ્ટાનોની શોભામાં અભિવૃદ્ધિ
કરે છે.
માલેગિટ્ટીમાં મધ્યસ્થ સ્તંભ અષ્ટકોણી ગુંબજને ઝીલીને ઊભો છે
'યેલ્લમ્મા મંદિર'ના શિલાલેખમાં લખ્યા મુજબ તે ૧૧૩૯ માં બન્યું છે. મૂળે તો એ વિષ્ણુમંદિર હતું પણ પાછળથી એક વિખ્યાત દેવીના નામે તે ચડયું. મંદિરમાં ભીંતે જડેલા ચોરસ સ્તંભો (પિલાસ્ટર) જાણે કે તેને ઊંચાઈ બક્ષે છે. તેના પિરામિડલ ટાવર અને રિલીફ કુટ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ્રવેશતાં જ મંડપ અને આજુબાજુ બેસવા માટેના ઝરૂખા. થાંભલા સાથેની એની સજાવટ અનોખી છે. તેના શાફ્ટ-કુંભીથી સરણા - ભરણા સુધીનો થાંભલાનો મુખ્ય ભાગ દાંડા સહિતનો દેખાય છે. અહીંથી દક્ષિણી કિલ્લાનો એક ભાગ દેખાય છે. 'માલેગિટ્ટી શિવાલય' મંદિર અને પડખે કિલ્લો પ્રાચીન ચાલુક્ય સ્થાપત્યનું ભવ્ય ઉદાહરણ છે. રૉક કટ આ મંદિરમાં નાજુકાઈથી ભવ્ય કોતરણી અને નકશીકામ કરવામાં આવ્યાં છે. બદામીનું આ મંદિર ખરબચડી પથરાળ જમન ઉપર ઉપસી આવેલા ખડક પર સ્થિત છે. સાતમી સદીમાં દ્રવિડ શૈલીમાં સર્જાયેલા આ મંદિરનો રંગ પણ બદામી છે. પ્રવેશે મંડપમાં સ્તંભો ઉપર સાદી કોતરણી છે પરંતુ મથોડામાં કમળપંખુડીની ભાત દેખાય. મુખ્ય મંદિરની ભીંતો શિલ્પાંકિત છે જેમાં દ્વારપાળ, જાળી, ચોમેર ઝીણી કોતરણી નજરે ચડે. મંદિર ઉપરનું ભરાવદાર સ્થાપત્ય એકની ઉપર એક કિનારીઓના પડ જેવું ફરતું લાગે. શિર્ષસ્થ ગુંબજ સાથે મંદિરના ઊંચા લિન્ટેલ (બારી-બારણા ઉપરનું પાટિયું) પર સાત ઘોડાવાળા સૂર્યનું નાનકડું શિલ્પ દેખાય - જે ગર્ભગૃહની ઉપરની બારસાખ ઉપર સ્થિત છે. પ્રારંભે આ મંદિર સૂર્ય ઉપાસનાનું મંદિર હતું. પાછળથી શિવાલય બન્યું. આ પવિત્ર સ્થળે બે ધ્યાનાકર્ષક સ્તંભો છે જે મંદિર દ્વાર તરફ ફંટાય છે. તે જેમ્બ (બારસાખ બાજુનો થાંભલો) દ્વારા ગોઠવાયેલા છે અને એમાં યુગપ્રવર્તક પ્રાણીઓનાં અંકનની સજાવટ છે. દીવાલો વળાંકદાર છે જેની ઉપર દેવગણ-સંગીતકારોનાં શિલ્પો, નૃત્યકારો અને યોદ્ધાઓનાં પણ શિલ્પો છે. શિવ અને વિષ્ણુનાં નકશીયુક્ત શિલ્પો સાથે દ્વારપાળો ફરજ બજાવે છે.
ઉત્સવી માતા બનશંકરી બનીઠનીને જાય નગરયાત્રાએ…જાત્રે !
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના બદામી ગામે 'સુપ્રીમ મધર ગૉડ' માટેનું 'બનશંકરી મંદિર' છે જે બનશંકરી અમ્મા મંદિર તરીકે પણ જાણીતું છે. સ્થાનિકોનાં હૈયા પર રાજ કરતી આ દેવીની શોભાયાત્રા પ્રત્યેક જાન્યુઆરીમાં યોજાય છે - જેમાં મેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આખું ગામ હિલોળે ચડે છે. નજીકના 'હરિદ્રા' તળાવ પાસે અન્ય મંદિરો પણ છે. ભક્તો અહીં 'રાહુકાળ'ની પૂજા કરાવી દુ:ખ, ગરીબી અને અપશુકનથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે દુર્ગાના છઠ્ઠા અવતાર બનશંકરીને અનિષ્ટનો નાશ કરવા મોકલ્યાં હતાં. ચોલા રાજવંશે સંકૃતિના સંવર્ધન માટે પુરાણોને લગતી વાતોના સહારે આ મંદિર બંધાવેલું. દ્રવિડિયન અને નાગર શૈલીના મિશ્ર બાંધકામથી પ્રસ્તુત સ્થાપત્યમાં ઇસ્લામિક શૈલીની જાળી પણ હતી - જે હવે નષ્ટપ્રાય: છે. વર્તમાનમાં થોડું ઝંખવાઈ ગયેલું આ સ્થાપત્ય રત્ન પ્રાંગણમાં મુખમંડપ, અર્ધમંડપ અને ગર્ભગૃહ ધરાવે છે - જેની ઉપર શિખર ઊભું છે. હા, દ્રવિડ શૈલીમાં શિખરને 'વિમાન' કહે છે. માતાજીની મૂર્તિનો મુખભાવ સિંહણ જેવો ભાસે છે. તેમનાં ચરણો તળે રાક્ષસનો તે ધ્વંસ કરે છે. આ અષ્ટભુજ માતાના કરકમળમાં રણશિંગુ, ઢાલ, તલવાર, વેદિક સાહિત્ય, હસ્તપ્રતો અને ખોપડીનું વાસણ ઉપરાંત ડ્રમ અને ડમરૂ છે. અલબત્ત; શિવજીનું ત્રિશૂળ પણ અહીં માની શક્તિમાં વધારો કરે છે. તળાવે પ્રદક્ષિણા પથ છે. બે માળનું આ મંદિર ખુલ્લી પરસાળો ધરાવે છે. દરેક માળ પર ગૉથિક શૈલીની કમાનોયુક્ત દરવાજા છે. અગાશીએ દીપમાળ ટાવર છે જે તહેવારોમાં ઝગમગે છે. સ્થાપત્યની સાદાઈમાં પણ સૌંદર્ય છે !
લસરકો :
મંદિર સ્થાપત્યોનું આસપાસ ચોપાસ હોવું એ ભાવિકોના શ્વાસપ્રાણ બરાબર જ !!

અથ બદામી, આઈહોલ, પટ્ટદકલ અને હમ્પી ઇતિ
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની રાજધાની બંગાલુરુ શહેરને કેન્દ્રમાં રાખી આસપાસનાં શ્રી સ્થળોને મન ભરીને જોવા માણવા હોય, ધાર્મિક મહત્ત્વનાં સ્થાપત્યો મંદિરો, મઠ, રાજમહેલો, કિલ્લાઓ, આદિને કુદરતી સૌંદર્યના સાન્નિધ્યમાં અનુભવીને આદિકાળથી આજ સુધીના સમયને ઓળખવો હોય તો હજારો વર્ષ પાછળ દ્રષ્ટિ નાખવી પડે. હોયસાલા, ચાલુક્ય, વિજયનગર, રાષ્ટ્રકુટ, ચોલી જેવા અનેક નોંધપાત્ર રાજવંશોએ મંદિર સ્થાપત્યમાં પોતાની શ્રદ્ધાનાં બીજ રોપ્યાં અને કર્ણાટક રાજ્ય મંદિરકળાનાં પરચમ લહેરાવી રસિકો, ભાવકો, શ્રદ્ધાળુઓ, સંશોધકો, અભ્યાસુઓ, પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું. ઉત્તર ભારતથી કે પશ્ચિમ ભારતથી દક્ષિણ તરફ પ્રવાસ કરીએ તો બંગાલુરુ પહોંચવાના ત્રણસો - ચારસો કિ.મી. પહેલાં આડે પટ્ટે પથરાયેલાં કેટલાંક એવાં સ્થળો આપણને આવવાનું ઇજન આપે કે આપણે અચૂક ત્યાં ઉતરી જ જઇએ. 'બદામી' નામનું નાનું ગામ પોતાના ગુફા મંદિરોને કારણે વિશ્વની નજરે વસી ગયું છે. આપણે એ ગુફામંદિરોમાં તો જઇ આવ્યા… યાદ છે ને ચાર ગુફાઓ વિષ્ણુમંદિરો, શૈવમંદિરો, બૌદ્ધ મંદિર અને જૈનમંદિર થકી ઇતિહાસ અને સંસ્કૃતિનાં રખોપાં કરી રહી છે ! સાથે સાથે ગામમાં અન્ય અનેક મંદિરો એવાં છે કે જેનાં સ્થાપત્યોમાં અપાર વૈવિધ્ય જોવા મળે. કળા અને આસ્થા નામની બે સખીઓ અહીં ફેરફૂદરડી રમતી ભાસે ! ધાર્મિક પરંપરા અને સ્થાપત્યોની વિશાળ શ્રેણીઓનાં અહીં દર્શન થાય. પછી તો પ્રકૃતિ પ્રેમીઓનાં મનભાવન તત્ત્વો - નદી, તળાવ, પર્વત, ધોધ, વનરાજી પણ એમના પ્રશંસકોની રાહ જુએ !