'વૃક્ષ કાપવા આવો છો? પહેલાં અમને કાપો!'

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- જંગલનો નાશ માત્ર વૃક્ષોનો નાશ નથી, તે જીવનના સંતુલન પરનો ઘા છે
- 11 સપ્ટેમ્બર
- રાષ્ટ્રીય વન શહીદ દિવસ
સિ ર સાટે, રુંખ રહે, તો ભી સસ્તો જાણ…એટલે કે માથું કપાઈ જાય, પરંતુ વૃક્ષ બચી જાય તો પણ એ સોદો સસ્તો છે… સદીઓ પહેલાં રાજસ્થાનની ધરતી પર ઉચ્ચારાયેલો આ ભાવ આજે વાંચીએ ત્યારે કદાચ અતિશયોક્તિ જેવો લાગે. પરંતુ એ શબ્દોની પાછળનું બલિદાન કલ્પીએ ત્યારે સમજાય છે કે ભારતની પ્રકૃતિપ્રેમી પરંપરા માત્ર શાસ્ત્રોમાં કે લોકકથાઓમાં નહોતી, તે જરૂર પડે ત્યારે તેને જીવ આપવા તૈયાર માણસોના લોહીથી પણ સિંચવામાં આવી છે.૧૧ સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ. ભારત સરકારે ૨૦૧૩માં આ દિવસ જંગલો અને વન્યજીવોની રક્ષા કરતા ફરજ દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનાર વનકર્મચારીઓના શૌર્ય અને બલિદાનને યાદ કરવા માટે જાહેર કર્યો હતો. આમ, આ દિવસ માત્ર સ્મરણનો દિવસ નથી. જંગલની રક્ષા કેટલી જોખમી જવાબદારી છે અને તેની પાછળ કેટલાં જીવન અજાણતાં જ વહી ગયાં છે, તેની સામૂહિક સ્મૃતિને જીવંત રાખવાનો દિવસ છે.
પરંતુ આ ગાથાની શરૂઆત ૨૦૧૩માં થતી નથી. તેની એક પ્રખર કડી આપણને ત્રણ સદી કરતાં પણ વધુ પાછળ લઈ જાય છે, રાજસ્થાનના ખેજડલી ગામમાં. વર્ષ હતું ૧૭૩૦. રણપ્રદેશમાં ખેજડીનું વૃક્ષ માત્ર વૃક્ષ નહોતું. કઠોર આબોહવામાં ટકી રહેતું આ વૃક્ષ સ્થાનિક જીવન અને પર્યાવરણ માટે મહત્ત્વનું હતું. બિશ્નોઈ સમાજ માટે તો પ્રકૃતિનું સંરક્ષણ જીવનમૂલ્યોનો અભિન્ન ભાગ હતું. લીલું વૃક્ષ કાપવું એટલે તેમની નજરે પ્રકૃતિના જીવનચક્રને નુકસાન પહોંચાડવું.
એ સમયે જોધપુરના મહારાજા અભયસિંહના આદેશથી સૈનિકો ખેજડલી પહોંચ્યા. નવા મહેલના બાંધકામ માટે ચૂનો તૈયાર કરવા લાકડાની જરૂરિયાત હતી અને વૃક્ષો કાપવાની શરૂઆત થઈ. સૈનિકોની કુહાડી ઊંચી થઈ, ત્યારે તેમની સામે ઊભા થયાં અમૃતાદેવી બિશ્નોઈ. તેમણે ખેજડીના વૃક્ષને ભેટી લીધું. તેમના જીવનમાં કદાચ એ છેલ્લી ક્ષણ હતી, પરંતુ સંકલ્પની એ ક્ષણ સદીઓ લાંબી બની ગઈ.તેમણે કહ્યું, 'સિર સાટે, રુંખ રહે, તો ભી સસ્તો જાણ….'અને કુહાડી ચાલી.
અમૃતાદેવી શહીદ થયાં. પરંતુ તેમની પાછળ ઊભી થનારી કતાર અટકી નહીં. તેમની ત્રણ પુત્રીઓ આસૂ, રત્ની અને ભાગૂ પણ વૃક્ષોની રક્ષા માટે આગળ આવ્યાં. પછી એક પછી એક બિશ્નોઈ લોકો વૃક્ષોને ભેટતા ગયા. કુહાડી સામે પોતાના શરીરને ઢાલ બનાવતા ગયા. કુલ ૩૬૩ બિશ્નોઈઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ખેજડલીની આ ઘટના ભારતીય વન અને પર્યાવરણ સંરક્ષણના ઇતિહાસમાં સામૂહિક બલિદાનનું અદ્વિતીય પ્રકરણ બની.
આ ઘટનાની સૌથી મોટી અસર કદાચ એ હતી કે વૃક્ષને પહેલી વાર કોઈ 'સંપત્તિ' તરીકે નહીં, પરંતુ જીવનના સહભાગી તરીકે જોવાનો વિચાર એટલી પ્રખર રીતે સામે આવ્યો.એક તરફ રાજાનો આદેશ હતો. બીજી તરફ નિ:શસ્ત્ર ગ્રામજનો. એક તરફ કુહાડી હતી, બીજી તરફ વૃક્ષને વળગી પડેલું શરીર. યુદ્ધનું મેદાન નહોતું, છતાં બલિદાન યુદ્ધ કરતાં ઓછું નહોતું.ખેજડલીમાં લોહી વહ્યું, પરંતુ એક વિચાર પણ જન્મ્યો, પ્રકૃતિની રક્ષા માટે માણસ પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં મૂકી શકે છે.
સમય આગળ વધ્યો. સદીઓ વીતી. ભારતની રાજકીય વ્યવસ્થા બદલાઈ. આધુનિક વિકાસની ગતિ વધી. રસ્તા, શહેરો અને ઉદ્યોગો વિસ્તર્યા. જંગલો પર દબાણ વધ્યું. અને પછી હિમાલયમાંથી ફરી એક અવાજ ઊઠયો.આ વખતે તે અવાજ વૃક્ષને ભેટી પડેલા લોકોનો હતો. ચિપકો આંદોલન. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ગઢવાલ હિમાલયમાં વૃક્ષોના વ્યાપારી કાપ સામે અહિંસક લોકપ્રતિકારનું આંદોલન ઊભું થયું. 'ચિપકો' એટલે ચોંટવું,વૃક્ષને ભેટી પડવું. વિચાર સરળ હતો, પરંતુ તેની પાછળનું સાહસ અસાધારણ હતું. કુહાડી ચલાવનાર અને વૃક્ષ વચ્ચે માણસ ઊભો થઈ જાય.
૨૬ માર્ચ, ૧૯૭૪. ચમોલી જિલ્લાના રેણી ગામમાં ચિપકોના ઇતિહાસની યાદગાર ઘટના બની. વૃક્ષો કાપવા આવેલા લોકોને રોકવા માટે ગામની મહિલાઓ જંગલ તરફ દોડી ગઈ. ગૌરા દેવીની આગેવાની હેઠળ મહિલાઓ વૃક્ષોને ભેટી પડી અને વૃક્ષછેદન અટકાવવાનો અહિંસક પ્રયાસ કર્યો.તેમના હાથમાં હથિયાર નહોતું. પરંતુ વૃક્ષો સાથેનો તેમનો સંબંધ એટલો ગાઢ હતો કે તેઓ જાણતી હતી, આ વૃક્ષો ગયા તો માત્ર જંગલ નહીં જાય, તેમની જીવનવ્યવસ્થાનો એક મોટો આધાર તૂટી જશે.પહાડની મહિલાઓ માટે જંગલ એટલે બળતણ, ઘાસચારો, પાણી, જમીન અને રોજિંદા જીવનની અનેક જરૂરિયાતો. તેથી ચિપકો માત્ર વૃક્ષછેદન સામેનો વિરોધ નહોતોત તે સ્થાનિક સમાજના જીવન અને જંગલ વચ્ચેના સંબંધની જાહેર ઘોષણા હતો. ઉત્તરાખંડ જૈવવિવિધતા બોર્ડ પણ ચિપકોને લોકોના જીવનનિર્વાહ અને પરંપરાગત વન અધિકારો સાથે જોડાયેલું આંદોલન ગણાવે છે.
હિમાલયની ગુંજ દક્ષિણ ભારત સુધી પહોંચી. કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં અપ્પિકો આંદોલન ઊભું થયું. અહીં પણ લોકોએ વૃક્ષોને ભેટીને વન સંરક્ષણ માટે વિરોધ નોંધાવ્યો. જુદી ભાષા, જુદો પ્રદેશ અને જુદી પરિસ્થિતિ હોવા છતાં સંદેશ એક જ હતો-જંગલનો નાશ માત્ર વૃક્ષોનો નાશ નથી, તે જીવનના સંતુલન પરનો ઘા છે.
જંગલની અંદર ફરજ બજાવતો વનરક્ષક કોઈ આંદોલનનો ભાગ નથી. તેની સામે ઘણી વખત વાસ્તવિક જોખમ હોય છે.
ગેરકાયદે વૃક્ષકાપ રોકવો હોય, શિકાર સામે કાર્યવાહી કરવી હોય, વન્યજીવોને બચાવવા કામગીરી કરવી હોય કે જંગલની આગ વચ્ચે પહોંચવું હોય, તેની ફરજમાં જોખમ અનિવાર્ય રીતે જોડાયેલું હોઈ શકે છે.અને ઘણી વાર આ બધું એવી જગ્યાએ બને છે જ્યાં ન શહેરની સુવિધા હોય, ન તાત્કાલિક મદદ પહોંચવાની ખાતરી.એટલે જ વનકર્મચારીનું બલિદાન માત્ર વ્યક્તિનું મૃત્યુ નથી. તે સમગ્ર સમાજ માટે બચાવી રાખવામાં આવેલી એક અમૂલ્ય સંપત્તિની કિંમત છે.
કોઈ વનકર્મચારી જ્યારે વૃક્ષ કાપનારા કે શિકારી સામે ઊભો રહે છે, ત્યારે કદાચ તેની પાછળ કોઈ મીડિયા હોતું નથી. કોઈ ગેરકાયદે વૃક્ષકાપ અટકાવતી વખતે કદાચ તાળીઓ પાડનાર કોઈ નથી હોતું. જંગલની અંદરની ફરજ ઘણી વખત મૌન હોય છે, પરંતુ એ મૌનની પાછળ અદમ્ય હિંમત હોય છે.આથી રાષ્ટ્રીય વન શહીદ દિવસ આપણને માત્ર મૃત્યુ યાદ કરાવતો દિવસ નથીત ફરજની પરાકાષ્ઠા સમજાવતો દિવસ છે.આજે આપણને કદાચ કુહાડી સામે છાતી ધરવાની જરૂર નથી. આપણને જંગલમાં શહીદ થવાની પણ જરૂર નથી. પરંતુ આપણું જીવન જે પ્રકૃતિ પર આધારિત છે, તેના પ્રત્યે થોડું વધુ જવાબદાર બનવાની જરૂર ચોક્કસ છે. વૃક્ષારોપણના એક દિવસના ઉત્સવ કરતાં વાવેલા વૃક્ષને વર્ષો સુધી જીવંત રાખવું મોટું કામ છે. પર્યાવરણ પર ભાષણ આપવા કરતાં બિનજરૂરી વપરાશ ઘટાડવો વધુ અર્થપૂર્ણ છે. વન્યજીવો વિશે વાત કરતાં તેમના રહેઠાણને નુકસાન ન થાય તે માટે સજાગ રહેવું વધુ મહત્વનું છે.અને કદાચ સૌથી અગત્યનુંજંગલને સ્ત્રોત તરીકે જોવાની સાથે તેને 'સહજીવન' તરીકે જોવાનું શીખવું પડશે. કારણ કે વૃક્ષ માત્ર લાકડું નથી. તે કોઈ પક્ષીનું ઘર છે.કોઈ પ્રાણીનો આશરો છે. માટીને પકડી રાખતી મૂળ છે. વરસાદના પાણી સાથેનો સંબંધ છે. કોઈ ગામની ઠંડક છે. અને અંતે આપણા જ શ્વાસનો એક અદ્રશ્ય હિસ્સો છે. આ ૧૧ સપ્ટેમ્બરે તેથી માત્ર વન શહીદોના સ્મારક પર પુષ્પ ચઢાવીએ એટલું પૂરતું નથી. તેમના બલિદાનને આપણા વર્તનમાં સ્થાન આપીએ તે જરૂરી છે….




