ઇનોવેશનનો ધમાકો: CES 2026માં શું નવું જોવા મળશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

What to Look For in CES?: CES 2026 બહુ જલદી લાસ વેગાસમાં શરૂ થઈ રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 6-9 જાન્યુઆરીએ યોજાઈ રહ્યો છે. આ શોમાં દર વર્ષે નવી-નવી ટેક્નોલોજીને લોન્ચ કરવામાં આવે છે. એવી ટેક્નોલોજી જેના દ્વારા લાઇફને વધુ સરળ અને એડવાન્સ બનાવી શકાય. આ ઇવેન્ટમાં દુનિયાભરની મોટી-મોટી કંપનીઓ પોતાની ટેક્નોલોજીને લોન્ચ કરે છે. નાના-મોટા દરેક ગેજેટ્સને ઘણી કંપનીઓ અહીં લોન્ચ કરે છે. આ ઇવેન્ટમાં ઇનોવેશન અને ટેક્નોલોજી વિશે વાત કરવામાં આવે છે. જોકે આ વર્ષે કઈ કઈ ટેક્નોલોજી ચર્ચામાં રહી શકે એના પર એક નજર કરીએ.
ડિવાઇસમાં AIનો સમાવેશ
AI આ વર્ષ સૌથી વધુ ચર્ચામાં રહેશે એમાં બે મત નથી. જોકે એમાં પણ હવે ડિવાઇસની અંદર AIનો સમાવેશ કરવામાં આવે એ વધુ ચર્ચામાં રહેશે. અત્યારે AIનો ઉપયોગ કરવા માટે ચેટબોટનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે કંપનીઓ ઉદાહરણ તરીકે મોબાઇલની અંદર જ AIનો સમાવેશ કરશે. આથી યુઝર્સે ચેટબોટ અથવા તો સર્વર પર નિર્ભર નહીં રહેવું પડે. તેમ જ એ યુઝરનું પોતાનું AI હોવાથી એ યુઝરની જરૂરિયાત પ્રમાણે ટ્રેઇન થશે અને કામ કરશે. આથી આ વર્ષે AIનો સમાવેશ, ચિપ, ઓપરેટિંગ સિસ્ટમ, સેન્સર અને મદરબોર્ડમાં પણ કરવામાં આવી શકે છે. જો ઓન-ડિવાઇસ AI આવી ગયું તો જે પણ યુઝર્સને ડેટાને લઈને પ્રાઇવસીનો પ્રશ્ન છે એનો પણ ઉકેલ આવી જશે. આથી આ પ્રકારની કેટલી ડિવાઇસ લોન્ચ કરવામાં આવે એ જોવું રહ્યું.
ઘરના કામ કરવા માટેના રોબોટ્સ
CESમાં છેલ્લા ઘણાં વર્ષથી રોબોટિક્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે આ વર્ષે પણ એ ચર્ચામાં રહેશે. ચીનમાં હાલમાં હ્યુમનોઇડ્સ અને ઘરના કામ કરવા માટેના રોબોટ્સની ખૂબ જ બોલબાલા છે. આથી આ વર્ષે CESમાં પણ એવી ઘણી પ્રોડક્ટ જોવા મળી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે હવે રોબોટ્સ ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. આથી CESમાં રોબોટ્સની કેટેગરીમાં ઘણી પ્રોડક્ટ જોવા મળી શકે છે. અત્યાર સુધી વેક્યુમ ક્લીનર અને કચરો-પોતું કરવા માટેના રોબોટ્સ ઘણાં આવી ચૂક્યા છે. જોકે આ વર્ષે હ્યુમનોઇડ્સ આવશે. એટલે કે વ્યક્તિની જેમ કામ કરતાં રોબોટ્સ જેને જે કામ આપવામાં આવશે એ કરશે. જોકે એની પણ સેફ્ટી અને પ્રાઇવસીને લઈને સવાલો ઊભા થશે.
સ્માર્ટ હોમ વધુ સ્માર્ટ બનશે
છેલ્લા ઘણાં વર્ષોથી સ્માર્ટ હોમ બનાવવા માટે કંપનીઓ મંડી પડી છે. જોકે આ જ સુધી એમાં જોઈએ એટલું સારું પરિણામ નથી મળ્યું, પરંતુ આ વર્ષે AIને કારણે સ્માર્ટ હોમ વધુ સ્માર્ટ બનશે એવી આશા છે. AIની મદદથી હવે આ પ્રોડક્ટ વધુ નેચરલ કમાન્ડને સમજતાં થશે. આ સાથે જ યુઝરના મૂડ અને એક્ટિવિટી અનુસાર કામ કરતા પણ થશે. હાલમાં કેટલાક સ્માર્ટ ફ્રિજ એવા છે જેમાં કઈ-કઈ વાનગી રાખવામાં આવી છે એની નોંધ રાખે છે. આ સાથે જ સેમસંગના સ્માર્ટ થિંગ્સમાં પણ ઘણાં ફીચર્સ ફૂડ માટેના આપવામાં આવ્યાં છે. આથી કોઈ એવું ફ્રિજ લોન્ચ કરવામાં આવ્યું જેની અંદર જે-જે આઇટમ છે એના આધારે શું બનાવી શકાય એ ફ્રિજ પોતે જ કહી શકે. મેડિટેશન સમયે કેવી લાઇટિંગ અને ગેમિંગ સમયે કેવી લાઇટિંગ હોવી જોઈએ વગેરે AIની મદદથી સ્માર્ટ થશે.
ટીવીની બોલબાલા
છેલ્લા ઘણાં સમયથી CESમાં સ્ક્રીન એટલે કે ટીવીની ખૂબ જ બોલબાલા રહી છે. રોલેબલ ટીવીથી લઈને ટ્રાન્સપરન્ટ ટીવી અને જોરદાર ફીચર્સવાળા ટીવી વગેરે-વગેરેને આજ સુધી અહીં લોન્ચ કરવામાં આવ્યાં છે. કેટલીક કંપનીઓએ તેમના પ્રોટોટાઇપ પણ આ ઇવેન્ટમાં લોન્ચ કરી છે. આથી આ વર્ષે પણ ટીવીની બોલબાલા જરૂર હશે. આ વર્ષે ટીવીની ક્વોલિટીની સાથે મિડ-રેન્જ બજેટ ટીવીમાં પણ ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે એવી શક્યતા છે. વધુ સારી બેકલાઇટ અને વધુ સારા ગ્રાફિક્સનો સમાવેશ કરવામાં આવે એવી પણ આશા રાખવામાં આવી રહી છે.
લેપટોપ અને વીયરેબલ ગેજેટ્સ
મેટાના રે-બેન ગ્લાસ માર્કેટમાં ચર્ચામાં છે ત્યારે હવે અન્ય કંપની પણ તેમના સ્માર્ટ ગ્લાસિસને લોન્ચ કરી શકે છે. CESમાં ઘણી કંપની તેમના પ્રોટોટાઇપ અને કોન્સેપ્ટ ડિવાઇસને પણ લોન્ચ કરે છે. આથી સ્નેપચેટ પણ તેના ગ્લાસિસને લોન્ચ કરે એવું બની શકે છે. આ સાથે જ નાની-નાની કંપનીઓ પણ વિવિધ સ્માર્ટ ગ્લાસ લોન્ચ કરી શકે છે. સ્માર્ટ ગ્લાસની સાથે સ્માર્ટ વોચ પણ ચર્ચામાં રહેશે. AIની મદદથી હવે હેલ્થને વધુ સારી રીતે મોનિટર કરવા માટેની ડિવાઇસ લોન્ચ કરવામાં આવી શકે છે. બની શકે કે સેન્સર અને AIની મદદથી કોઈ બીમારી થવા પહેલાં જ નિદાન થઈ જાય એવું ફીચર અથવા તો ગેજેટ્સ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: મસ્કની કંપની સ્ટારલિંક તેની હજારો સેટેલાઇટ્સ ઓરબિટમાં નીચે લાવી રહી છે, જાણો કારણ…
આ ઇવેન્ટમાં લેપટોપને જરૂર લોન્ચ કરવામાં આવશે એ નક્કી છે. ચિપ બનાવતી કંપનીઓ પોતાની પાવરફુલ ચિપને લોન્ચ કરવાની સાથે વિવિધ કંપનીઓ પણ તેમના ખૂબ જ પાવરફુલ લેપટોપ અને ડેસ્કટોપને આ ઇવેન્ટમાં લોન્ચ કરશે એવી ચર્ચા છે. આ ઇવેન્ટમાં મોટા ભાગની લેપટોપ અને ડેસ્કટોપ બનાવતી કંપનીઓ હાજર રહેશે.




