Satellites In Lower Orbit: ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક તેની હજારો સેટેલાઇટ્સને નીચે લાવી રહી છે. આ સેટેલાઇટ્સ દુનિયાભરના ઘણાં દેશને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. આ સેટેલાઇટ કોન્સ્ટેલેશન પૃથ્વીથી ચોક્કસ અંતરે છે, પરંતુ એને હવે પૃથ્વીથી થોડું વધુ નજીક લાવવામાં આવી રહી છે. આ 4400 સેટેલાઇટ્સને આ વર્ષે ઓરબિટમાં વધુ નીચે લાવવામાં આવશે. હાલમાં જ કંપનીની એક સેટેલાઇટ અનિયમિત બની ગઈ અને એને કારણે સ્પેસમાં ડેબ્રિસ જોવા મળ્યું હતું. આથી આ ઘટના બાદ કંપની દ્વારા તેમને નીચે લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
550 કિમીથી 480 કિમીના અંતરે લાવવામાં આવશે
સ્ટારલિંકના એન્જિનિયરિંગ વાઇસ પ્રેસિડન્ટ માઇકલ નિકોલ્સ દ્વારા આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. તેના મુજબ આ સેટેલાઇટ્સ હાલમાં પૃથ્વીથી 550 કિમીના અંતરે છે, પરંતુ એને હવે 480 કિલોમીટરના અંતરે લાવવામાં આવશે. અંતરિક્ષમાં પણ હવે ગીચ થઈ રહ્યું છે. ત્યાં પણ જગ્યા નથી. આથી કંપની દ્વારા આ સેટેલાઇટ્સને નીચે લાવવામાં આવી રહી છે જ્યાં સેટેલાઇટ્સને પૂરતી જગ્યા મળી રહે. આથી જો કોઈ પણ ઘટના થાય તો એને ડીઓરબિટ ખૂબ જ ઝડપથી કરાવી શકાય. આ વિશે માઇકલ કહે છે, ‘સેટેલાઇટને નીચે લાવવાથી સ્ટારલિંકની ઓરબિટ પણ વધુ સારી રીતે કરી શકશે. તેમ જ સ્પેસ સેફ્ટીમાં ઘણી રીતે વધારો જોવા મળશે.’
સોલર મિનિમમ પણ છે એક કારણ
માઇકલ નિકોલ્સ અનુસાર સોલર મિનિમમ પણ એક કારણ છે. સોલર મિનિમમ દર અગિયાર વર્ષે થાય છે અને હવે એ 2030માં આવશે. આ સમયે સૂર્યમાં જે પણ એક્ટિવિટી થાય છે એ ઓછી થતી હોય છે. ઓછી ગરમી, ઓછું રેડિએશન, ઓછું સૂર્યની જવાળો દરેક વસ્તુમાં ઘટાડો જોવા મળે છે. આથી એને સોલર મિનિમમ કહેવામાં આવે છે. આ વિશે માઇકલ નિકોલ્સ કહે છે, ‘સોલર મિનિમમ જેમ-જેમ નજીક આવી રહ્યું હોવાથી એટમોસ્ફિયરમાં ડેન્સિટીમાં ઘટાડો થાય છે એના કારણે કોઈ પણ સમયે સ્પેસમાં કઈ પણ થઈ શકે છે. સોલર મિનિમમમાં જો અમે સેટેલાઇટ્સને નીચે લાવીશું તો એને નુકસાન થવાના 80 ટકા ચાન્સ ઘટી જાય છે.’
આ પણ વાંચો: મંગળ ગ્રહ પર મળી આઠ ગૂફા: શું ત્યાં એલિયન રહે છે? જુઓ વિગત...
સ્ટારલિંકની સેફ્ટીમાં વધારો
ઓરબિટમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવાથી સ્ટારલિંકની સેટેલાઇટ્સ સેફ્ટીમાં વધારો થશે. સ્પેસમાં જે પણ વસ્તુ કન્ટ્રોલમાં નથી રહેતી અને અન્ય કંપની દ્વારા જે સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી રહી છે એને લઈને જે પણ રિસ્ક રહેલું છે એ તમામ આ સેટેલાઇટ્સ નીચે લાવવાથી દૂર થઈ શકે છે. એથી એક રીતે સેટેલાઇટ્સની સેફ્ટીમાં વધારો કરવા માટે પણ આ પગલું મહત્ત્વનું છે. કંપનીને આશા છે કે આ નિર્ણયથી તેમની સેટેલાઇટ ખૂબ જ સરળતાથી કામ કરી શકશે.


