Science & Technology

શું વધશે સ્ક્રીન ગાર્ડના ભાવ? ટેમ્પર્ડ ગ્લાસ પર સરકારનો નવો નિયમ: જાણો ખરીદતાં પહેલાંની તમામ વિગતો

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
ભારત સરકારે સ્માર્ટફોન સ્ક્રીન પ્રોટેક્ટર્સને BIS માનક હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે 21 સપ્ટેમ્બરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 1 એપ્રિલ 2027થી તમામ ઉત્પાદકો અને આયાતકારોએ કડક IS 19348:2025 ધોરણનું પાલન કરવું પડશે. આનાથી ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાના સ્ક્રીન પ્રોટેક્ટર્સ મળશે અને નકલી '9H હાર્ડનેસ'ના દાવાઓ બંધ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું વધશે સ્ક્રીન ગાર્ડના ભાવ? ટેમ્પર્ડ ગ્લાસ પર સરકારનો નવો નિયમ: જાણો ખરીદતાં પહેલાંની તમામ વિગતો

Government Mandates BIS Standards For Smartphone Screen Protectors: ભારત સરકાર દેશમાં વેચાતા હલકી અને ખરાબ ગુણવત્તાવાળા સ્માર્ટફોન સ્ક્રીન પ્રોટેક્ટર્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ પગલાથી નિયત ગુણવત્તાના ધોરણો પૂરા ન કરતા ટેમ્પર્ડ ગ્લાસનું વેચાણ અટકાવી શકાશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) એક મોટો નિર્ણય લેતા સ્માર્ટફોન સ્ક્રીન પ્રોટેક્ટર્સને ભારતીય માનક બ્યુરો એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના રજિસ્ટ્રેશન માળખા હેઠળ સામેલ કરી દીધા છે.

1 એપ્રિલ 2027થી કડક ધોરણ IS 19348:2025 લાગુ થશે

સરકારના નવા આદેશ અનુસાર તમામ સ્ક્રીન પ્રોટેક્ટર્સે 1 એપ્રિલ 2027થી ભારતીય માપદંડોનું કડક પાલન કરવું પડશે. 21 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા એક સત્તાવાર જાહેરનામા મુજબ, કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક સામાન માટેની ફરજિયાત રજિસ્ટ્રેશન સ્કીમ (CRS)ની યાદીમાં “Screen Protectors for smartphones”નો ઉમેરો કર્યો છે. હવે 1 એપ્રિલ 2027થી ભારતના તમામ ઉત્પાદકો અને આયાતકારોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના સ્ક્રીન પ્રોટેક્ટર્સ બજારમાં વેચાણ માટે મૂકાય તે પહેલાં કડક BIS માનક IS 19348:2025ના તમામ નિયમો પૂર્ણ કરતા હોય.

તાત્કાલિક કોઈ પ્રતિબંધ નહીં, ઉદ્યોગોને મળ્યો સમય

આ નવા આદેશનો અર્થ એ નથી કે આવતીકાલથી જ બજારમાંથી નબળી ગુણવત્તાવાળા સ્ક્રીન ગાર્ડ્સ ગાયબ થઈ જશે. સરકારે આ જાહેરનામા દ્વારા ઉત્પાદકો અને આયાતકારોને પોતાના ઉત્પાદનોને નિયત ધોરણો મુજબ ઢાળવા માટે 6 મહિનાથી વધુનો પૂરતો સમય આપ્યો છે. આ નવો નિયમ સત્તાવાર રીતે 1 એપ્રિલ 2027થી સંપૂર્ણપણે પ્રભાવી થશે.

નવા નિયમથી ગ્રાહકોને થશે મોટો ફાયદો: ક્વોલિટી અને ટેસ્ટિંગના માપદંડો

નવો IS 19348:2025 માનક મુખ્યત્વે ગ્લાસમાંથી બનેલા સ્ક્રીન પ્રોટેક્ટર્સની ગુણવત્તા અને ટેસ્ટિંગ સાથે જોડાયેલા નિયમો નક્કી કરે છે:

  • ગ્લાસ ક્વોલિટી અને મજબૂતી: સ્ક્રીન ગાર્ડના ચોક્કસ કદ, મજબૂતી અને તેની સપાટીની સ્પષ્ટતા માટે કડક નિયમો નક્કી કરાયા છે. સામાન્ય ગ્લાસ માટે ઓછામાં ઓછી 89% અને પ્રાઇવસી ગ્લાસ માટે ઓછામાં ઓછી 59% લાઇટ ક્લેરિટી હોવી ફરજિયાત છે. આ ઉપરાંત, ગ્લાસમાં ઓછામાં ઓછી 500 MPaની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને 200 MPaની બેન્ડિંગ સ્ટ્રેન્થ હોવી જરૂરી છે.
  • સ્પષ્ટતા: સ્ક્રીન ગાર્ડ્સમાં લાઇટ ટ્રાન્સમિશનના કડક નિયમો રહેશે જેથી સ્ક્રીન એકદમ સાફ દેખાય. ગ્લાસ પર કોઈપણ પ્રકારના પરપોટા, સ્ક્રેચ, તિરાડો કે ખરબચડી કિનારીઓ ન હોવી જોઈએ.
  • વધારાના ફીચર્સની ચકાસણી: ગ્લાસ પર મળતા વધારાના ફીચર્સ જેમ કે એડહેસિવ (ચોંટાડવાનો ગુંદર), એન્ટી-શેટર ફિલ્મ, ઓલિઓફોબિક કોટિંગ (ફિંગરપ્રિન્ટ અને તેલના ડાઘથી બચાવતી પરત), એન્ટી-ગ્લેયર, બ્લુ-લાઇટ ફિલ્ટર અને પ્રાઇવસી ફિલ્મ્સનું પણ ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવશે.
  • પેકેજિંગ પર કડક નિયમો: હવે ઉત્પાદકોએ સ્ક્રીન પ્રોટેક્ટર્સના રિટેલ બોક્સ પર કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો સ્પષ્ટપણે લખવી પડશે. જેમાં મેન્યુફેક્ચરરનું નામ, બેચ નંબર, ઉત્પાદનની તારીખ, ગ્લાસની ચોક્કસ જાડાઈ અને સત્તાવાર BIS સ્ટાન્ડર્ડ માર્ક સામેલ હોવો ફરજિયાત રહેશે.

ગ્રાહકો પર શું અસર પડશે અને '9H હાર્ડનેસ'ના દાવાઓનું શું થશે?

સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેનો સીધો અર્થ એ છે કે આવનારા સમયમાં બજારમાં અત્યંત મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળા અસલી સ્ક્રીન પ્રોટેક્ટર્સ મળશે, જેનાથી મોંઘા સ્માર્ટફોનની સ્ક્રીન નીચે પડવા છતાં તૂટવાથી સુરક્ષિત રહેશે. હાલમાં ભારતીય બજાર જુદી જુદી કિંમતોવાળા અસંખ્ય સ્ક્રીન ગાર્ડ્સથી ભરેલું છે, જેમાં જાણીતી બ્રાન્ડ્સથી લઈને સસ્તા અને બિન-બ્રાન્ડેડ ચાઈનીઝ પ્રોડક્ટ્સ સામેલ છે. દુકાનદારો ઘણીવાર નકલી ગ્લાસ પર '9H Hardness'ના ખોટા સ્ટીકરો લગાવીને ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. નવો નિયમ લાગુ થયા પછી ઉત્પાદકો અને આયાતકારોએ કોઈપણ ભોગે BIS-માન્યતા પ્રાપ્ત લેબમાં આ પ્રોડક્ટ્સનું કડક ટેસ્ટિંગ કરાવવું પડશે, જેનાથી નકલી અને નબળા પ્રોડક્ટ્સ બજારમાંથી આપોઆપ બહાર થઈ જશે.

શું સ્ક્રીન ગાર્ડના ભાવ વધશે?

સરકારી ગેઝેટ નોટિફિકેશનમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આ નિયમને કારણે સ્ક્રીન પ્રોટેક્ટર્સના ભાવ વધી જશે અથવા અમુક ચોક્કસ પ્રોડક્ટ્સને ઇરાદાપૂર્વક બજારમાંથી હટાવી દેવાશે. જોકે, લેબ ટેસ્ટિંગ અને BIS સર્ટિફિકેશનની લાંબી પ્રક્રિયાને કારણે ઉત્પાદકો અને આયાતકારોના ઓપરેટિંગ ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, જેની આંશિક અસર કિંમતો પર જોવા મળી શકે છે.