એન્ટાર્કટિકાના ગ્લેશિયરમાંથી કેમ નીકળે છે લોહી જેવું લાલ પાણી? 100 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Antarctica Blood Falls: એન્ટાર્કટિકાના અજાયબીઓમાંથી એક અને વૈજ્ઞાનિકો માટે છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી કોયડો બનેલા 'બ્લડ ફોલ્સ’ (લોહીના ઝરણા)નું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. એન્ટાર્કટિકાની મેકમુર્ડો ડ્રાય વેલીઝમાં આવેલા ટેલર ગ્લેશિયર માંથી લેક બોનીમાં પડતા આ ઘટ્ટ લાલ રંગના ઝરણાને જોઈને અવારનવાર એવો ભ્રમ થતો હતો કે જાણે તેમાંથી સાચે જ લોહી વહી રહ્યું છે. પરંતુ હવે સંશોધકોએ આ અદભુત ઘટના પાછળ છુપાયેલા વિજ્ઞાનના તમામ ટુકડાઓને જોડીને સાચું કારણ શોધી કાઢ્યું છે.
વર્ષ 1911માં ઓસ્ટ્રેલિયાના ભૂસ્તરશાસ્ત્રી ગ્રીફિથ ટેલર દ્વારા સૌપ્રથમ વખત આ બ્લડ ફોલ્સની શોધ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બરફની વચ્ચેથી નીકળતું કાટ જેવા લાલ રંગનું પાણી વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે ભારે ઉત્સુકતા અને અવનવા તર્ક-વિતર્કનું કેન્દ્ર રહ્યું હતું.
આ લોહી નથી, પણ આયર્નથી ભરપૂર ખારું પાણી છે
તાજેતરમાં 'એન્ટાર્કટિકા સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, બ્લડ ફોલ્સ કોઈ લોહી કે જ્વાળામુખીની પ્રક્રિયા નથી, પરંતુ તે ટેલર ગ્લેશિયરની નીચે દબાયેલા લોખંડથી ભરપૂર અત્યંત ખારા પાણીના કારણે બને છે.
આ પાણી ગ્લેશિયરની નીચે આવેલા એક પ્રાચીન ભૂગર્ભ જળાશયમાંથી આવે છે. જ્યારે ગ્લેશિયર ખસે છે ત્યારે તેના પ્રચંડ દબાણને કારણે આ ખારું પાણી બરફની અંદર છુપાયેલી રહસ્યમય માર્ગો દ્વારા દબાણપૂર્વક સપાટી પર બહાર આવે છે.
જેવું આ આયર્નયુક્ત પાણી બહાર આવીને હવાના સંપર્કમાં આવે છે, કે તરત જ પાણીમાં ઓગળેલું લોખંડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયા છે. આ ઓક્સિડેશનના કારણે જ પાણીનો રંગ આછો લાલ અને કથ્થઈ થઈ જાય છે, જે જોવામાં બિલકુલ લોહી જેવો લાગે છે.
ગ્લેશિયરની નીચે છુપાયેલો રહસ્યમય માર્ગ
આ સંશોધનમાં સૌથી મોટી સફળતા વર્ષ 2017માં મળી હતી, જ્યારે યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેંક્સના સંશોધકોએ રડાર ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્લેશિયરની નીચે રહેલા દબાણયુક્ત માર્ગોનું આખું નેટવર્ક નકશો તૈયાર કર્યું હતું.
વૈજ્ઞાનિકોની ટીમે બરફની અંદર આશરે 300 મીટર ઊંડે સુધી આ ખારા પાણીના પ્રવાહના માર્ગનો પીછો કર્યો અને શોધી કાઢ્યું કે તે કેવી રીતે બ્લડ ફોલ્સ સુધી પહોંચે છે. આ શોધથી એ સમજવામાં મદદ મળી કે એન્ટાર્કટિકામાં થીજવી દે તેવી ઠંડીમાં પણ આ પાણી કેમ જામી નથી જતું અને સતત વહેતું રહે છે.
ખૂબ જ થીજવી નાખતી ઠંડીમાં પણ પાણી કેમ નથી જામતું?
આ સવાલનો જવાબ પાણીમાં રહેલા મીઠાના અસાધારણ પ્રમાણમાં છુપાયેલો છે. સંશોધકોના મતે, આ પાણીમાં ઓગળેલા ક્ષારની સાંદ્રતા એટલી વધારે છે કે તેનું ફ્રીઝિંગ પોઈન્ટ સામાન્ય શુદ્ધ પાણી કરતાં ઘણું નીચું છે.
જ્યારે આ અતિશય ખારું પાણી જામવાની પ્રક્રિયા તરફ આગળ વધે છે, ત્યારે તેમાંથી મુક્ત થતી થોડી ગરમી અને ક્ષારનું ઊંચું પ્રમાણ ભેગા મળીને આ પ્રવાહીને જામવા દેતા નથી. આ કારણે જ ટેલર ગ્લેશિયરને પૃથ્વી પરનો સૌથી ઠંડો ગ્લેશિયર માનવામાં આવે છે જ્યાં અત્યંત નીચા તાપમાને પણ પ્રવાહી પાણી સતત વહેતું રહે છે.
પ્રાચીન સૂક્ષ્મજીવોએ વધાર્યું નવું રહસ્ય
વૈજ્ઞાનિકોને આ સંશોધન દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી મળી છે. આ પ્રાચીન ખારા પાણીમાં એવા સૂક્ષ્મજીવો મળી આવ્યા છે, જે લાખો વર્ષોથી સૂર્યપ્રકાશ કે પૃથ્વીના વાતાવરણ વિના પણ ગ્લેશિયરની નીચે જીવંત રહ્યા છે.
આ સૂક્ષ્મ કણોમાં સિલિકોન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ જેવા તત્વો મળી આવ્યા છે. આ શોધ માત્ર બ્લડ ફોલ્સની કેમેસ્ટ્રી સમજવામાં જ નહીં, પરંતુ આવી વિષમ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જીવન કેવી રીતે ટકી રહે છે તે સમજવા માટે ખૂબ મહત્ત્વની છે.
પૃથ્વીની બહાર જીવનની આશા
આ શોધની અસરો માત્ર એન્ટાર્કટિકા પૂરતી મર્યાદિત નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવું જ અત્યંત ખારું અને વિષમ વાતાવરણ મંગળ ગ્રહ અથવા ગુરુના ચંદ્ર 'યુરોપા'ની બરફીલી સપાટીની નીચે પણ હોઈ શકે છે.
જો કે હવે બ્લડ ફોલ્સનું વૈજ્ઞાનિક રહસ્ય ઉકેલાઈ ગયું છે, તેમ છતાં તે એન્ટાર્કટિકાની સૌથી અદ્ભુત કુદરતી ઘટનાઓમાંથી એક છે, જે આગામી સમયમાં પૃથ્વીની બહાર અન્ય ગ્રહો પર જીવનની શક્યતાઓ શોધવામાં સંશોધકોને મહત્ત્વની કડીઓ પૂરી પાડશે.









