Science & Technology

એન્ડ્રોઇડમાં કોઈ જૂની 'ફેવરિટ' ગેમ ફરી શોધવી છે ? ઇઝી છે !

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખુશખબર! ગૂગલ પ્લે સ્ટોર હવે તમારી જૂની એપ્સ અને ગેમ્સની યાદી જાળવે છે. તમે અગાઉ ઇન્સ્ટોલ કરેલી કોઈપણ એપ કે ગેમ ફરીથી ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, 'મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ' અને પછી 'નોટ ઇન્સ્ટોલ્ડ' ટેબમાં જઈ સરળતાથી શોધી શકો છો.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ડ્રોઇડમાં કોઈ જૂની 'ફેવરિટ' ગેમ ફરી શોધવી છે ? ઇઝી છે !

તમે એન્ડ્રોઇડ ફોનનો વર્ષોથી ઉપયોગ કરતા હો તો એવું બનતું હશે કે તેમાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી જુદી જુદી ઘણી એપ્સ, ગેમ્સ વગેરે ઇન્સ્ટોલ કરતા હશો અને પછી ક્યારેક તેનાથી કંટાળીને કે ફોનમાં સ્પેસ ખાલી કરવા માટે જૂની એપ્સ અનઇન્સ્ટોલ કરી દેતા હશો.
પછી એવું બને કે ક્યારેક કોઈ જૂની એપ - ખાસ કરીને ગેમ - યાદ આવે અને એ ફરી કરવાનું, ફરી ઇન્સ્ટોલ કરવાનું મન થાય! એ એપનું નામ બરાબર યાદ ન હોય, તો પ્લે સ્ટોરમાં સર્ચ કેવી રીતે કરો?
સારી વાત એ છે કે ગૂગલ પ્લે સ્ટોર આપણે અગાઉ ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્સ, ગેમ્સ વગેરેની યાદી જાળવે છે. તમે એ યાદી સુધી પહોંચીને પેલી જૂની, હવે ફરી યાદ આવેલી એપ શોધી શકો છો!
એ માટે ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરો. તેમાં ઉપર જમણી તરફ તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
હવે જે પેજ ઓપન થાય તેમાં ‘મેનેજ એપ્સ એન્ડ ડિવાઇસ’ પર ક્લિક કરો. જે પેજ ઓપન થાય એમાં ‘મેનેજ’ ટેબમાં જાઓ. હવે નીચેની તરફ ફોનમાંની તમામ એપ્સ, ગેમ્સ વગેરેની યાદી જોવા મળશે. આ યાદીની ઉપર જુદી જુદી ટેબ્સમાં એપ્સની યાદીને અલગ અલગ રીતે સોર્ટ કરવાના વિકલ્પો મળશે.
તેમાં સૌથી પહેલી ટેબમાં ‘ધીસ ડિવાઇસ’ લખેલું જોવા મળશે. તે સિલેક્ટેડ હોવાથી તેની નીચે જે તે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બધી એપ્સ જોવા મળે છે.
‘ધીસ ડિવાઇસ’ લખેલી આ ટેબ ક્લિક કરતાં ‘ધીસ ડિવાઇસ’ અને ‘નોટ ઇન્સ્ટોલ્ડ’ એવા બે વિકલ્પ જોવા મળશે. તેમાં ‘નોટ ઇન્સ્ટોલ્ડ’ સિલેક્ટ કરતાં, આપણે અત્યારે જે તે ફોનમાં ઇન્સ્ટોલ ન કરેલી પરંતુ અગાઉ ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્સ જોવા મળશે. તેમાં ‘ગેમ્સ’નું અલગ ફિલ્ટર પણ જોવા મળી શકે છે. તેને સિલેક્ટ કરીને તમે અગાઉ ક્યારેક ને ક્યારેક ઇન્સ્ટોલ કરીને જેની મજા માણી હોય એ બધી ગેમ્સ એક સાથે જોઈ શકો છો.જે ગેમ ફરી રમવાનું મન થાય તેને ક્લિક કરીને નવેસરથી ઇન્સ્ટોલ કરી શકશો.
એ યાદ રાખશો કે તમે તમારા ફોનમાં જુદાં જુદાં, એકથી વધુ ગૂગલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હશો તો ફરી મનમાં વસેલી ગેમ શોધવા માટે બધાં એકાઉન્ટ તપાસવા જવું પડશે!