યુઝર્સના લોકેશન ડેટા મામલે Googleને 3 ભૂલ ભારે પડી, EUએ ફટકાર્યો રૂ.4 હજાર કરોડનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EU Fines Google : આપણે સ્માર્ટફોન પર શું સર્ચ કરીએ છીએ ત્યાંથી લઈને આપણે ક્યાં જઈએ છીએ તે તમામ લોકેશન ગૂગલ પોતાની સેવાઓ દ્વારા એકત્રિત કરતું હોય છે. આ જ લોકેશન ડેટા મામલે નિયમોના ઉલ્લંઘન બદલ ગૂગલ પર 403 મિલિયન યુરો એટલે કે લગભગ 463 મિલિયન ડોલર (આશરે 4,432 કરોડ રૂપિયા)નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના ડેટા પ્રાઈવસી રેગ્યુલેટરે જણાવ્યું કે, કંપનીએ યુઝર્સના લોકેશન ડેટાને કાયદેસર, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પ્રોસેસ કર્યો ન હતો.
આયર્લેન્ડથી થઈ તપાસની શરૂઆત
આ સમગ્ર કેસ આયર્લેન્ડની રાજધાની ડબલિનમાંથી સામે આવ્યો છે. યુરોપિયન યુનિયનના 27 દેશો માટે ગૂગલનું મુખ્ય મથક ડબલિનમાં આવેલું હોવાથી આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન એજન્સી આ તપાસનું સંચાલન કરી રહી હતી. આશરે 6 વર્ષ પહેલા શરૂ થયેલી આ તપાસમાં એ ચકાસવામાં આવ્યું કે કંપનીએ યુરોપિયન યુનિયનના કડક પ્રાઈવસી કાયદા GDPR (જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન)ના નિયમોનું યોગ્ય પાલન કર્યું હતું કે નહીં. 2018 થી 2020 દરમિયાનના ડેટાની વિગતવાર તપાસ બાદ આ કડક પગલું લેવામાં આવ્યું છે.
ગૂગલના ત્રણ ફીચર્સ તપાસ હેઠળ આવ્યા
આ તપાસ દરમિયાન ગૂગલની ખાસ ત્રણ સેવાઓ શંકાના દાયરામાં રહી હતી. તેમાં સર્ચ અને બ્રાઉઝિંગની વિગતો સાચવતું 'વેબ એન્ડ એપ એક્ટિવિટી', મોબાઈલમાંથી યુઝર ક્યાં ગયો તેની નોંધ રાખતું 'લોકેશન હિસ્ટ્રી' અને એન્ડ્રોઈડનું 'લોકેશન એક્યુરેસી' ફીચર સામેલ છે. નિયમનકારી સંસ્થાના જણાવ્યા મુજબ, આ સેવાઓ દ્વારા યુઝર્સના લોકેશન ડેટાનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે પ્રાઈવસીના નિયમો અનુસાર ન હતો.
ગૂગલે જૂની નીતિઓ ગણાવી, રેગ્યુલેટરે આપી ચેતવણી
આટલા મોટા દંડ બાદ ગૂગલે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે આ કેસ કંપનીની જૂની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં હવે સંપૂર્ણપણે ફેરફાર કરી દેવાયો છે. 2019 પછી નિયમોમાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા છે અને યુઝર્સને પોતાનો લોકેશન ડેટા જાતે કંટ્રોલ કરવા માટે સરળ ટૂલ્સ આપવામાં આવ્યા છે. જોકે આયર્લેન્ડના રેગ્યુલેટરે ટકોર કરી હતી કે લોકેશન ડેટાથી કોઈ વ્યક્તિ ક્યાં હાજર છે તેનો સચોટ અંદાજ આવી જાય છે. આ ડેટાનો ઉપયોગ ઓનલાઈન સેવા સુધારવા થઈ શકે છે, પરંતુ તેનાથી વ્યક્તિના અંગત જીવનની અત્યંત સંવેદનશીલ વિગતો પણ જાહેર થઈ જવાનું જોખમ રહે છે.
ટેક જગત પર ચોથો સૌથી મોટો દંડ
યુરોપિયન યુનિયનના ઈતિહાસમાં કોઈ ટેક કંપની પર લાદવામાં આવેલો આ ચોથો સૌથી મોટો પ્રાઈવસી દંડ છે. આ અગાઉ ટિકટોક અને META (Facebook) જેવી અગ્રણી કંપનીઓ પર પણ મોટા દંડ થઈ ચૂક્યા છે, જેમાં મેટા પર એકલા 1.2 અબજ યુરોનો ઐતિહાસિક દંડ સામેલ હતો. આ કાર્યવાહી ઉપરાંત, આયર્લેન્ડની તપાસ એજન્સી હાલમાં પણ ગૂગલ સાથે જોડાયેલા અન્ય 3 જેટલા ગંભીર કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.




