Science & Technology

AI માનવતાનો અંત લાવશે તેવી સંભાવના બિલકુલ શૂન્ય: NVIDIAના સીઈઓ જેન્સન હુઆંગનું મોટું નિવેદન, ઝડપી વિકાસની કરી હિમાયત

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
NVIDIAના CEO જેન્સન હુઆંગે AI દ્વારા 2030 સુધીમાં માનવ સભ્યતાના અંતની આશંકાઓને "શૂન્ય ટકા" ગણાવી નકારી કાઢી છે. તેમણે જણાવ્યું કે AI વિકાસની ગતિ ધીમી ન કરવી જોઈએ, પરંતુ સુરક્ષાના ધોરણો જાળવવા કંપનીઓની જવાબદારી છે. લોસ એન્જલસમાં એક સમિટ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પના અચાનક ફોન કોલે પણ આ ચર્ચામાં ગરમાવો ઉમેર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

AI માનવતાનો અંત લાવશે તેવી સંભાવના બિલકુલ શૂન્ય: NVIDIAના સીઈઓ જેન્સન હુઆંગનું મોટું નિવેદન, ઝડપી વિકાસની કરી હિમાયત

Jensen Huang Dismisses AI Doomsday Fears: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ વચ્ચે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા ભયને નકારી કાઢતાં દિગ્ગજ ટેક કંપની NVIDIAના સીઈઓ જેન્સન હુઆંગે મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે 2030 સુધીમાં AI માનવ સભ્યતાનો અંત લાવી દેશે તેવી તમામ આશંકાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. જેન્સન હુઆંગે ભારપૂર્વક જણાવ્યું કે આવું બનવાની સંભાવના બિલકુલ "શૂન્ય ટકા" છે. તેમણે પ્રલયકારી ભવિષ્યવાણીઓ પાછળના તર્ક સામે સવાલો ઉઠાવ્યા હતા અને શંકા વ્યક્ત કરી હતી કે આવી વાતો રાજકીય અથવા વ્યાપારી હિતોથી પ્રેરિત હોઈ શકે છે.

AIના વિકાસની ગતિ ધીમી ન કરવી જોઈએ

કેટલાક અગ્રણી ટેક લીડર્સ જ્યારે અત્યાધુનિક AI સિસ્ટમ્સ પર કડક નિયંત્રણો અને વિકાસ ધીમો કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે જેન્સન હુઆંગે તેનાથી તદ્દન વિપરીત વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં ગમે તે થાય આપણે શક્ય તેટલી ઝડપથી આગળ વધવું જોઈએ, પરંતુ સાથે સુરક્ષાના યોગ્ય ધોરણો જાળવવા અનિવાર્ય છે. કંપનીઓએ સંપૂર્ણ તૈયારી અને પર્યાપ્ત સુરક્ષા વિના પ્રોડક્ટ્સ લોન્ચ ન કરવી જોઈએ. સેલ્સફોર્સની ડ્રીમફોર્સ કોન્ફરન્સમાં પણ તેમણે નવા કડક કાયદાઓનો વિરોધ કરતાં કહ્યું હતું કે સેફ્ટી જાળવવી એ દરેક કંપનીની ટેકનિકલ અને એન્જિનિયરિંગ જવાબદારી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો સરપ્રાઇઝ કોલ બન્યો ચર્ચાનો વિષય

14 સપ્ટેમ્બરના રોજ લોસ એન્જલસ ખાતે આયોજિત 'ઓલ-ઇન સમિટ' દરમિયાન હુઆંગના ભાષણ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અચાનક ફોન આવ્યો હતો. જેન્સન હુઆંગે તે કોલ સ્પીકરફોન પર મૂક્યો હતો, જેમાં ટ્રમ્પે શ્રોતાઓને ખાતરી આપી હતી કે રોબોટ્સ ક્યારેય માનવજાત પર કબજો નહીં કરે અને આ સમગ્ર વિવાદને "અફવા" ગણાવ્યો હતો. જેન્સન હુઆંગે AI દ્વારા પૃથ્વીના વિનાશની થિયરીને નકારવામાં ટ્રમ્પ સાથે સંમતિ દર્શાવી હતી. જોકે તેમણે AIના તમામ સંભવિત જોખમોને સાવ અફવા માની લેવાની વાત સાથે અસંમતિ પણ વ્યક્ત કરી હતી.

એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઇએ કરી હતી ગતિ ધીમી કરવાની માંગ

આ વૈશ્વિક ચર્ચા 12 સપ્ટેમ્બરના રોજ એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઇના પ્રકાશિત થયેલા નિબંધ 'વી મસ્ટ પેસ ધ ફ્રન્ટિયર' બાદ વધુ ગરમાઈ છે. તેમાં તેમણે AI મોડલ્સની ક્ષમતા વધારવાની ઝડપને થોડી નિયંત્રિત કરવાની દલીલ કરી હતી, જોકે સ્પષ્ટતા કરી હતી કે તેનો અર્થ સંશોધન સંપૂર્ણપણે અટકાવવાનો નથી. તેમણે લોકશાહી દેશોના ડેવલપર્સ વચ્ચે સંકલન, આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો અને અદ્યતન AI કંપનીઓની ટેકનોલોજીનું સ્વતંત્ર મૂલ્યાંકનકારો દ્વારા સતત ઓડિટ કરાવવાની જોરદાર હિમાયત કરી હતી.