Science & Technology

'નથિંગ' કંપની હવે ભારત પર ફોક્સ કરી રહી છે- બધી જ રીતે

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
લંડનની ટેક કંપની 'નથિંગ'ના સહ-સ્થાપક કાર્લ પેઈએ જાહેરાત કરી છે કે તેમની સબ-બ્રાન્ડ 'CMF' ભારતીય કંપની બનશે. તેનું હેડક્વાર્ટર ભારતમાં રહેશે અને સમગ્ર ટીમ ભારતમાં જ કામ કરશે. એન્જિનિયરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને R&D પણ ભારતમાં થશે. કંપની દર વર્ષે 10 કરોડ સ્માર્ટફોન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે ભારતમાં ટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નથિંગ' કંપની હવે ભારત પર ફોક્સ કરી રહી છે- બધી જ રીતે

વર્ષ ૨૦૨૧માં લંડનમાં સ્થપાયેલી ‘નથિંગ’ નામની ટેક કંપનીએ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
આ ફોનને ‘નથિંગ’ નામ અમસ્તું આપવામાં આવ્યું નથી. કંપનીની ફિલોસોફી એવી રહી છે કે તેના ફોનમાં કશું જ બિનજરૂરી ન હોય! આ‘નથિંગ’ ફોન અન્ય કંપનીના ફોન કરતાં દેખીતી રીતે જુદા પડે છે. તે ફોનની અંદરની બાબતો જોઇ શકાય તેવા ‘સી-થ્રૂ’ ગ્લાસના બનેલા હોય છે. આ ફોન એન્ડ્રોઇડ પર આધારિત ‘નથિંગ’ ઓએસ પર ચાલે છે, જેમાં કસ્ટમ ગ્રે સ્કેલ આઇકન્સ, જૂના જમાનાના હોય તેવા ડોટ મેટ્રિક્સ ફોન્ટ્સનો ઉપયોગ થાય છે. ઉપરાંત, ફોનમાં બિનજરૂરી સોફ્ટવેર પણ ઝીરો - એટલે નથિંગ!
આ કંપનીની સ્થાપના વન પ્લસના સહસ્થાપક, માંડ ૩૭ વર્ષના કાર્લ પેઇએ કરી છે. તેમણે બજેટ રેન્જના ફોન લોન્ચ કરવા માટે ‘સીએમએફ’ નામની એક સબ બ્રાન્ડ ઊભી કરી છે.
હમણાં આ કાર્લ પેઇએ જાહેર કર્યું છે કે ‘સીએમએફ’ ઘણા ખરા અંશે ભારતીય કંપની બનશે. પેરેન્ટ કંપની ‘નથિંગ’નો થોડો હિસ્સો રહેશે, પરંતુ મોટા ભાગની માલિકી ભારતીય કંપનીની રહેશે. તેનું હેડક્વાર્ટર ભારતમાં રહેશે. સમગ્ર ટીમ ભારતમાં જ કામ કરશે તથા આરએન્ડડી પણ ભારતમાં જ કરવામાં આવશે!
અત્યારે ઘણી મેજર મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપની પોતાના ફોન ભારતમાં મેન્યુફેકચર કરે છે. એમ કહી શકાય કે ભારતમાં વેચાતા ૯૯ ટકા સ્માર્ટફોન ભારતમાં જ બને છે. પરંતુ તેમાં મોટા ભાગે એસેમ્બલિંગનું કામ થાય છે. મૂળ ડિઝાઇન તથા આરએન્ડડી વિદેશોમાં થાય છે. જ્યારે ‘નથિંગ’ની ‘સીએમએફ’ કંપની એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા આરએન્ડડી વગેરે બધું જ ભારતમાં કરશે. કંપની ભારતમાં દર વર્ષે ૧૦ કરોડ સ્માર્ટફોન મેન્યુફેકચર કરવા માગે છે.
કાર્લ પેઇનું કહેવું છે કે જાપાન, સાઉથ કોરિયા તથા ચીન જેવા દેશોએ પહેલાં વિશાળ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ્સ ઊભી કરી અને પછી વિશ્વ સ્તરે જાણીતી કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ્સ ડેવલપ કરી. કાર્લ પેઇના મતે હવે ભારત પણ એવું કરી શકે તેમ છે. ફક્ત એ માટે પ્રોડક્ટ ડિઝાઇન, એન્જિનીયરિંગ તથા આરએન્ડડી પર ફોકસ કરવાની જરૂર છે.