Get The App

તો સોનાની કિંમતો એક 'રહસ્યમય કંપની' ને કારણે વધી રહી છે? જાણો શું છે 'સ્વિસ કનેક્શન'

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
તો સોનાની કિંમતો એક 'રહસ્યમય કંપની' ને કારણે વધી રહી છે? જાણો શું છે 'સ્વિસ કનેક્શન' 1 - image


AI Image

Reason Behind Gold Price Hike: છેલ્લા થોડા સમયથી સોનાની કિંમતો આકાશ તો છોડો, સ્પેસમાં પહોંચી ગઈ હોય તેમ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકોનો એક જ પ્રશ્ન છે કે આખરે સોનાનો ભાવ ક્યાં જઈને અટકશે? અત્યાર સુધી આવેલી અનેક રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરના સેન્ટ્રલ બેન્કો સતત સોનું ખરીદી રહ્યા છે અને એ જ સોનાની કિંમતોમાં ભારે ઉછાળાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે એની સાથે અન્ય પણ કેટલાક કારણ જવાબદાર છે. એમાંનું એક કારણ દુનિયામાં કોઈએ વિચાર્યું નહીં હોય એવું છે. આ કારણ જાણીને સોનાને લઈને તમારી વિચારસરણી અને ભવિષ્યમાં શું કરવું એ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં લગભગ 3,70,000 જૂના પરમાણુ બંકર છે, જે કોલ્ડ વોર સમયના છે. હવે એમાંથી મોટાભાગના બંકર બેકાર પડ્યા છે, પરંતુ એમાંથી એક બંકરમાં હાલમાં કંઈક એવું ચાલી રહ્યું છે કે જે ચોંકાવનારું છે. આ બંકરમાં દર અઠવાડિયે એક ટનથી વધુ સોનું પહોંચાડવામાં આવે છે. આ હાઇ-સિક્યોરિટી વોલ્ટ ક્રિપ્ટો જગતની મોટી કંપની Tether Holdings SAના નિયંત્રણમાં છે. બેન્કો અને સરકારોને છોડીને આ દુનિયાનું સૌથી મોટું ખાનગી સોનાનું ભંડાર માનવામાં આવે છે.

સોનાને પોતાના પાસે રાખવું Tether માટે અત્યંત જરૂરી છે. સુરક્ષાના હેતુસર કંપનીએ સ્વિટ્ઝર્લૅન્ડના જૂના પરમાણુ બંકરમાં સોનું રાખ્યું છે. આ બંકરોમાં જાડા સ્ટીલના દરવાજાની અનેક સ્તરો સાથે કડક સુરક્ષા છે. કંપનીના CEO તેને મજાકીય અંદાજમાં “James Bond જેવી જગ્યા” કહે છે.

સરકારો જ્યારે સતત કર્જ વધારે છે અને ખર્ચ પૂરું કરવા માટે વધુ પૈસા છાપે છે, ત્યારે સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ ધીમે ધીમે ઘટવા લાગે છે. તેમને ભય રહે છે કે આથી મોંઘવારી વધશે, કરન્સીની કિંમત ઘટશે અને તેમની બચતની શક્તિ ઓછી થઈ જશે. આ જ વિચાર ક્રિપ્ટો રોકાણકારોમાં પણ જોવા મળે છે. તેઓ બેન્કિંગ અને સરકારી સિસ્ટમ પર ઓછો વિશ્વાસ કરે છે. આ કારણે લોકો પોતાની મૂડી એવી સંપત્તિમાં લગાવવા લાગે છે જે સરકારના નિર્ણયોથી ઓછું પ્રભાવિત થાય અને લાંબા સમય સુધી મૂલ્ય જાળવી રાખે. સોનું આ કારણસર સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

જેમ જેમ મોટી સંખ્યામાં રોકાણકારો સોનું ખરીદવા લાગ્યા, તેની માંગ ઝડપથી વધી અને કિંમતો ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ. પહેલી વાર સોનાનો ભાવ 5,200 ડોલર પ્રતિ ઔંસને પાર ગયો, જે દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં સુરક્ષિત રોકાણની ભૂખ ખૂબ જ વધી ગઈ છે. આ તેજીને વધુ જોર Tether જેવી મોટી કંપનીની ભારે ખરીદીથી મળ્યું છે. જ્યારે કોઈ સંસ્થા સતત ટનના હિસાબે સોનું ખરીદે છે, ત્યારે બજારમાં ઉપલબ્ધ માત્રા ઘટે છે અને ભાવ ઉપર જાય છે. આથી નિષ્ણાતો માને છે કે સોનાની કિંમતોમાં આવેલા આ મોટા ઉછાળાના પાછળ Tetherની સક્રિય ખરીદી પણ મહત્વપૂર્ણ કારણ છે.

HSBCના બે દિગ્ગજ જોડાયા Tether સાથે

કંપનીની આંતરિક વ્યૂહરચના અંગે બજારમાં હજુ પણ રહસ્ય છે. ગયા વર્ષે HSBC Holdingsના બે સિનિયર ગોલ્ડ ટ્રેડર્સે નોકરી છોડી, ત્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં અટકળો હતી કે તેઓ ક્યાં જશે? કઈ કંપનીમાં જોડાશે? બહુ ઓછા લોકોએ અંદાજ લગાવ્યો હતો કે તેમનું આગળનું સ્થાન Tether હોઈ શકે છે. આથી સંકેત મળ્યો કે કંપની હવે પરંપરાગત બુલિયન બજારમાં પણ ગંભીર ખેલાડી બની ગઈ છે.

Tether દુનિયાની સૌથી મોટી સેન્ટ્રલ ગોલ્ડ બેન્ક બનશે?

Bloombergને આપેલા ઇન્ટરવ્યુમાં Tetherના CEO પાઓલો અર્દોઇનો (Paolo Ardoino)એ કંપનીની ભૂમિકા સેન્ટ્રલ બેન્ક સાથે સરખાવી છે. તેમણે કહ્યું કે અમેરિકા સામેના પ્રતિસ્પર્ધીઓ ભવિષ્યમાં ડોલર સામે સોનાથી સમર્થિત નવી કરન્સી રજૂ કરી શકે છે. અર્દોઇનો મુજબ Tether પોતાનો મોટો નફો સતત સોનામાં લગાવશે અને હવે બેન્કોની જેમ મેટલ ટ્રેડિંગમાં પણ પ્રવેશી રહ્યું છે. પાઓલો આ વિશે કહે છે કે “અમે જલ્દી જ દુનિયાના સૌથી મોટા, કહી શકાય એવા ગોલ્ડ સેન્ટ્રલ બેન્ક બની રહ્યા છીએ.”

Bloombergના અંદાજ મુજબ, કંપનીએ ગયા વર્ષે લગભગ 70 ટનથી વધુ સોનું ખરીદ્યું. આ માત્રા મોટાભાગના સેન્ટ્રલ બેન્કોથી પણ વધુ છે. માત્ર પોલેન્ડ એવુ દેશ રહ્યું કે જેણે આથી વધુ એટલે કે લગભગ 102 ટન સોનું પોતાના લોકરમાં ઉમેર્યું છે. મોટા ETFsને છોડીને, એટલી ખરીદી કોઈ અન્ય ખાનગી સંસ્થાએ કરી નથી.

બંકરમાં કેટલું સોનું છે?

પાઓલો અર્દોઇનો મુજબ Tether પાસે હાલમાં લગભગ 140 ટન સોનું છે, જેમાં કંપનીનો રિઝર્વ અને તેના ગોલ્ડ ટોકનને સપોર્ટ આપતું ભંડોળ સામેલ છે. તેની અંદાજિત કિંમત લગભગ 24 અબજ ડોલર છે. આ બેન્કો, સેન્ટ્રલ બેન્કો અને મોટા ETFsને છોડીને સૌથી મોટું ખાનગી ભંડોળ માનવામાં આવે છે. કંપની દર અઠવાડિયે એકથી બે ટન સોનું ખરીદી રહી છે અને આવનારા મહિનાઓ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની યોજના છે.

Tetherની કમાણીનો મુખ્ય સ્ત્રોત તેનો ડોલર આધારિત સ્ટેબલકોઇન USDT છે, જેની બજારમાં લગભગ 186 અબજ ડોલરની સપ્લાય છે. લોકો અસલી ડોલર આપીને USDT ખરીદે છે અને કંપની એ પૈસાને અમેરિકન ટ્રેઝરી બોન્ડ અને સોનામાં રોકે છે. આથી તેને વ્યાજ અને ટ્રેડિંગથી અબજો ડોલરનો નફો થાય છે.

આ પણ વાંચો: આઇફોન 18ની કિંમત લીક: આઇફોન 17ની સરખામણીએ એમાં શું બદલાશે?

ઘણા દેશો વધારે ખરીદી કરીને ઓછું બતાવે છે

વૈશ્વિક સોનાના બજારની પ્રકૃતિ ખૂબ જ ગુપ્ત છે. તેથી સાચા ખરીદદારો કોણ છે એ શોધવું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે ચીને સત્તાવાર રીતે માત્ર 27 ટન સોનાની ખરીદી બતાવી હતી, પરંતુ ઘણા વેપારીઓ માને છે કે વાસ્તવિક આંકડો આથી ઘણો વધારે હતો.

Tetherની જાહેર કરેલી ખરીદી એટલી મોટી છે કે ઘણા બજાર નિષ્ણાતો માને છે કે એના કારણે વૈશ્વિક કિંમતો વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. Jefferies Financial Groupના એક્સપર્ટ મુજબ ગયા વર્ષે સોનામાં આવેલી લગભગ 65% તેજીમાં Tetherની ખરીદીનો મોટો ફાળો હોઈ શકે છે. તેમણે કંપનીને મહત્ત્વપૂર્ણ નવો ખરીદદાર કહીને જણાવ્યું કે આથી લાંબા સમય સુધી સોનાની માંગ મજબૂત રહી શકે છે.