Science & Technology

ચાંદ સાથે અથડાયું સ્પેસએક્સનું 4,000 કિલોનું બેકાબૂ રૉકેટ; જાણો પૃથ્વી પર તેની શું અસર થશે?

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
એલોન મસ્કની SpaceX કંપનીનું 4,000 કિલો વજન ધરાવતું બેકાબૂ રોકેટ 8,690 kmphની ઝડપે ચાંદની સપાટી સાથે અથડાયું છે. ફ્લોરિડાથી લોન્ચ થયેલું ફાલ્કન 9 રોકેટનું ઉપલું હિસ્સો ગુરુત્વાકર્ષણ બળના કારણે દિશાભૂલ્યું હતું. આ ટક્કર ચાંદના 'આઈન્સ્ટાઈન ક્રેટર' પાસે થઈ, જેનાથી 100 કિલોમીટર ઊંચે ધૂળની ડમરીઓ ઉડી. વૈજ્ઞાનિકોને આ ઘટનાથી ચાંદના નિર્માણનો અભ્યાસ કરવામાં મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદ સાથે અથડાયું સ્પેસએક્સનું 4,000 કિલોનું બેકાબૂ રૉકેટ; જાણો પૃથ્વી પર તેની શું અસર થશે?

SpaceX Rocket Moon Crash : અંતરિક્ષની દુનિયામાંથી એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું એક 4,000 કિલો વજન ધરાવતું બેકાબૂ રૉકેટ આશરે 8,690 kmphની અતિ ઝડપી ગતિએ ચાંદની સપાટી સાથે અથડાયું છે. આ ઘટના બાદ યુએસ સ્પેસ એજન્સી નાસાએ સ્પષ્ટતા કરી છે કે આ ટક્કરથી આપણી પૃથ્વીને કોઈ જ જોખમ નથી.

કેવી રીતે દિશા ભૂલીને ચાંદ તરફ ગયું રૉકેટ?

આ બેકાબૂ ટુકડો સ્પેસએક્સના ફાલ્કન 9 રૉકેટનો ઉપલો હિસ્સો છે. તેને જાન્યુઆરી 2025માં ફ્લોરિડાથી અમેરિકા અને જાપાનના બે મૂન લેન્ડરને અંતરિક્ષમાં મોકલવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. મુખ્ય મિશન પૂરું થયા પછી આ ભાગ અંતરિક્ષમાં તરતો રહ્યો હતો. છેલ્લા 18 મહિના દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે તેનો રસ્તો ધીમે ધીમે બદલાઈ ગયો અને તે સીધો ચાંદ તરફ ફંટાઈ ગયો હતો.

ટક્કર બાદ ધૂળની ડમરીઓ 100 કિમી ઊંચે સુધી ઊડી

આ ટક્કર ચાંદના પશ્ચિમી કિનારે આવેલા 'આઈન્સ્ટાઈન ક્રેટર' નામના મોટા ખાડા પાસે થઈ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી જોરદાર હતી કે તેનાથી ચાંદની ધરતી પર ધૂળની મોટી ડમરીઓઓ ઉછળી હતો, જે આશરે 100 કિલોમીટર ઊંચે સુધી ગયો હતો. જોકે ટક્કર સમયે બનેલી રોશની અત્યંત આછી હોવાથી સામાન્ય ટેલિસ્કોપથી તેને જોવી અશક્ય હતી.

ઘટના પછીની તસવીર માટે ઓર્બિટર પર નિર્ભરતા

ઘટના બની ત્યારે ચાંદની પરિક્રમા કરી રહેલું કોઈ પણ સ્પેસક્રાફ્ટ યોગ્ય સ્થિતિમાં ન હોવાથી લાઈવ તસવીરો મળી શકી નથી. હવે દક્ષિણ કોરિયાનું 'દાનુરી' ઓર્બિટર અને નાસાનું 'લૂનર રિકોનિસન્સ ઓર્બિટર' (LRO) આગામી દિવસોમાં આ જગ્યા પરથી પસાર થશે અને હાઈ-રિઝોલ્યુશન તસવીરો લેશે.

ચાંદ પર વધતો માનવસર્જિત કચરો

આ ઘટના સાથે જ ચાંદ પર માનવ દ્વારા છોડાયેલી કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી વસ્તુઓની સંખ્યા વધીને 3,000થી વધુ થઈ ગઈ છે, જેનું કુલ વજન 190 ટન જેટલું થાય છે. સપ્ટેમ્બર 1959માં સોવિયેત સંઘનું 'લૂના 2' ચાંદ પર પહોંચનારી પહેલી માનવસર્જિત વસ્તુ હતી. આ સિવાય નાસાના એકલા એપોલો પ્રોગ્રામ સાથે જોડાયેલી 796 વસ્તુઓ ત્યાં પડેલી છે.

ઘટનાથી શું ફાયદો?

આ ટક્કરથી વૈજ્ઞાનિકોને મોટો વૈજ્ઞાનિક ફાયદો થશે. સામાન્ય રીતે જ્યારે કોઈ કુદરતી ઉલ્કાપિંડ ચાંદ સાથે અથડાય છે, ત્યારે વૈજ્ઞાનિકો પાસે તેની ગતિ કે વજનનો ડેટા હોતો નથી. પરંતુ આ રૉકેટનું વજન અને સ્પીડ પહેલેથી જ ખબર હોવાથી, ટક્કરથી બનેલા નવા ખાડા અને ઊડેલી ધૂળનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો એ સમજી શકશે કે અબજો વર્ષો પહેલા ચાંદ અને આપણા સૌરમંડળનું નિર્માણ કેવી રીતે થયું હતું.

ઘટનાથી શું નુકસાન ?

ચાંદ પર કોઈ વાતાવરણ કે પર્યાવરણ ન હોવાથી ત્યાં કોઈ કુદરતી ઇકોસિસ્ટમને નુકસાન થતું નથી. પરંતુ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટી ચિંતા એ છે કે ભવિષ્યમાં વધતા સ્પેસ ટ્રાફિકના કારણે ઐતિહાસિક એપોલો લેન્ડિંગ સાઇટ્સને નુકસાન પહોંચી શકે છે. આ સિવાય ભવિષ્યમાં મોકલવામાં આવનારા નવા સ્પેસક્રાફ્ટ સાથે આ કચરો અથડાવાનું જોખમ પણ સતત વધતું જાય છે.

રૉકેટનો નીચલો ભાગ ફરી ઉપયોગ માટે તૈયાર

સ્પેસએક્સના ફાલ્કન 9 રૉકેટનો નીચલો ભાગ (જેને બૂસ્ટર કહેવાય છે) રિ-યૂઝેબલ હોય છે અને તે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછો ઉતરી આવે છે. જે જાન્યુઆરી 2025ના મિશનનો ઉપલો ભાગ ચાંદ સાથે અથડાયો હતો, તે જ રૉકેટના નીચલા બૂસ્ટરને 10 ઓગસ્ટે 18મી વાર લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.