Samsung S26 Series: સેમસંગે તેની નવી ફ્લેગશિપ ગેલેક્સી S26 સ્માર્ટફોન સિરીઝને લોન્ચ કરી છે. આ સિરીઝમાં ત્રણ મોડલ્સ ગેલેક્સી S26, ગેલેક્સી S26+, અને ગેલેક્સી S26 અલ્ટ્રાનો સમાવેશ થાય છે. S25 જેવી જ ડિઝાઇન હોવા છતાં એમાં ઘણાં મહત્ત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યાં છે. એમાં સૌથી પહેલાં પ્રાઇવસી ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. આ સાથે જ એવા ઘણાં નવા ફીચર્સનો સમાવેશ થયો છે, પરંતુ એની સાથે સેમસંગે તેમના મોબાઇલની કિંમતમાં વધારો પણ કર્યો છે.
S26 સિરીઝના AIમાં કરવામાં આવ્યા સુધારા
ગેલેક્સી S26 સિરીઝમાં અનેક નવા AI ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સૌથી નોંધપાત્ર ફીચર છે Now Nudge જે સમયસર અને પરિસ્થિતિને અનુરૂપ સૂચનો આપે છે. આ સાથે જ વધુ પ્રોએક્ટિવ Now Brief અને Circle to Search દ્વારા મલ્ટી-ઓબ્જેક્ટ ઓળખીને સર્ચ કરવામાં આવે એ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અજાણ્યા કોલર્સના ઇરાદાઓને ઓળખીને AI આધારિત Call Screening ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેલેક્સી S26 અલ્ટ્રામાં શું છે ખાસ?
ગેલેક્સી S26 અલ્ટ્રાની સૌથી મોટી ખાસિયત છે તેનો પ્રાઇવસી ડિસ્પ્લે. આ ફીચર યુઝર માટે કન્ટેન્ટને સાફ દેખાડે છે, પરંતુ સાઇડ વ્યૂઝને બ્લોક કરે છે. ફોનમાં 6.9-ઇંચ QHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આ ડિસ્પ્લે આવે છે. એમાં Snapdragon 8 Elite Gen 5 for Galaxy ચિપસેટનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના દ્વારા મોબાઇલને પાવર મળે છે. ગેમિંગ અને લાંબા વીડિયો રેકોર્ડિંગ દરમિયાન ગરમી ઘટાડવા માટે નવું ડિઝાઇન કરવામાં આવેલું વેપર ચેમ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેલેક્સી S26 અલ્ટ્રાના કેમેરામાં 200MP લેન્સ સાથે આવે છે, જેમાં 2x ઓપ્ટિકલ ક્વોલિટી ઝૂમ છે. આ સાથે જ 50MP અલ્ટ્રા-વાઇડ, 50MP ટેલિફોટો (5x ઓપ્ટિકલ ઝૂમ), અને 10MP ટેલિફોટો (3x ઓપ્ટિકલ ઝૂમ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 12MP કેમેરા છે જે સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે ઉપયોગી છે. બેટરી ક્ષમતા 5,000mAh જ રાખવામાં આવી છે, પરંતુ વાયર્ડ ચાર્જિંગ 60W સુધી સપોર્ટ કરે છે. વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવરશેર ટેકનોલોજીનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેલેક્સી S26 અને S26+
ગેલેક્સી S26 અને S26+માં મોટાભાગે એકસરખા સ્પેસિફિકેશન્સ છે. બંનેમાં ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જે 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આવે છે. એમાં વિઝન બૂસ્ટર ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. S26માં 6.3-ઇંચ Full-HD+ સ્ક્રીન છે, જ્યારે S26+માં 6.7-ઇંચ QHD+ પેનલ છે. કેમેરા સેટઅપમાં 50MP + 10MP + 12MPના બેક કેમેરા છે. તેમ જ 12MPનો ફ્રન્ટ કેમેરો છે. બેટરી ક્ષમતા અનુક્રમે 4,300mAh અને 4,900mAh છે. બંને મોડલ્સમાં 12GB RAM, 2nm Exynos 2600 ચિપ અને 256GB અથવા 512GB સ્ટોરેજ સાથે આવે છે.
આ પણ વાંચો: મેટાએ લોન્ચ કરી દીધી Instagram TV એપ, Google TV પર એનો ઉપયોગ કરી શકશે યુઝર્સ…
સોફ્ટવેર અને કિંમત
આ સિરીઝમાં One UI 8.5 ઇન્ટરફેસ છે અને એ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સેમસંગે 7 વર્ષ સુધી OS અપગ્રેડ્સ અને અપડેટ્સ આપવાની ખાતરી આપી છે. ફોન Cobalt Violet, White, Black, Sky Blue રંગોમાં ઉપલબ્ધ છે. Pink Gold અને Silver Shadow માત્ર Samsung.com પર ઉપલબ્ધ છે. સેમસંગ દ્વારા પ્રિ-ઓર્ડર્સ શરૂ કરી દેવામાં આવ્યાં છે. એમાં બેઝ ગેલેક્સી S26ની કિંમત ₹87,999થી શરૂ થાય છે અને 1TB અલ્ટ્રા વર્ઝનની કિંમત ₹189,999 સુધી જાય છે. સેમસંગ S26ની કિંમતમાં 13,000, S26+ની કિંમતમાં 20,000 અને S26 અલ્ટ્રામાં 10,000નો વધારો કરવામાં આવ્યો છે.


