Apple Solid State Button: Apple તેની 20મી વર્ષગાંઠ પર એટલે કે 2027માં iPhone માટે એક અનોખી ડિઝાઇન પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે. iPhone 20માં ગ્લાસ ડિઝાઇન અને સોલિડ-સ્ટેટ બટનો સાથે લોન્ચ થવાની ચર્ચા છે. સોલિડ-સ્ટેટ બટન એટલે કે હાલમાં જેટલાં પણ ફિઝિકલ બટન છે એ હવે આ iPhoneમાં નહીં હોય. આ નવી ડિઝાઇન અને ફીચર્સ વિશે એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone 20ના ખાસ એડિશન ડિવાઇસના ઘણાં સ્પેસિફિકેશન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ખૂબ ચર્ચિત સોલિડ-સ્ટેટ બટન ટેક્નોલોજી પણ સામેલ છે. Apple દ્વારા ટચસ્ક્રીનને એક નવી દિશા આપવામાં આવી હતી અને હવે એમાંથી હતાં એટલા પણ બટન કાઢી નાખવામાં આવશે એવી ચર્ચા છે.
સોલિડ-સ્ટેટ બટન
સોલિડ-સ્ટેટ બટનો મિકેનિકલ અથવા કેપેસિટિવ સિસ્ટમની જગ્યાએ પ્રેશરથી થતા ફેરફારોને ઓળખીને કામ કરે છે. એટલે કે ડિવાઇસની સાઇડ પર બટન આપ્યા હોય તો એને આંગળીથી સ્પર્શ કરીને ઓપરેટ કરી શકાય છે. આ માટે બટન દબાવવાની જરૂર નથી. ચોક્કસ જગ્યાએ સરફેસ પર પ્રેશર આપીને કામ કરી શકાય છે. આથી મેકર્સને એવા ડિવાઇસ બનાવવામાં મદદ મળે છે જેમાં ફિઝિકલ બટનોની જરૂરિયાત વગર પણ સ્મૂથ સપાટી પરથી આ ટેક્નોલોજી દ્વારા બટનનો ઉપયોગ કરી શકાય. Apple આ ફીચરને વિવિધ પરિસ્થિતિઓમાં ટેસ્ટ કરી રહી છે, જેમ કે હાથમાં ગ્લોવ્સ હોય ત્યારે, ભીના હાથથી, અતિશય તાપમાનમાં અને ફોન કવર દ્વારા ઉપયોગ કરતી વખતે. આ ટેસ્ટ બાદ એ કામ કરે છે કે નહીં એ વિશેનો નિર્ણય લેવામાં આવશે.
સોલિડ-સ્ટેટ બટનો માટે અલ્ટ્રા-લો પાવર ચિપ
સોલિડ-સ્ટેટ બટનોના કાર્યને અલ્ટ્રા-લો પાવર ચિપ દ્વારા સપોર્ટ આપવામાં આવશે. આથી iPhone બંધ હોય ત્યારે પણ આ ચિપ તેના ઉપયોગને ઓળખી શકે છે અને કામ કરી શકે. આ ટેક્નોલોજી વિશે પહેલી વાર ઓક્ટોબર 2025માં થોડી ઘણી જાણ થઈ હતી. એ સમયે Appleએ તેના સોલિડ-સ્ટેટ બટન સિસ્ટમનું ફંક્શનલ વેરિફિકેશન પૂર્ણ કર્યું હોવાનું કહેવાતું હતું. આ ફીચર ભવિષ્યમાં સંપૂર્ણ ગ્લાસથી બનેલા iPhone મોડલ માટેનો માર્ગ પણ તૈયાર કરી શકે છે, જે તેની સુંદરતામાં વધારો કરી શકે છે.
શું હોઈ શકે અન્ય ફીચર્સ?
સોલિડ-સ્ટેટ બટનની સાથે 20મી વર્ષગાંઠના iPhoneમાં અંડર-ડિસ્પ્લે Face ID સિસ્ટમ અને અંડર-ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરા હોવાની સંભાવના પણ વધી રહી છે. ડિવાઇસમાં iPad Pro જેવી ડ્યુઅલ-લેયર OLED સ્ક્રીન પણ હોઈ શકે છે. પાવર માટે તેમાં આશરે 6,000mAh ક્ષમતાવાળી બેટરી અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોવાની શક્યતા છે. અત્યારે iPhoneમાં એટલું બેટરી બેકઅપ નથી, પરંતુ ભવિષ્યમાં આવી શકે છે.
આ પણ વાંચો: Googleમાં બળવો? DeepMind સ્ટાફનો મોટો નિર્ણય: AIનો મિલિટરી ઉપયોગ રોકવા યુનિયનની રચના…
ડિસ્પ્લે હશે વધુ ટકાઉ
નવી Ceramic Shield Ultra સ્ક્રીન સુરક્ષા પણ એમાં હોવાની ચર્ચા છે. આ નવી ફ્રન્ટ ડિસ્પ્લે ગ્લાસ ટેક્નોલોજી એવી હશે કે ખિસ્સામાં ચાવી સાથે રાખ્યા પછી પણ તેમાં સ્ક્રેચ નહીં પડે. આવી અટકળો અસંભવ નથી કારણ કે Apple તેના ફ્લેગશિપ પ્રોડક્ટ્સમાં નિયમિત રીતે પ્રોટેક્ટિવ ગ્લાસને અપગ્રેડ કરતી રહે છે. જોકે ઘણીવાર આ રિપોર્ટ સાચા નહીં હોય એવું પણ બને છે. આથી એક વાર એને લોન્ચ કરવામાં આવે ત્યારે જ એ વિશે ચોક્કસ માહિતી મળી શકે છે.


