એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ફરતે મોકલવાના મિશનને નાસાએ એપ્રિલ સુધી લંબાવ્યું, જાણો કેમ…
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nasa Artemis 2 Mission: નાસા દ્વારા તેના એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ફરતે ભ્રમણ કરવા માટેનું મિશન આર્ટેમિસ 2ને એપ્રિલ સુધી લંબાવી દીધું છે. આ મિશન પહેલાં 6 માર્ચે લોન્ચ થવાનું હતું. આ માટેની તમામ તૈયારીઓ ચાલી રહી હતી. જોકે 20 ફેબ્રુઆરીએ રૂટિન ચેકઅપ દરમિયાન સ્પેસ લોન્ચ સિસ્ટમ રૉકેટમાં ખામી જોવા મળી હતી. આ ખામીને કારણે મિશનને લંબાવી દેવામાં આવ્યું છે અને હવે તે માર્ચની જગ્યાએ એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે.
રૉકેટના પ્રોપલ્શન સિસ્ટમમાં હીલિયમ પ્રવાહમાં આવી ખામી
સ્પેસ લોન્ચ સિસ્ટમના રૉકેટની સમસ્યા તેની ઇન્ટરિમ ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજમાં હીલિયમ પ્રવાહમાં ખામી આવી છે. આ સિસ્ટમ એન્જિનને શુદ્ધ કરવા અને ફ્યુઅલ ટેન્કમાં પ્રેશર બનાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ મહિને બે વાર રિહર્સલ દરમિયાન તે સારી રીતે કામ કરી રહ્યું હતું. જોકે રૂટિન ચેકઅપ દરમિયાન એમાં એ નિષ્ફળ રહ્યું હતું અને એથી જ તારીખને પાછળ કરવામાં આવી છે.
વ્હીકલ એસેમ્બલી બિલ્ડિંગમાંથી એન્જિનિયર દૂર કરશે આ ખામી
આ ખામી જે છે એને કારણે નાસાના એન્જિનિયરો આ પ્રોબ્લેમને વ્હીકલ એસેમ્બલી બિલ્ડિંગ (VAB)માં દૂર કરશે. એનો અર્થ એ છે કે માર્ચની જે તારીખ પહેલેથી નક્કી હતી એ તારીખે મિશન લોન્ચ કરવું શક્ય નથી. આથી જ રૉકેટને પાછું હેંગરમાં લઈ જવામાં આવ્યું છે. નાસાના એક અધિકારીએ સ્વીકાર્યું કે આ ડેવલપમેન્ટને કારણે લોકો નિરાશ થઈ શકે છે, પરંતુ આ પ્રકારની સમસ્યા સ્પેસ મિશનમાં આવવી એ ખૂબ જ સામાન્ય વાત છે.
આર્ટેમિસ 2 મિશન પહેલાં જ અનેક અવરોધોનો સામનો કરી ચૂક્યું છે
આર્ટેમિસ 2 મિશન અત્યાર સુધીમાં અનેક અવરોધોનો સામનો કરી ચૂક્યું છે. આ મિશનને સૌથી પહેલાં 6 થી 11 ફેબ્રુઆરીની વચ્ચે લોન્ચ કરવાનું હતું. જોકે રિફ્યુઅલિંગ દરમિયાન નાના હાઇડ્રોજન લીક અને ટેકનિકલ ખામીઓ વેટ ડ્રેસ રિહર્સલમાં મળી આવી હતી. નાસા દ્વારા દરેક ખામીને ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવી રહી છે અને એને પ્રાયોરિટીમાં રાખીને દૂર કરવામાં આવી રહી છે. આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ જઈ રહ્યાં હોવાથી તેમની સુરક્ષાને ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 19 ફેબ્રુઆરીએ થયેલી બીજી ડ્રેસ રિહર્સલ સફળ રહી. એમાં પ્રવાહી ઇંધણ ભરતી વખતે કોઈ લીક જોવા મળ્યું નહોતું. જોકે બીજા જ દિવસે એમાં ખામી જોવા મળી હતી.
આ પણ વાંચો: સ્પેસમાં સેટેલાઇટની ટક્કર અટકાવવા માટે બનાવવામાં આવી નવી ટેક્નોલોજી, જાણો વિગત…
ઓરિયન કેપ્સ્યુલ અત્યાર સુધીના માનવ મિશન કરતાં સૌથી દૂર જશે
આ મિશન જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે ઓરિયન કેપ્સ્યુલ તેના 10-દિવસના મિશનમાં અત્યાર સુધીના કોઈપણ માનવ મિશન કરતાં અંતરિક્ષમાં સૌથી દૂર જશે. તે છઠ્ઠા દિવસે એપોલો 13નો 400,171 કિમીનો રેકોર્ડ તોડશે. આ મિશન પૂરું થશે ત્યારે ઓરિયન કેપ્સ્યુલ કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક પ્રશાંત મહાસાગરમાં લેન્ડ કરશે. આ મિશન આ વખતે ચંદ્ર પર લેન્ડ નહીં થાય. ચંદ્ર પર અંતરિક્ષયાત્રી લેન્ડ થશે એ મિશન આર્ટેમિસ 3માં કરવામાં આવશે. જોકે આ બીજું મિશન અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે નાસાની ચંદ્ર પર જવાની ટેક્નિકની ક્ષમતા દેખાડશે.









