Get The App

સ્વેચ્છાએ નોકરી છોડો અને મેળવો ફ્રી હેલ્થકેર! આ કર્મચારીઓને માઈક્રોસોફ્ટની ખાસ ઓફર

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
સ્વેચ્છાએ નોકરી છોડો અને મેળવો ફ્રી હેલ્થકેર! આ કર્મચારીઓને માઈક્રોસોફ્ટની ખાસ ઓફર 1 - image
AI Image

Microsoft Voluntary Exit Plan: Microsoftએ અમેરિકામાં પોતાના લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વોલેન્ટરી એક્સિટનો વિકલ્પ શરૂ કર્યો છે, જેમાં મફત હેલ્થકેર, રોકડ ચુકવણી અને સ્ટોક સંબંધિત ફાયદાઓ આપવામાં આવશે. આ પગલું ટેક જાયન્ટ માટે એક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે Microsoftના 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કંપનીએ સ્વૈચ્છિક નિવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. કંપનીએ ગયા મહિને આ યોજના અંગે પ્રાથમિક માહિતી આપી હતી, પરંતુ હવે તેની સંપૂર્ણ વિગતો Microsoftના આંતરિક HR પોર્ટલ પર સમય પહેલાં જ બહાર આવી ગઈ છે.

આ ઓફર એવા કર્મચારીઓ માટે છે જેમની ઉંમર અને કંપનીમાં કામના વર્ષોનો કુલ સરવાળો 70 અથવા તેથી વધુ થાય છે. સરળ ભાષામાં કહીએ તો 50 વર્ષની ઉંમર અને Microsoftમાં 20 વર્ષ સેવા આપનાર કર્મચારી અથવા 55 વર્ષની ઉંમર સાથે 15 વર્ષ કામ કરનાર વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

નવા એક્સિટ પ્રોગ્રામ હેઠળ કર્મચારીઓને શું મળશે?

આ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને અનેક લાભો મળશે. સૌથી મોટો ફાયદો પાંચ વર્ષ સુધી હેલ્થકેર સપોર્ટનો છે. Microsoft પ્રથમ વર્ષ દરમિયાન કર્મચારીઓના મેડિકલ, ડેન્ટલ, આંખના અને વેલનેસના ખર્ચનો સંપૂર્ણ ભાર ઉઠાવશે. ત્યારબાદના ચાર વર્ષ માટે કર્મચારીઓ માસિક પ્રીમિયમ ચૂકવીને આ કવરેજ ચાલુ રાખી શકશે.

રોકડ ચુકવણી

હેલ્થકેર સિવાય Microsoft એક રોકડ પેકેજ પણ આપી રહી છે. તેની રકમ કર્મચારીની પદવી અને સેવા વર્ષો પર આધારિત રહેશે. Level 64ના મધ્યમ અને સિનિયર લેવલના કર્મચારીઓને Microsoftમાં દરેક 6 મહિનાની સેવા બદલ એક અઠવાડિયાના બેઝ પગાર જેટલી રકમ મળશે. કુલ ચુકવણી વધુમાં વધુ 39 અઠવાડિયાના પગાર સુધી મર્યાદિત રહેશે. બીજી તરફ વધુ સિનિયર લેવલ (65 થી 67)ના કર્મચારીઓને દરેક 6 મહિનાની સેવા બદલ 2 અઠવાડિયાના પગાર જેટલી રકમ મળશે અને તેની મર્યાદા પણ 39 અઠવાડિયાના પગાર સુધી રહેશે.

સ્ટોક સંબંધિત ફાયદા પણ મળશે

કંપની સ્ટોક સંબંધિત લાભો પણ આપી રહી છે. ઓફર સ્વીકારનારા કર્મચારીઓને unvested stock awards માટે 6 મહિનાનું વધારાનું વેસ્ટિંગ મળશે. Microsoftમાં સતત 24 વર્ષ અથવા તેથી વધુ સમય કામ કરનારા કર્મચારીઓને 12 મહિનાનું વેસ્ટિંગ મળશે.

કેટલા કર્મચારીઓ લાયક છે?

રિપોર્ટ્સ અનુસાર Microsoftના અમેરિકન વર્કફોર્સના આશરે 7 ટકા કર્મચારીઓ આ યોજનામાં લાયક છે. એટલે કે લગભગ 8,750 કર્મચારીઓ આ કાર્યક્રમ માટે લાયક બની શકે છે. જૂન 2025 સુધી Microsoft પાસે વિશ્વભરમાં લગભગ 2,28,000 કર્મચારીઓ હતા, જેમાંથી લગભગ 1,25,000 અમેરિકા ખાતે કાર્યરત હતા.

નિર્ણય લેવા માટે 30 દિવસનો સમય

લાયક કર્મચારીઓને ઓફર સ્વીકારવી કે નહીં તે નક્કી કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર Microsoft આ કાર્યક્રમ માટે હાલના ક્વાર્ટરમાં લગભગ 900 મિલિયન ડોલરનો એક વખતનો ખર્ચ નોંધશે. રસપ્રદ વાત એ છે કે આ રકમ કંપનીની માત્ર એક દિવસની આવક જેટલી માનવામાં આવે છે.

Layoffs બાદ હવે નવી વ્યૂહરચના

આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના ત્યારે આવી છે જ્યારે Microsoftએ ગયા વર્ષે ખર્ચ ઘટાડવા માટે અનેક રાઉન્ડમાં layoffs કર્યા હતા. જોકે layoffsથી અલગ રીતે આ કાર્યક્રમ કર્મચારીઓને પોતાની શરતો પર કંપની છોડવાની તક આપે છે, સાથે નાણાકીય અને હેલ્થકેર સપોર્ટ પણ આપવામાં આવે છે.

Microsoftની એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પિપલ ઓફિસર એમી કોલમેને મેમોમાં જણાવ્યું હતું કે ‘અમારી આશા છે કે આ કાર્યક્રમ પાત્ર કર્મચારીઓને તેમની પોતાની શરતો પર આગળનું પગલું ભરવાની તક આપે છે. સાથે કંપની તરફથી ઉદાર સહાય પણ મળી રહી છે.’

આ પણ વાંચો: અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

કર્મચારી મૂલ્યાંકન પદ્ધતિમાં પણ ફેરફાર

વોલેન્ટરી એક્સિટ કાર્યક્રમ ઉપરાંત Microsoft કર્મચારીઓને રિવોર્ડ આપવાની આંતરિક પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહી છે. હવે કંપની મેનેજરોને એન્યુઅલ કમ્પેન્સેશન રિવ્યૂ દરમિયાન સ્ટોક રિવોર્ડ્સને કેશ બોનસ સાથે સીધી રીતે જોડવાની ફરજ નહીં પાડે. એમી કોલમેન અનુસાર નવી સિસ્ટમ મેનેજરોના સારા પ્રદર્શનને વધુ અર્થપૂર્ણ રીતે ઓળખી શકશે. હવે મેનેજરોને અગાઉની જેમ 9 અલગ પે કેટેગરીમાંથી પસંદગી કરવાની જરૂર નહીં રહે. તેના બદલે માત્ર 5 વિકલ્પો રહેશે, જેથી પર્ફોર્મન્સ રિવ્યૂ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની શકે.