Get The App

છટણીને લઈને ચિંતા વ્યક્ત કરતાં માર્ક ઝકરબર્ગ કહે છે ‘એક ટીમનું કામ હવે AIની મદદથી એક વ્યક્તિ કરી લે છે’

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
છટણીને લઈને ચિંતા વ્યક્ત કરતાં માર્ક ઝકરબર્ગ કહે છે ‘એક ટીમનું કામ હવે AIની મદદથી એક વ્યક્તિ કરી લે છે’ 1 - image


Meta on AI: મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગ કહે છે 2026નું વર્ષ એવું છે જેમાં મેટા જે રીતે કામ કરે છે એમાં AIને કારણે ખૂબ જ મોટો બદલાવ જોવા મળશે. તેમ જ આ સાથે જ માર્ક ઝકરબર્ગ દ્વારા કંપનીમાં છટણી થઈ શકે એવા પણ અણસાર આપવામાં આવ્યાં છે. કંપનીની ચોથી ક્વાર્ટર અર્નિંગ મીટિંગમાં માર્ક ઝકરબર્ગે કહ્યું કે ‘અમારા અદ્ભુત કર્મચારીઓ હવે AI પર કામ કરી રહ્યા છે જેથી દરેક કર્મચારીઓ પર એની અસર પડશે. આ માટે અમે AIમાં ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ જેથી મેટામાં કામ કરનાર કર્મચારી વધુ પ્રોડક્ટિવિટી આપી શકે. અમે હવે જે-તે વ્યક્તિ કેટલું યોગદાન આપી શકે એના પર ધ્યાન આપી રહ્યા છીએ નહીં કે ટીમ કેટલું કામ કરે.’

નવી પ્રોડક્ટ બનાવવા માટે AI એજન્ટ કરશે મદદ

મેટા હવે AI એજન્ટ દ્વારા નવી પ્રોડક્ટ બનાવવા પર ફોકસ કરી રહ્યું છે. આથી કંપનીમાં હજી પણ વધુ છટણી કરવામાં આવશે એવી ચર્ચા છે. પહેલાં જે માટે એક ટીમની જરૂર પડતી હતી એ માટે હવે મેટા AIની મદદથી એક વ્યક્તિ દ્વારા કામ પૂરું કરશે. માર્ક ઝકરબર્ગે આ વિશે વધુ જણાવતાં કહ્યું કે ‘અમે હવે જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ એ હવે એક જ વ્યક્તિ દ્વારા પૂરું પાડવામાં આવશે જેના માટે પહેલાં સંપૂર્ણ ટીમ જોઈતી હતી. હું ઇચ્છું છું કે હવે ટેલેન્ટેડ વ્યક્તિ મેટાને પસંદ કરે જેથી તેઓ એક એવી પ્રોડક્ટ બનાવી શકે જે ખૂબ જ સારી છાપ છોડે.’

મેટા કંપની જે રીતે કામ કરે છે એમાં હવે સંપૂર્ણ રીતે બદલાવ આવી રહ્યો છે અને એ માટે હવે AI એજન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિશે ઝકરબર્ગ કહે છે, ‘અમે જોઈ રહ્યા છીએ કે AIનો ઉપયોગ કરનાર કર્મચારીની પ્રોડક્ટિવિટીમાં વધારો થયો છે. જે કર્મચારી AIનો ઉપયોગ કરે છે, સારી રીતે કરે છે અને નથી કરતાં એ તમામ વચ્ચે ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે હવે કંપનીઓમાં લોકો પ્રોડક્ટિવિટી અને ચોક્કસ રીતે કેવી રીતે કામ કરે એના પર વધુ ધ્યાન આપશે.’

2025ના ડિસેમ્બરમાં મેટા દ્વારા સિંગાપોરની Manus AI કંપનીને 2 બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી લેવામાં આવી હતી. આ કંપની ઓટોનોમસ જનરલ-પરપઝ એજન્ટ બનાવે છે. મેટા હવે આ એજન્ટને તેમની દરેક પ્રોડક્ટમાં સમાવેશ કરવા માગે છે. આ AIની મદદથી માર્ક ઝકરબર્ગને આશા છે કે તેમની કંપની દરેક પ્રોડક્ટને ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે બનાવી શકશે. જોકે આ માટેનો ચોક્કસ સમય તેમણે નથી જણાવ્યો, પરંતુ કંપની આ દિશામાં કામ જરૂર કરી રહી છે. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘ટેલેન્ટેડ વ્યક્તિ કોઈ પણ સ્થળે AI એજન્ટ બનાવી શકશે, પરંતુ જો તમારે તમારા એજન્ટને કરોડો અબજો લોકો સુધી પહોંચાડવા હોય અને એ પણ પર્સનલાઇઝ એજન્ટ તો એ માટે મેટા જેવી કંપની જોડાવું જરૂરી છે.’

AI ટેલેન્ટને હાયર કરશે મેટા

મેટા દ્વારા છેલ્લા એક વર્ષથી AI ટેલેન્ટને ખૂબ જ અગ્રેસિવ રીતે પસંદ કરવામાં આવી રહ્યા છે. તેઓ તેમને બિલિયન ડોલર સુધીનું પેકેજ આપી રહ્યા છે. OpenAI, Anthropic, ગૂગલ અને એપલ જેવી કંપનીઓના ટેલેન્ટને તેઓ જોબ ઓફર કરી રહ્યા છે. મેટા હવે તેમની AI સ્ટ્રેટેજીને વધુ મજબૂત બનાવી રહી છે. તેમનું ફ્લેગશિપ મોડલ Llama 4 નિષ્ફળ જતાં તેમણે વધુ એડવાન્સ AI મોડલને લોન્ચ કરવાનું હમણાં ટાળ્યું છે. મેટા દ્વારા ગયા વર્ષે જૂનમાં ડેટા લેબલિંગ સ્ટાર્ટઅપ Scale AIના 49 ટકા સ્ટેક ખરીદી કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ એ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ Alexandr Wangને તેમના ચીફ AI ઓફિસર તરીકે પસંદ કર્યા હતા.

મેટા હવે તેમના AI ડિવિઝન અને મેટાની સુપરઇન્ટેલિજન્સ લેબ્સને ફરી રીસ્ટ્રક્ચર કરી રહ્યું છે. આથી મેટાનું ફાઉન્ડેશન મોડલ, પ્રોડક્ટ, ફન્ડામેન્ટલ AI રિસર્ચ ટીમ અને નવી TBD લેબ સાથે મળીને નવી જનરેશનનું AI મોડલ પર કામ કરી રહ્યું છે. 2025ના ઓક્ટોબરમાં મેટા દ્વારા તેમના AI ડિવિઝનમાંથી 600 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મેટાના લાંબા સમયના ચીફ AI સાયન્ટિસ્ટ Yann LeCun પણ હવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મેટાને છોડી દીધું છે. આ વર્ષે એટલે કે જાન્યુઆરીની શરૂઆતમાં જ મેટા દ્વારા તેમની રિયાલિટી લેબ ડિવિઝનમાંથી 10 ટકા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતાં. એમાં લગભગ 1000 લોકોની નોકરી પર અસર પડી હતી.

નવા મોડલ અને પ્રોડક્ટને જલદી લોન્ચ કરશે

માર્ક ઝકરબર્ગના કહ્યા અનુસાર કંપની બહુ જલદી તેમના નવા AI મોડલ અને નવી પ્રોડક્ટને લોન્ચ કરશે. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘મને આશા છે કે અમારું નવું મોડલ ખૂબ જ સારું હશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે એ કેટલું ઝડપી અને ચોક્કસાઈથી કામ કરશે. ત્યાર બાદ અમે એને સમય સમયે વર્ષ દરમ્યાન નવા મોડલને રિલીઝ કરતાં રહીશું.’

આ પણ વાંચો: ફોટોમાં પ્રોફેશનલ એડિટિંગ કરવું છે? ગૂગલ ફોટોઝને અવાજ આપો અને એ કરી દેશે, જાણો કેવી રીતે…

મેટા દ્વારા AIના ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. 2026માં પહેલાં 115 બિલિયન અમેરિકન ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું હતું જે હવે 135 બિલિયન અમેરિકન ડોલર થઈ ગયું છે. 2025માં મેટા દ્વારા ફક્ત 72 બિલિયન ડોલર ફાળવવામાં આવ્યા હતાં જેની સરખામણીમાં આ વર્ષે બજેટ બમણું કહી શકાય. મેટાના ચોથા ક્વાર્ટરમાં 2024માં 22.76 બિલિયન ડોલરનો પ્રોફિટ થયો હતો જે 2025માં 9.2 ટકા વધીને 59.89 બિલિયન ડોલર થયો છે. માર્ક ઝકરબર્ગ અનુસાર અંદાજે 3.5 બિલિયન લોકો રોજના મેટાની ઓછામાં ઓછી એક એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. એમાં ફેસબુક અને વોટ્સએપના માસિક બે બિલિયન એક્ટિવ યુઝર છે અને ઇન્સ્ટાગ્રામના બે બિલિયનની આસપાસ એક્ટિવ યુઝર છે.