AI Assistant for Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ હાલમાં પોતાના માટે એક AI એજન્ટ તૈયાર કરી રહ્યો છે. આ AI એજન્ટ ખાસ માર્ક ઝકરબર્ગના કામ માટે બનાવવામાં આવી રહ્યો છે. આ AI એજન્ટ હાલમાં મહત્તમ અંશે કામ પણ કરી રહ્યો છે. આ દ્વારા માર્ક ઝકરબર્ગ પહેલો એક એવો ટેક લીડર બની ગયો છે જે લોકોની કલ્પનાને હવે વાસ્તવિક બનાવવા જઈ રહ્યો છે. હોલીવુડની ફિલ્મ ‘આયર્ન મેન’માં ટોની સ્ટાર્ક પાસે જે આસિસ્ટન્ટ હોય છે જાર્વિસ, એ જ રીતે આ એજન્ટ પણ કામ કરશે. એટલે કે હવે માર્ક ઝકરબર્ગ ટોની સ્ટાર્ક બનવા જઈ રહ્યો છે. વર્ષો પહેલાં માર્ક ઝકરબર્ગે આયર્ન મેનનું પાત્ર ભજવનાર રોબર્ટ ડાઉની જુનિયરને આ AI માટે અવાજ આપવા માટે ઓફર કરી હતી. એ સમયે રોબર્ટ ડાઉની જુનિયરે કહ્યું હતું કે તે ઘણાં પૈસા ચાર્જ કરશે, પરંતુ એ તમામને ચેરિટીમાં આપવામાં આવે તો આ માટે એ તૈયાર છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ ગયા વર્ષે કહ્યું કે કંપનીને ચલાવવી AI માટે ખૂબ જ સરળ રહેશે. તેમ જ AI ખૂબ જ સારી રીતે કંપનીને ટેકઓવર કરી શકે છે.
ખૂબ જ ઝડપી માહિતી મેળવી શકશે
માર્ક ઝકરબર્ગ દ્વારા આ AI એજન્ટને હાલમાં CEO એજન્ટ નામ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એજન્ટ કંપનીની કોઈ પણ માહિતી જોઈએ તો તે ખૂબ જ ઝડપથી મેળવી આપી શકે છે. આ માટે તેણે જે-તે વ્યક્તિઓ પાસેથી માહિતી માગવી પડે છે અને તેઓ અન્ય પાસેથી એકત્ર કરે છે. આ માટે સમય લાગી શકે છે. આથી હવે માર્ક ઝકરબર્ગને AI એજન્ટ દ્વારા તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. આ માટે તેને હવે રાહ નહીં જોવી પડે. આ ટૂલ હાલમાં સંપૂર્ણ રીતે નથી બન્યું, પરંતુ એના પર હજી કામ ચાલી રહ્યું છે. મેટામાં અંદાજે 78000 લોકો કામ કરી રહ્યા છે અને તેમની તમામ માહિતી હવે AI એજન્ટ દ્વારા તરત જ મળી રહેશે.
આ કંપનીના અન્ય કર્મચારીઓ પણ તેમના પોતાના માટે AI એજન્ટ બનાવી રહ્યા છે. આ એક પોતાના માટેનું પર્સનલ ટૂલ છે. એનું નામ My Claw છે. આ ટૂલ ચેટ લોગ્સ, વર્ક ફાઇલને એક્સેસ કરી શકે છે. સાથે જ અન્ય કર્મચારીઓને જે-તે કર્મચારીની જગ્યાએ મેસેજ પણ કરી શકશે. આ સાથે જ અન્ય એક AI ટૂલ પણ છે જેને Claude પર બનાવવામાં આવ્યું છે અને એનું નામ સેકન્ડ બ્રેન આપવામાં આવ્યું છે. આ ટૂલ એક AI ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કરે છે.
શું કહ્યું સુંદર પિચાઈએ?
આ વિશે ગૂગલના સુંદર પિચાઈએ 2025ના નવેમ્બરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે CEO જે કામ કરે છે એ કામ કરવું AI માટે ખૂબ જ સરળ છે. આગામી 12 મહિનામાં AI ખૂબ જ એડવાન્સ બની જશે અને એ યુઝર્સની જગ્યાએ ઓટોમેટિક કામ કરશે. આ સાથે જ લોકોની નોકરી પણ જશે અને કંપનીઓએ AIનો સ્વીકાર પણ કરવો પડશે.’
આ વિશે OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા પણ આ પ્રકારની જ કમેન્ટ કરી હતી. એક ઇન્ટરવ્યુમાં આ વિશે સેમ ઓલ્ટમેનએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ થઈશ જે દિવસે AI મારા કરતાં વધુ સારી રીતે OpenAIના CEO તરીકે કામ કરશે.’ આ સાથે જ અન્ય ટેક એક્સપર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે તેમના કરતાં પણ સારી રીતે કામ AI કરશે. આથી હવે AI લોકોની નોકરી નાના સ્તર પર જ નહીં, પરંતુ મોટા-મોટા સ્તરે પણ લઈ લેશે.
આ પણ વાંચો: ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા, જાણો કારણ…
કલ્પનાને વાસ્તવિક બનાવી
માર્ક ઝકરબર્ગની ખાસ વાત એ છે કે તેણે એક કલ્પનાને વાસ્તવિકતા બનાવી છે. ટોની સ્ટાર્ક પાસે એક આસિસ્ટન્ટ જાર્વિસ હોવું એ એક ફિલ્મની કલ્પના હતી. જોકે હવે એને વાસ્તવિકતામાં બદલવામાં આવી રહ્યું છે. આ સાથે જ મેટાએ તેની કંપનીના કર્મચારીઓના પરફોર્મન્સ રિવ્યુ માટે પણ AI ટૂલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મેટામાં હવે ખૂબ જ ઉથલપાથલ થઈ રહી છે અને આ કંપની પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. કેટલાક કર્મચારીઓને એનાથી કામ કરવાનો ઉત્સાહ વધી રહ્યો છે તો કેટલાક એને કારણે ચિંતામાં છે કે હવે આગળ શું થશે?
AI અબજો ડોલરની કંપની ચલાવી શકે કે નહીં એ તો એક સવાલ છે, પરંતુ હાલમાં માર્ક ઝકરબર્ગના આસિસ્ટન્ટ તરીકે જરૂર કામ કરી શકે છે. આ માટેનું એક્સપેરિમેન્ટ મેટામાં શરૂ કરી દેવામાં આવ્યું છે અને બહુ જલદી એ પૂરું પણ થશે.


