Science & Technology

mAadhaar હવે બંધ, નવી એપમાં ઘરે બેઠા અપડેટ કરી શકશો ફોન નંબર, જાણો 10 ફીચર્સ

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
UIDAI દ્વારા જૂની 'mAadhaar' એપ બંધ કરી, હવે નવું 'Aadhaar App' લોન્ચ કર્યું છે. આ એપમાં 10 સુપર ફીચર્સ જેવા કે ફેસ ઓથેન્ટિકેશન, પસંદગીની માહિતી શેર કરવી, QR કોડ વેરિફિકેશન, ઘરે બેઠા મોબાઇલ નંબર અને સરનામું અપડેટ કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત, એક જ એપમાં પરિવારના 5 સભ્યોનો ડેટા મેનેજ કરી શકાશે. આ એપ સુરક્ષા અને ગોપનીયતા વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

mAadhaar હવે બંધ, નવી એપમાં ઘરે બેઠા અપડેટ કરી શકશો ફોન નંબર, જાણો 10 ફીચર્સ

New Aadhaar App: ભારત સરકારની એજન્સી યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા જૂની 'mAadhaar' એપને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. તેના સ્થાને હવે તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું 'Aadhaar App' લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી એપમાં સુરક્ષાના હાઈ-ટેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી યુઝર્સ માટે ઓળખની ચકાસણી કરવી અને ડેટા સુરક્ષિત રાખવો વધુ સરળ બનશે.

આ નવી એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે એરપોર્ટ, હોટેલ કે અન્ય કોઈ પણ સરકારી કે ખાનગી સ્થળે તમારે તમારી સંપૂર્ણ પર્સનલ પ્રોફાઇલ શેર કરવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, મોબાઇલ નંબર અને એડ્રેસ બદલવા જેવા મહત્ત્વના કામો માટે હવે આધાર કેન્દ્ર પર ધક્કા ખાવામાંથી પણ મુક્તિ મળશે.

નવા Aadhaar App ના 10 સુપર ફીચર્સ:

ફેસ ઓથેન્ટિકેશન:
હવે લૉગિન, સિમ વેરિફિકેશન કે અન્ય સત્તાવાર ઓળખ માટે ફિંગરપ્રિન્ટ કે આંખોના સ્કેનરની જરૂર નહીં પડે. આ એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી આપવામાં આવી છે, જેનાથી માત્ર ચહેરો બતાવીને ત્વરિત વેરિફિકેશન થઈ જશે.

પસંદગીની માહિતી શેર કરવાની સુવિધા:
તમારી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ ફીચર ઉમેરાયું છે. હવે તમે પોતે નક્કી કરી શકશો કે સામેની વ્યક્તિ કે એજન્સી સાથે કઈ માહિતી શેર કરવી છે. જરૂરિયાત મુજબ તમે માત્ર તમારું નામ કે ફોટો જ શેર કરી શકશો.

QR કોડ દ્વારા ઑફલાઇન વેરિફિકેશન:
એરપોર્ટ કે હોટેલમાં એન્ટ્રી વખતે તમારે ફિઝિકલ કાર્ડ બતાવવાની જરૂર નથી. એપમાં આપેલા સિક્યોર QR કોડને સ્કેન કરીને સામેની વ્યક્તિ ઓળખ ચકાસી શકશે અને તમારો બાકીનો ગુપ્ત ડેટા પણ સુરક્ષિત રહેશે.

ઘરે બેઠાં મોબાઇલ નંબર અપડેટ:
જો તમારે તમારા કાર્ડ સાથે નવો મોબાઇલ નંબર લિંક કરવો હોય કે જૂનો નંબર બદલવો હોય, તો હવે આ કામ એપ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જશે.

ઓનલાઈન સરનામું અપડેટ:
રહેઠાણ બદલાયું હોય ત્યારે એડ્રેસ ચેન્જ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. નવી એપની મદદથી ગણતરીની મિનિટોમાં નવું સરનામું અપડેટ કરી શકાશે.

એક જ એપમાં આખા પરિવારનો ડેટા:
પરિવારના કોઈ એક સભ્યના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરીને તેમાં ઘરના અન્ય 5 સભ્યો સુધીના પ્રોફાઇલ સરળતાથી મેનેજ અને સ્ટોર કરી શકાશે.

બાયોમેટ્રિક લોક અને અનલોક:
તમારા બાયોમેટ્રિક ડેટાનો કોઈ દુરુપયોગ ન કરે તે માટે તેને ગમે ત્યારે લોક કરી શકાય છે અને જરૂર પડે ત્યારે વેરિફિકેશન માટે થોડા સમય માટે અનલોક પણ કરી શકાય છે.

ડિજિટલ કોન્ટેક્ટ શેરિંગ:
આ એપ દ્વારા તમે તમારું નામ અને મોબાઇલ નંબર ડિજિટલી અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકો છો, જે સીધા સામેવાળાના ફોનમાં સેવ થઈ જશે.

ડિજિટલ વૉલેટ અને e-KYC ડાઉનલોડ:
આ એપ એક સેક્યોર ડિજિટલ તિજોરી સમાન છે. આમાંથી તમે ગમે ત્યારે e-Aadhaar ડાઉનલોડ કરી શકો છો, ઓફલાઇન e-KYC ફાઇલ સેવ કરી શકો છો અને વેરિફિકેશન માટે વન-ટાઇમ પાસવર્ડ પણ જનરેટ કરી શકો છો.

ઓથેન્ટિકેશન હિસ્ટ્રી:
તમારા કાર્ડનો ક્યારે, ક્યાં અને કઈ એજન્સી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની સંપૂર્ણ હિસ્ટ્રી તમે પ્રોફાઇલ ટેબમાં જઈને ટ્રેક કરી શકશો. આ ફીચર ફ્રોડ અટકાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.