Mark Zuckerberg and Meta Glass: લોસ એન્જેલસ સુપિરિયર કોર્ટના જજ કેરોલિન કુલ દ્વારા માર્ક ઝકરબર્ગ અને તેની ટીમનો ક્લાસ લેવામાં આવ્યો હતો. આ ક્લાસ લેવાનું કારણ ખૂબ જ અનોખું હતું. માર્ક ઝકરબર્ગ અને તેમની ટીમ દ્વારા કોર્ટમાં મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસ પહેરવામાં આવ્યા હતા. આ જ કારણસર જજ દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી. માર્ક ઝકરબર્ગ જ્યારે ટેસ્ટિફાય કરી રહ્યો હતો ત્યારે જજ કેરોલિન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘જો કોઈ પણ વ્યક્તિ સ્માર્ટ ગ્લાસના રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરતું પકડાયું તો એ કોર્ટના નિયમનું ઉલ્લંઘન હશે અને તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આથી કોઈ પણ જો રેકોર્ડિંગ કર્યું હોય તો મહેરબાની કરીને એને ડિલીટ કરી નાખજો નહીં તો કોર્ટ દ્વારા પગલાં લેવામાં આવશે.’
ઝકરબર્ગ પર આરોપ
માર્ક ઝકરબર્ગની કંપની મેટાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આરોપ મૂકવામાં આવ્યા છે કે બાળકો અને ટીનએજર એનાં બાંધીણી થઈ જાય એ રીતે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કેસ 20 વર્ષની એક યુવતી દ્વારા કરવામાં આવ્યું છે જેણે કહ્યું કે તેનું બાળપણ સોશિયલ મીડિયાના કારણે એડિક્શન અને ડિપ્રેશન ભર્યું હતું. તેને સુસાઇડ કરવાના વિચાર આવતાં હતાં. આ માટે ઝકરબર્ગને ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા. મેટાની એજ-વેરિફિકેશન સિસ્ટમ અને ચાઇલ્ડ સેફ્ટી માટે પણ ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા. આ વિશે માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું હતું કે તેમને એ વાતનું દુઃખ છે કે તેમણે આ એજ-વેરિફિકેશન જે આજે અમલમાં છે એ તેઓ જલદી ડેવલપ ન કરી શક્યા.
કોર્ટમાં થઈ કન્ટ્રોવર્સી
માર્ક ઝકરબર્ગની ટીમ જ્યારે તેને કોર્ટમાં લઈને આવી રહી હતી ત્યારે તેમના ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા જેમાં તેમણે મેટા રે-બેનના ચશ્મા પહેર્યા હતા. આ સ્માર્ટ ગ્લાસ વીડિયો અને ફોટો બન્ને ક્લિક કરી શકે છે. એના દ્વારા કોર્ટમાં રેકોર્ડિંગ થયું હોય એવી શક્યતા છે. આ સ્માર્ટ ગ્લાસમાં રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે એક LED લાઇટ બ્લિંક થતી હોય છે જેનાથી ખબર પડે કે રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે આ લાઇટને મોડિફિકેશન કરીને બંધ પણ કરી શકાય છે. કેલિફોર્નિયાની કોર્ટમાં નિયમ છે કે કોઈ પણ વ્યક્તિને પરવાનગી ન હોય ત્યાં સુધી એ રેકોર્ડ કરી શકે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતાં તેને કોર્ટમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે અથવા તો તેને દંડ પણ કરવામાં આવી શકે છે.
દુનિયાભરમાં કેસ છે ચર્ચાનો વિષય
મેટા પર આ જે કેસ કરવામાં આવી રહ્યો છે એ જાહેર જનતાની સાથે મીડિયા દ્વારા પણ એના પર સવાલો કરવામાં આવી રહ્યાં છે. આ ટેસ્ટિમની આગામી થોડા અઠવાડિયા સુધી ચાલશે એવું લાગી રહ્યું છે. લીગલ એક્સપર્ટનું કહેવું છે કે આ કેસનો જે ચૂકાદો આવશે એના કારણે અમેરિકામાં આવા ઘણાં કેસ ચાલી રહ્યાં છે એનું પણ શું થશે એનો અંદાજ નીકળી શકશે. કોર્ટ બાળકોની મેન્ટલ હેલ્થને કેટલું કાળજીપૂર્વક લે એ જોવું રહ્યું.


