Science & Technology

ટ્રુકૉલર પ્રોફાઈલ સાથે હવે લિંક્ડઇન પ્રોફાઈલ જોવા મળશે

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ટ્રુકોલરે તેની સર્વિસનો વ્યાપ વધાર્યો છે. હવે યુઝર્સ પોતાના લિંક્ડઇન પ્રોફાઇલને ટ્રુકોલર એપ સાથે કનેક્ટ કરી શકશે. આથી, કોલ કરનારનું નામ, ટાઇટલ, પ્રોફાઇલ પિક્ચર અને લિંક્ડઇન પ્રોફાઇલની લિંક પણ ડિસ્પ્લે થશે. આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે, અને ટૂંક સમયમાં આઇફોન યુઝર્સ માટે પણ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રુકૉલર પ્રોફાઈલ સાથે હવે લિંક્ડઇન પ્રોફાઈલ જોવા મળશે

આખી દુનિયાની ટેલિફોન ડિરેકટરી જેવી ટ્રુકૉલર સર્વિસે હવે પોતાની સર્વિસનો વ્યાપ વિસ્તાર્યો છે. તમે જાણતા જ હશો કે આપણે પોતાના ફોનમાં મૂળ સ્વીડનમાં ડેવલપ થયેલી આ એપ ઇન્સ્ટોલ કરીએ એ પછી કોઈ વ્યક્તિ આપણને ફોન કરે અને તેનો ફોન આપણા ફોનમાં સેવ્ડ ન હોય તો પણ આપણે તેનું નામ જાણી શકીએ છીએ. આ સગવડ મેળવવા માટે આપણે પોતાની એડ્રેસબુક ટ્રુકૉલર સર્વિસ માટે ખોલી આપવી પડે છે. દુનિયાભરના અનેક લોકો આવું કરે છે એ કારણે ટ્રુકૉલર સર્વિસ વધુને વધુ સમૃ્દ્ધ બનતી જાય છે.
જોકે હવે ભારતમાં ટ્રાઇએ પોતે ‘કોલર નેમ પ્રેઝન્ટેશન (સીનેપ)’ નામે કોલરની ઓળખ આપવાની શરૂઆત કરી છે. આ કારણે, સિમ કાર્ડ જેના નામે હોય એ વ્યક્તિના આધાર જેવા ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલ નામને આધારે, કોલ કરનાર વ્યક્તિનું નામ આપણી એડ્રેસબુકમાં ન હોય તો પણ આપણે જાણી શકીએ છીએ. આ કારણે હવે ટ્રુકૉલર જેવી થર્ડ પાર્ટી એપની હવે આપણે ખાસ જરૂર રહી નથી. જોકે ટ્રુકૉલર એપ પણ સ્પામ કોલિંગ સામે ચેતવણી આપવા જેવાં ફીચર્સથી પોતાનું મહત્ત્વ જાળવી રાખવાની કોશિશ કરે છે.
હવે ટ્રુકૉલરે તેનાં ફીચર્સમાં પ્રોફેશનલ વર્તુળમાં ખાસ જાણીતી કંપની ‘લિંક્ડઇન’ને પણ સામેલ કરી છે. ટ્રુકૉલર અને લિંક્ડઇનના જોડાણને કારણે ટ્રુકૉલરના યૂઝર્સ પોતાના લિંક્ડઇન પ્રોફાઇલને ટ્રુકૉલર એપ સાથે કનેક્ટ કરી શકે છે. એ કારણે તેઓ અન્ય વ્યક્તિને કોલ કરે ત્યારે તેમના નામ સાથે લિંક્ડઇન મુજબ તેમનું ટાઇટલ, પ્રોફાઇલ પિકચર તથા આખો પ્રોફાઇલ જોવાની લિંક પણ ડિસ્પ્લે થઈ શકે છે.
જે કોઈ વ્યક્તિ લિંક્ડઇનમાં પોતાનો પ્રોફાઇલ ધરાવતી હોય એ પ્રોફેશનલ હોવાની ઘણી વધુ શક્યતા રહે છે. એ કારણે આપણને કોઈ વ્યક્તિ કોલ કરે અને તેનો લિંક્ડઇન પ્રોફાઇલ જોવાની સગવડ પણ મળે તો આપણે દેખીતી રીતે તેના પર વધુ ભરોસો મૂકી શકીએ. કોઈ વ્યક્તિનો ફક્ત ફોન નંબર અને નામ જોવા મળે તેને બદલે લિંક્ડઇનની વિગતો પણ જોવા મળે તો આખી વાતમાં ભરોસાનું એક નવું લેયર ઉમેરાય છે.
હાલમાં આ સુવિધા સમગ્ર વિશ્વમાં ટ્રુકૉલરની એન્ડ્રોઇડ એપમાં મળવા લાગી છે. આઇફોન માટેનું વર્ઝન ટૂંક સમયમાં રોલઆઉટ થશે.