Get The App

SPADEX-2 અને SPADEX-3 મિશન માટેની તૈયારીઓની ઝડપ વધારી ISROએ: જાણો શું છે ઉદ્દેશ…

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
SPADEX-2 અને SPADEX-3 મિશન માટેની તૈયારીઓની ઝડપ વધારી ISROએ: જાણો શું છે ઉદ્દેશ… 1 - image

Spadex Mission: ISRO હાલમાં બે એડવાન્સ ઓર્બિટલ ડોકિંગ એક્સપેરિમેન્ટ SPADEX-2 અને SPADEX-3 માટેની તૈયારીઓને વધુ ઝડપી બનાવી રહ્યું છે. આ મિશનો ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના અને સંચાલન માટેની લાંબા ગાળાની યોજનાનો ભાગ છે. આગામી મિશનો અગાઉના ડોકિંગ મિશન પર આધારિત હશે અને એ ભવિષ્યના માનવ આધારિત અંતરિક્ષ મિશનો અને ચંદ્ર મિશનો માટે જરૂરી ક્ષમતાઓની કસોટી કરશે.

SPADEX મિશનનું મહત્ત્વ શું છે?

SPADEX મિશન રેન્ડેવૂ અને ડોકિંગ ટેક્નોલોજીમાં માહેર થવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ મિશન અંતરિક્ષયાનોને અવકાશમાં મળવા, એક થઈને પ્રયોગ કરવા અને કનેક્શન માટે સક્ષમ બનાવે છે. આ મિશન ક્રૂ ટ્રાન્સફર, રિફ્યુલિંગ અને પાવર એક્સચેન્જ કરવા જેવી વિવિધ કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે. આ ટેક્નોલોજી જો સફળ થશે તો ગગનયાન ક્રૂ મોડ્યુલના સ્પેસ સ્ટેશન સાથેના ડોકિંગ અને વધુને વધુ માનવ અંતરિક્ષ મિશનો જેવા ભવિષ્યના મિશનો માટે વધુ મદદ મળશે.

આગામી મિશનોની વિગતો

SPADEX-2 ખૂબ જ કોમ્પ્લેક્સ કક્ષામાં બે અંતરિક્ષયાનો વચ્ચે ડોકિંગ અને અનડોકિંગની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચંદ્રયાન-4 જેવા ભવિષ્યના મિશનો માટે આ ખૂબ જ જરૂરી મિશન છે. આ મિશન બે મોડ્યુલો વચ્ચે સેમ્પલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ પણ કરશે, જે ચંદ્ર પરથી સામગ્રી પૃથ્વી પર લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, SPADEX-3 પૃથ્વીની લોઅર ઓર્બિટમાં જે રીતે ડોકિંગ થાય છે એ રીતે જ વર્તુળાકાર કક્ષામાં ડોકિંગ કરવાની કોશિશ કરશે.

SPADEX-3 નું મહત્ત્વ?

SPADEX-3 ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે ડોકિંગ ઓપરેશન્સની પૂર્વ તૈયારીરૂપ છે. તેમાં સ્વદેશી ભારતીય ડોકિંગ સિસ્ટમ (BDS) મારફતે બે મોડ્યુલો વચ્ચે ડોકિંગ કરવામાં આવશે, જે માનવસહિત મિશનો અને લાંબા ગાળાના અવકાશમાં રહેવા માટે મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી છે. ISRO એ તેના અગાઉના SPADEX મિશન દ્વારા મૂળભૂત ડોકિંગ ક્ષમતાઓનું પ્રદર્શન કરી ચૂક્યું છે, અને આ નવા પ્રયોગો વધુ પડકારજનક પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: સાઈલેન્ટ કોલથી કેવી રીતે થઈ શકે છે AI સ્કેમ? જાણો માહિતી…

શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સાથે કોલોબ્રેશન

સરકારે આ મિશનોમાં યોગદાન આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ માટે નવી તકો પણ ખુલ્લી મૂકી છે. પેલોડ ડેવલપમેન્ટ, અલ્ગોરિધમ ડિઝાઇન અને એક્સપેરિમેન્ટલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સરકાર તરફથી લોકોને સહકાર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આદિત્ય-L1 જેવા મિશનોમાં ભારતીય સંસ્થાઓએ અગાઉ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને દેશના અંતરિક્ષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા કોલોબ્રેશનને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.