Get The App

Explainer: હિમાલય નીચેની વિશાળ પ્લેટ ફાટી રહી છે, જાણો ભારત પર કેમ છે મોટા ભૂકંપનું જોખમ

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: હિમાલય નીચેની વિશાળ પ્લેટ ફાટી રહી છે, જાણો ભારત પર કેમ છે મોટા ભૂકંપનું જોખમ 1 - image

Indian plate of Himalaya cracking at its core: વિશ્વની સૌથી ઊંચી હિમાલય પર્વતમાળાના બરફ આચ્છાદિત શિખરોની નીચે હજારો કિલોમીટર ઊંડે કંઈક એવું બની રહ્યું છે જેણે દુનિયાભરના વિજ્ઞાનીઓને ચોંકાવી દીધા છે. તાજા સંશોધનમાં સામે આવ્યું છે કે હિમાલય અને તિબેટની નીચે રહેલી વિશાળ 'ભારતીય ટેક્ટોનિક પ્લેટ' (Indian Tectonic Plate) એક મજબૂત ખડકની જેમ સરકવાને બદલે વચ્ચેથી ફાટી રહી છે. ચાલો જાણીએ કે આમ બનવા પાછળના કારણો શું છે અને આનાથી શું ભારતમાં અને દક્ષિણ એશિયામાં ભયંકર ભૂકંપો આવવાનું જોખમ વધી ગયું છે? 

ભારતીય પ્લેટ એક સળંગ ટુકડો નથી, વચ્ચેથી તૂટેલી છે

આશરે 6 કરોડ વર્ષ પહેલાં ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચે થયેલી ભીષણ અથડામણને કારણે હિમાલય પર્વતમાળા અસ્તિત્વમાં આવી હતી. અત્યાર સુધી વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે ભારતીય પ્લેટ એક અખંડ અને મજબૂત સ્લેબની જેમ તિબેટની નીચે સરકી રહી છે અને હિમાલયને ઉપર તરફ ધકેલી રહી છે. પરંતુ નવા ભૂકંપીય (Seismic) ડેટા અનુસાર, આ પ્રક્રિયા ધાર્યા કરતાં વધુ નાટકીય છે. દક્ષિણ તિબેટની નીચે આ પ્લેટ ખંડિત થઈ ગઈ છે. તેના કેટલાક હિસ્સા તેના ઉપરના પોપડા(Crust)થી અલગ થઈને પૃથ્વીના મેન્ટલ(મધ્ય સ્તર)માં ડૂબી રહ્યા છે. જાણે સેન્ડવિચના બે પડ વચ્ચેથી ઉખડી રહ્યા હોય! આને વિજ્ઞાનની ભાષામાં 'ડિલેમિનેશન' કહેવાય છે. ટેક્ટોનિક પ્લેટ્સ આ રીતે વર્તી શકે છે તેની વિજ્ઞાન જગતમાં અગાઉ કોઈ કલ્પના નહોતી.

પ્લેટ શા માટે ફાટી રહી છે?

ભારતીય પ્લેટનો પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ અલગ-અલગ ગતિએ યુરેશિયન પ્લેટ નીચે સરકી રહ્યો છે. આ ખેંચાણને કારણે પ્લેટ મધ્યમાંથી ફાટી રહી છે. ભારતીય પ્લેટ આડી (Horizontally) ફાટી રહી છે (જેમ કે કાગળ વચ્ચેથી ફાટે), નહીં કે ઊભી. વિજ્ઞાનની ભાષામાં આને 'Slab Tearing' (સ્લેબ ટિયરિંગ) કહેવાય છે.

'સ્લેબ ટિયરિંગ' (Slab Tearing) શું છે? 

ધારો કે તમે એક મોટો કાગળ ટેબલ પર રાખ્યો છે. હવે તમે તે કાગળના ડાબા (પશ્ચિમ) ભાગને ધીમેથી આગળ ધકેલો છો, પણ તેના જમણા (પૂર્વ) ભાગને કોઈ બહુ ઝડપથી આગળ ખેંચે છે. પરિણામ શું આવશે? કાગળની વચ્ચેથી એક ઊભી તિરાડ પડશે જે આગળ વધશે. ભૂસ્તરશાસ્ત્રમાં આને 'Slab Tearing' કહે છે.

ભારતીય પ્લેટના પશ્ચિમ ભાગ(પાકિસ્તાન/કાશ્મીર તરફનો)ની તિબેટ નીચે સરકવાની ગતિ અલગ છે. જ્યારે તેનો પૂર્વ ભાગ (ભૂતાન/અરુણાચલ/આસામ તરફનો) તિબેટ નીચે અલગ ગતિએ અને વધુ ઊંડાઈએ ખેંચાઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ગતિના તફાવત અને ખેંચાણના કારણે આખી ભારતીય પ્લેટ વચ્ચેથી ચિરાઈ રહી છે. પૂર્વ તરફની પ્લેટનો મોટો ભાગ સપાટીથી અલગ થઈને નીચે મેન્ટલ(મધ્ય સ્તર)માં ડૂબી રહ્યો છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાંનો અત્યંત ગરમ લાવા ઉપર આવી રહ્યો છે. 

પ્લેટ જમીનની સપાટીને સમાંતર (આડી) ફેલાયેલી છે અને તેમાં તિરાડ પડી રહી હોવાથી વિજ્ઞાનીઓ એને 'આડી' (Horizontal) ફાટ કહે છે.

વિજ્ઞાનીઓએ આ છુપી તિરાડ કેવી રીતે શોધી

પૃથ્વીના પેટાળના રહસ્યો જાણવા માટે સંશોધકોએ અત્યાધુનિક ટૅક્નોલૉજીનો આશરો લીધો હતો.

1. સિસ્મિક ઇમેજિંગ: વિજ્ઞાનીઓએ દક્ષિણ તિબેટના 94 સ્ટેશનો સહિત કુલ 462 સ્ટેશનો પરથી 4,000થી વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળા ભૂકંપીય રૅકોર્ડિંગ્સનો અભ્યાસ કર્યો. ભૂકંપીય તરંગોની(Seismic Waves) ગતિના આધારે સ્પષ્ટ થયું કે નીચે બે અલગ-અલગ સ્તરો બની ગયા છે.

2. કુદરતી ઝરણાઓનો ટેસ્ટ: દક્ષિણ તિબેટના આશરે 200 કુદરતી ઝરણાના પાણીમાંથી નીકળતા હિલીયમ ગેસનું વિશ્લેષણ કરાયું. આ ઝરણાંમાં 'હિલિયમ-3' વાયુ જોવા મળ્યો, જે સામાન્ય રીતે પૃથ્વીના મેન્ટલ(મધ્ય સ્તર)માં જ હોય છે. આ ગેસ સપાટી પર આવવો એ વાતનો પુરાવો છે કે ભારતીય પ્લેટમાં મોટી તિરાડો પડી છે, જેમાંથી ગેસ લીક થઈ રહ્યો છે.

શું ભારતીય ઉપખંડમાં ભૂકંપનું જોખમ વધશે?

વિજ્ઞાનીઓ આ શોધને ભૂકંપના જોખમ સાથે જોડતા નથી, પરંતુ તેઓ એટલું ચોક્કસ માને છે કે આનાથી ભૂકંપના નકશા બદલાઈ જશે. એટલે કે વિજ્ઞાનીઓએ પૃથ્વીના પેટાળની આ નવી તિરાડોને ધ્યાનમાં રાખીને 'અર્થક્વેક ઝોનિંગ મેપ' (Earthquake Zoning Map) ફરીથી તૈયાર કરવો પડશે. જેમાં અત્યાર સુધી ભૂકંપથી સલામત લાગતા વિસ્તારો પણ ભૂકંપની શક્યતા ધરાવતા થઈ જાય, એવું બની શકે.

અત્યાર સુધી એવું મનાતું હતું કે ભૂકંપનું મુખ્ય કારણ જમીનની સપાટીની નજીક આવેલી ફોલ્ટ લાઇન્સ છે, પરંતુ નવા સંશોધનો દર્શાવે છે કે અસલી તણાવ હજારો કિલોમીટર ઊંડે પ્લેટ તૂટવાને લીધે થઈ રહ્યો છે. દબાણ આટલી ઊંડાઈએ સર્જાય, ત્યારે ભૂકંપોની પેટર્ન અને  શક્તિના ગણિત બદલાઈ જાય છે.

વૈશ્વિક વિજ્ઞાન માટે આ શોધ કેમ મહત્ત્વની છે?

લેહાઈ યુનિવર્સિટીના ભૂકંપશાસ્ત્રી એન મેલ્ટઝરના જણાવ્યા મુજબ, આ શોધ માત્ર હિમાલય પૂરતી મર્યાદિત નથી. દુનિયાના લગભગ દરેક ખંડ પર પ્રાચીન ટેક્ટોનિક અથડામણના નિશાન છે. ખંડીય પ્લેટો અથડામણ દરમિયાન આખી ને આખી અકબંધ રહે છે તે જૂની માન્યતા હવે તૂટી ગઈ છે. પૃથ્વીના ઇતિહાસમાં ખંડો કેવી રીતે બન્યા અને બદલાયા તે સમજવા માટે આ એક દુર્લભ તક છે. ભારતીય પ્લેટ વિશેનું આ તાજું સંશોધન એ વાત તરફ ઈશારો કરે છે કે કુદરતના રહસ્યો આપણી કલ્પના કરતાં ક્યાંય વધારે ઊંડા અને રસપ્રદ છે.