Indian AI Data Center in Space: ભારત હવે અંતરિક્ષ અને AI બન્ને ક્ષેત્રમાં એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. ભારતીય સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસ અને AI ક્લાઉડ કંપની નીવક્લાઉડ મળીને અંતરિક્ષમાં હવે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર બનાવવા જઈ રહ્યું છે. અમેરિકાની ઘણી કંપનીઓ સ્પેસમાં AI ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. એમાં ગૂગલ અને ઇલોન મસ્કની Xનો પણ સમાવેશ થાય છે. હવે ભારત પણ આ તરફ પ્રયાણ કરી રહ્યું છે.
આ ડેટા સેન્ટરને પૃથ્વીની નીયર ઓરબિટમાં રાખવામાં આવશે. એનું પહેલું ટેસ્ટ 2026માં એટલે કે આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવી શકે છે. જો આ ટેસ્ટ સફળ રહ્યું તો આ ટેક્નોલોજીને મોટાપાયા પર ઉપયોગ કરવામાં આવી શકે છે. આ માટે કંપનીએ દરેક તૈયારી કરી લીધી છે અને એનું પ્રોટોટાઇપ પણ તૈયાર છે. આ પ્રોટોટાઇપ બહુ જલદી સ્પેસમાં મોકલવામાં આવશે. AI Impact Summit 2026માં આ બન્ને કંપનીઓએ એક મોડલ રજૂ કર્યું હતું. આ મોડલ દ્વારા દેખાડવામાં આવ્યું હતું કે એ સ્પેસમાં કેવી રીતે કામ કરશે.
સ્પેસમાં ડેટા સેન્ટરના ફાયદા
અત્યાર સુધીના જેટલા પણ મોટા-મોટા ડેટા સેન્ટર છે એ તમામ જમીન પર છે. આ ડેટા સેન્ટરમાં મોટા-મોટા કમ્પ્યુટર અને સર્વરનો સમાવેશ કરવામાં આવે છે. એનાથી AI અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા તમામ કામ થાય છે. જોકે આ ડેટા સેન્ટરને ચલાવવા માટે ખૂબ જ ખર્ચ થાય છે. આ ડેટા સેન્ટરને ચલાવવા માટે ખૂબ જ વિજળીની જરૂર પડે છે. તેમ જ એને ઠંડા રાખવા માટે પણ ઘણી સિસ્ટમની જરૂર પડે છે અને એટલું જ પાણી પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ડેટા સેન્ટર બનાવવા માટે જમીન પણ ખૂબ જ જરૂરી છે. આથી હવે AI ડેટા સેન્ટરને સ્પેસમાં મોકલવામાં આવી રહ્યાં છે જેથી ખર્ચ ઓછો થાય.
અંતરિક્ષમાં AI ડેટા સેન્ટરનો અર્થ એ થયો કે AIને લગતાં તમામ કામ સ્પેસમાં થશે. તમામ ડેટા ત્યાં જ પ્રોસેસ થશે. એનાથી ડેટાને ઉપર મોકલી અને ફરી નીચે લાવવા માટેના સમયમાં ઘટાડો થશે. ઘણી કંપનીઓનું કહેવું છે કે એના કારણે AIને લગતી ઘણી સર્વિસ ઝડપી બની શકે છે. આ સાથે જ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે.
અગ્નિકુલ અને નીવક્લાઉડ સાથે મળીને કરશે કામ
અગ્નિકુલ કોસ્મોસ ચેન્નાઈની કંપની છે. એ રૉકેટ અને સ્પેસ ટેક્નોલોજી માટે કામ કરે છે. આ કંપનીનું લક્ષ્ય છે કે સ્પેસમાં જવા માટેનો ખર્ચ છે એમાં ઘટાડો કરવામાં આવે જેથી કરીને નાના-નાના મિશનને સરળતાથી સ્પેસમાં મોકલી શકાય. આવનારા સમયમાં આ કંપનીના રૉકેટ દ્વારા ઘણાં એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવશે.
નીવક્લાઉડ એક ભારતીય AI અને ક્લાઉડ કંપની છે. આ કંપની AI આધારિત કામ કરે છે. ડેટા પ્રોસેસ કરવું અને AI મોડલ ચલાવવું જેવા વગેરે કામ આ કંપની કરે છે. કંપની એ દાવો કરી રહી છે કે તેમની ટેક્નોલોજીને કારણે AI ઝડપથી કામ કરશે. અગ્નિકુલ અને નીવક્લાઉડ બન્ને કંપની એ જોવા માગે છે કે શું AIનું કામ અંતરિક્ષમાંથી શક્ય છે કે નહીં.
બન્ને કંપનીનું કહેવું છે કે અંતરિક્ષમાં સૂર્યની રોશની સીધી મળે છે. એનાથી વિજળી બનાવવા માટે મદદ મળે છે. આ સાથે જ ત્યાં ઠંડક રહે છે અને એથી જ ત્યાં મશીનને ઠંડા રાખવા માટે અલગ સિસ્ટમની જરૂર નહીં પડે. આ સાથે જ જમીન પર ડેટા સેન્ટર બનાવવું અને એને મેઇન્ટેઇન કરવા કરતાં સ્પેસમાં ઓછો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ હેઠળ એક નાની સિસ્ટમ પહેલાં અંતરિક્ષમાં મોકલવામાં આવશે. એનાથી એક ટેસ્ટ કરવામાં આવશે. એમાં કમ્પ્યુટર અને સર્વરનો સમાવેશ કરવામાં આવશે. આ સિસ્ટમ ઓરબિટમાં ફરતાં ફરતાં કામ કરશે. આ ટેસ્ટ દ્વારા કંપનીને ખબર પડશે કે ત્યાં ડેટા સેન્ટર બનાવવું કેટલું સરળ છે અને શું-શું તકલીફ આવી શકે છે.
આ પણ વાંચો: સ્પેસમાં સેટેલાઇટની ટક્કર અટકાવવા માટે બનાવવામાં આવી નવી ટેક્નોલોજી, જાણો વિગત…
વર્ષના અંતમાં મોકલવામાં આવશે પ્રોટોટાઇપ
આ કંપની દ્વારા પહેલો પ્રોટોટાઇપ 2026ના અંત સુધીમાં કરવામાં આવશે. જો આ ટેસ્ટ સફળ રહ્યો તો એને મોટાપાયા પર મિશન બનાવી મોકલવામાં આવશે. શરૂઆતમાં આ AI ડેટા સેન્ટરનો ઉપયોગ કરવાનું ચોક્કસ કામ માટે સીમિત રહેશે, પરંતુ ત્યાર બાદ એને વધુને વધુ કામ માટે ઉપયોગ કરવામાં આવશે. એક્સપર્ટનું કહેવું છે કે આ ખૂબ જ મોટો એક્સપેરિમેન્ટ છે. જો એ સફળ રહ્યું તો ભવિષ્યમાં AIનું કામ કરવાની રીત બદલાઈ જશે.
ભારત છેલ્લા થોડા સમયથી સ્પેસ અને AI બન્નેમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ પણ એ જ દિશામાં એક નવું પગલું છે. એના દ્વારા ભારતને દુનિયાભરમાં એક નવી ઓળખ મળી શકે છે. એના દ્વારા એ પણ જોવા મળશે કે ભારત કેવી-કેવી ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે. દુનિયાની મોટી-મોટી કંપનીઓ પણ હવે સ્પેસ દ્વારા ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવાની કોશિશ કરી રહી છે. જોકે હજી સુધી સ્પેસમાં AI ડેટા સેન્ટર બનાવવાનું કામ મોટા પાયા પર કોઈએ નથી કર્યું. આથી ભારતનું આ પગલું ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે.
સ્પેસમાં ડેટા સેન્ટર કેવી રીતે બનશે?
ડેટા સેન્ટરને એક નાના બોક્સ એટલે કે મોડ્યુલની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં કમ્પ્યુટર, સર્વર અને જરૂરી મશીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોડ્યુલને રૉકેટ દ્વારા પૃથ્વીની લોઅર ઓરબિટમાં મોકલવામાં આવી રહ્યું છે. રૉકેટ એને સ્પેસમાં છોડી દેશે અને એ ત્યાં ઓરબિટમાં ફરતું રહેશે. આ મોડ્યુલને એવું બનાવવામાં આવ્યું છે કે એ લાંબા સમય સુધી સ્પેસમાં રહી શકે અને ખૂબ જ સુરક્ષિત રહીને કામ કરી શકે.
આ પણ વાંચો: એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ફરતે મોકલવાના મિશનને નાસાએ એપ્રિલ સુધી લંબાવ્યું, જાણો કેમ…
કેવી રીતે કામ કરશે?
આ મોડ્યુલમાં જે કમ્પ્યુટર છે એ AIને લગતાં કામ કરશે. પૃથ્વી પરથી AI ડેટા સેન્ટર પર ડેટા મોકલવામાં આવશે. ત્યાં ડેટા પ્રોસેસ થયા બાદ ફરી જમીન પર એનો જવાબ આવશે. આ સિસ્ટમ હંમેશાં ઓરબિટમાં હોવાથી સવાલ-જવાબ માટે વારંવાર જમીન પરથી મોકલવાની અને લાવવાની જરૂર નહીં પડે. આથી AI દ્વારા મોકલવામાં આવતી સર્વિસ હવે ઝડપી બનશે. અત્યારના ડેટા સેન્ટરમાં જમીન પરથી સવાલ ઉપર જાય છે ત્યાર બાદ એ સવાલ ફરી જમીન પર આવે છે. આ જવાબ ફરી ઉપર જાય છે અને એ જવાબ ફરી સ્પેસમાંથી જમીન પર આવે છે. આથી આટલી વાર મોકલવા અને લેવાની જરૂર ન પડતાં એ વધુ ઝડપી બનશે.
આ AI ડેટા સેન્ટર કેમ સરળ છે?
આ AI ડેટા સેન્ટરને પ્રોસેસ કરવા માટે વિજળીની જરૂર પડે છે એ સીધી સૂર્યથી મળશે. તેમ જ ત્યાનું વાતાવરણ ઠંડું હોવાથી સર્વરને ઠંડા રાખવા માટે વધુ ખર્ચની જરૂર નહીં પડે. અત્યારે AC તેમજ ઠંડું પાણી વગેરે જેવી સિસ્ટમ દ્વારા સર્વર ઠંડા કરવામાં આવે છે. આથી આ તમામ ઝહેમત ઉઠાવવાની જરૂર નહીં પડે અને એટલે જ સ્પેસમાં AI ડેટા સેન્ટર ખૂબ જ સરળ છે. આથી જ આ ટેક્નોલોજી ઓછી ખર્ચાળ પણ છે.


