Science & Technology

રસ્તા પર ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી, ગૂગલ અને એપલને અપાયો આદેશ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ઇ-રિક્ષા ચાલકો અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. ઇ-રિક્ષાને દૂરથી બંધ કરી દેવાની ક્ષમતા ધરાવતી ચાઇનીઝ એપ્લિકેશન 'BAT BMS' પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય IT મંત્રાલયે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરને તાત્કાલિક અસરથી આ એપ્લિકેશન હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને પગલે સરકારે આ પગલું ભર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા પર ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી, ગૂગલ અને એપલને અપાયો આદેશ

Government Bans BAT BMS app India : દેશમાં ઇ-રિક્ષા ચાલકો અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સડક પર દોડતી ઇ-રિક્ષાને દૂરથી જ સ્વિચ ઓફ (બંધ) કરી દેવાની ક્ષમતા ધરાવતી વિવાદાસ્પદ ચાઇનીઝ એપ્લિકેશન 'BAT BMS' ને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય આઇટી મંત્રાલયે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંનેને પોતપોતાના પ્લેટફોર્મ પરથી આ એપ્લિકેશનને તાત્કાલિક અસરથી હટાવી દેવા માટે સત્તાવાર નિર્દેશ જાહેર કર્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં સરકાર એક્શનમાં
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થયા હતા. જેમાં કેટલાક લોકો રસ્તા પર જતી ઇ-રિક્ષાને પોતાના મોબાઇલ ફોનમાં રહેલી 'BAT BMS' એપ દ્વારા બ્લૂટૂથથી કનેક્ટ કરીને દૂરથી જ બંધ કરી દેતા હતા. આ પ્રકારની રોડ સાઇડ હેકિંગની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓ અને સરકાર માટે ચિંતા પેદા કરી હતી. કોઈ ચાલતી રિક્ષા અચાનક બંધ થઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી, સરકારે સુરક્ષાના જોખમો અને આ એપના દુરુપયોગની ગંભીરતાને જોઈને આ કડક પગલું ભર્યું છે.

ચીની ટેકનોલોજીની ખામીનો ઉઠાવવામાં આવતો હતો ફાયદો
વાસ્તવમાં, ઇ-રિક્ષામાં વપરાતી લિથિયમ-આયન બેટરીની દેખરેખ, વોલ્ટેજ, તાપમાન અને ચાર્જિંગ લેવલ ચેક કરવા માટે તેમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) લગાવવામાં આવે છે. આ સિસ્ટમ બ્લૂટૂથ દ્વારા ડ્રાઇવરના મોબાઇલ સાથે કનેક્ટ થાય છે. જોકે, ભારતમાં ચાલતી મોટાભાગની ઓછી કિંમતની ઇ-રિક્ષામાં ચાઇનીઝ BMS વાપરવામાં આવે છે. જેમાં બ્લૂટૂથ કનેક્શન માટે કોઈ મજબૂત પાસવર્ડ કે સુરક્ષા વ્યવસ્થા હોતી નથી.

એપ સ્ટોર્સ પરથી હટી
આ જ સુરક્ષા ખામીનો ફાયદો ઉઠાવીને તોફાની તત્વો પોતાના ફોનમાં 'BAT BMS' એપ ડાઉનલોડ કરી લેતા હતા. જ્યારે પણ તેઓ કોઈ ઇ-રિક્ષાની 10 થી 15 મીટરની નજીક પહોંચતા, ત્યારે આ એપ ડ્રાઇવરની પરવાનગી વગર જ રિક્ષાના બેટરી સિસ્ટમ સાથે કનેક્ટ થઈ જતી હતી. ત્યારબાદ એપમાં રહેલા ડિસ્ચાર્જ સ્વિચને બંધ કરીને મોટર સુધી જતો પાવર સપ્લાય કાપી નાખવામાં આવતો હતો. જેથી ચાલુ રિક્ષા ત્યાં જ થંભી જતી હતી. હવે આ એપ સ્ટોર્સ પરથી હટી જતાં ઇ-રિક્ષા ચાલકોએ મોટી રાહત અનુભવી છે.