Science & Technology

આખરે વોટ્સએપમાં પણ આવી ગયાં યૂઝરનેમ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર! હવે તમે તમારું યુઝરનેમ રિઝર્વ કરી શકો છો. અત્યાર સુધી મોબાઇલ નંબરથી ચાલતા વોટ્સએપમાં યુઝરનેમની સુવિધા ન હતી. હવે સેટિંગ્સમાં જઈ @yourusername ફોર્મેટમાં યુઝરનેમ પસંદ કરી શકાશે. 3 અબજથી વધુ યુઝર્સ હોવાથી તમારું મનપસંદ યુઝરનેમ જલ્દી રિઝર્વ કરો. આ સુવિધા આગામી મહિનાઓમાં સંપૂર્ણપણે લાઇવ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આખરે વોટ્સએપમાં પણ આવી ગયાં યૂઝરનેમ

ગયા અઠવાડિયે તમે તમારા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી હશે ત્યારે તેમાં સૌથી ઉપર ‘‘હવે તમે તમારું વોટ્સએપ યૂઝરનેમ રિઝર્વ કરી શકો છો’’ એવી એક સૂચના જોઈ હશે. કદાચ તમે એ સૂચનાનું પાલન કરીને તમારે માટે વોટ્સએપ યૂઝરનેમ પસંદ પણ કરી લીધું હશે અથવા આ વાત ચોક્કસપણે શું હશે એની ગૂંચવણ હોવાથી તમે આગળ કોઈ એકશન લીધું નહીં હોય.

વોટ્સએપમાં યૂઝરનેમની આ નવી વ્યવસ્થા શું છે એ અહીં સમજી લઈએ.

ઇન્ટરનેટ પર વોટ્સએપ સિવાય લગભગ બધી જ જગ્યાએ આપણે પોતાના એકાઉન્ટ માટે ‘યૂઝરનેમ’ પસંદ કરી શકીએ છીએ. ફક્ત વોટ્સએપમાં બધું કામકાજ આપણા મોબાઇલ નંબર પર આધારિત હતું. મતલબ કે વોટ્સએપમાં યૂઝરનેમ નહોતાં. આપણે ધરાર મોબાઇલ નંબરનો જ ઉપયોગ કરવો પડે. પરંતુ આપણો મોબાઇલ નંબર આપણા જીવનની ઘણી મહત્ત્વની બાબતો સાથે સંકળાયેલો હોઈ શકે. આથી વોટ્સએપમાં પણ મોબાઇલ નંબર આધારિત વ્યવસ્થાને બદલે ‘યૂઝરનેમ’ મળે તે જરૂરી હતું.

હવે એ શક્ય બનવા લાગ્યું છે. આપણે ‘રિઝર્વ યોર યૂઝરનેમ’ સૂચના મુજબ આગ વધીએ એટલે, અથવા વોટ્સએપના સેટિંગ્સમાં, એકાઉન્ટ અને તેમાં ‘યૂઝરનેમ’ના સેકશનમાં જઇને પોતાના વોટ્સએપ એકાઉન્ટ માટે યૂઝરનેમ પસંદ કરી શકીએ છીએ. આ યૂઝરનેમ @  પછી લખવામાં આવે છે. જેમ કે @yourusername. 

અચ્છા, તમે કન્ટેન્ટ ક્રિએટર હો કે તમારા બિઝનેસ માટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ઓપન કરીને એ બધામાં તમે એક્ટિવ હો તો સ્વાભાવિકપણે તમે શક્ય હોય ત્યાં સુધી બધામાં એકસરખી આઇડેન્ટિટી રાખવા ઇચ્છો. એ કારણે વોટ્સએપમાં પણ, તમે ઇચ્છો તો તમારા ફેસબુકના એકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટના યૂઝરનેમને જ વોટ્સએપના યૂઝરનેમ તરીકે પસંદ કરી શકો છો. એ તમારે માટે રિઝર્વ્ડ રહેશે.

દુનિયામાં ત્રણ અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે આથી તમને જોઈતું યૂઝરનેમ અન્ય વ્યક્તિ લઇ લે તે પહેલાં તમે રિઝર્વ કરી લો તો સારું.

આ સુવિધા લાઇવ થયા પછી, કોઈ વ્યક્તિ તમારો વોટ્સએપ કોન્ટેક્ટ નંબર પૂછે ત્યારે તમારો ફોન નંબર આપવાને બદલે આ નવું યૂઝરનેમ @yourusername આપો તો પણ ચાલશે. એ વ્યક્તિ સહેલાઈથી મેસેજ મોકલી શકશે.  એ ધ્યાનમાં રાખશો કે અત્યારે આપણે ફક્ત પોતાને જોઇતું યૂઝરનેમ રિઝર્વ રાખી શકીએ છીએ. આગામી મહિનાઓમાં આ સુવિધા લાઇવ થશે. વોટ્સએપ પરના બધા એકાઉન્ટના યૂઝરનેમની કોઈ ડિરેકટરી જાળવવામાં આવશે નહીં આથી જે લોકોને આપણું એકઝેટ યૂઝરનેમ કે ફોન નંબર ખબર હોય તે જ લોકો વોટ્સએપ પર આપણો સંપર્ક કરી શકશે.