EPFO Going Digital: EPFOને લઈને ઘણી વાર મોટાભાગના કર્મચારીઓ ફરિયાદ કરતાં જોવા મળ્યા છે. આ ફરિયાદમાં સૌથી વધુ ફરિયાદ પેપરવર્ક અને કંપનીઓ પર વધુ નિર્ભર રહેવું પડે છે એની હોય છે. કર્મચારીઓએ પોતાના પૈસા ઉપાડવા હોય તો પણ કંપની પર નિર્ભર રહેવું પડે છે. આથી સરકાર હવે દરેકની સમસ્યાનું સમાધાન EPFO 3.0માં લઈને આવી રહી છે. આ સુવિધાને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. એ લોન્ચ થયા બાદ PFનું એક્સેસ એકદમ જ સરળ બની જશે.
આ સિસ્ટમમાં ક્લેમને ફટાફટ સેટલ કરવામાં આવશે, પેપરવર્ક પણ ખૂબ જ ઓછું થઈ જશે અને કંપની પર પણ આધાર નહીં રાખવો પડે. કોઈ પણ કર્મચારી ATM અથવા તો UPIની મદદથી પૈસા ઉપાડી શકશે. EPFO 3.0 એક રીતે જોવા જઈએ તો જે પણ કર્મચારીઓ માટેની મેન્યુઅલ સેવાઓ હતી એને ડિજિટલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આથી હવે સરકાર દ્વારા લાખો લોકોને આ સર્વિસને ડિસ્ટ્રીબ્યુટ કરવી ખૂબ જ સરળ રહેશે. આ સિસ્ટમની ઘણી સર્વિસ આગામી મહિનામાં શરૂ કરવામાં આવી શકે છે. પહેલેથી જ ઘણી સર્વિસ ઓનલાઇન શરૂ થઈ ગઈ છે અને હવે એમાં બાકીની સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવશે.
ખૂબ જ ઝડપથી થશે ક્લેમનું સેટલમેન્ટ
આ સર્વિસમાં જેટલાં પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે એમાંથી સૌથી મોટા બદલાવમાંનું એક ક્લેમ સેટલમેન્ટ છે. EPFO દ્વારા ઓટો સેટલમેન્ટની સુવિધા આપી છે અને એની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. વિડ્રોલ રિક્વેસ્ટ માટેની સિસ્ટમ માટે હવે ઓટોમેટિક અપ્રૂવલ આપવામાં આવ્યું છે. આથી મેન્યુઅલ અપ્રૂવલ નહીં કરવું પડે અને સમયનો પણ બચાવ થશે.
આ બદલાવને કારણે હવે કંપનીઓ પર નિર્ભર પણ નહીં રહેવું પડે. પહેલાં નોકરી બદલતી વખતે PF એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કંપનીના અપ્રૂવલની જરૂર પડતી હતી. આ માટે સમય લાગતો હતો. નવી સિસ્ટમમાં જે પણ એકાઉન્ટમાં KYC હશે તેમના માટે ઘણી સર્વિસ ઓટોમેટિક આપવામાં આવી છે. એનાથી કર્મચારીઓને પોતાના ફંડને ઓટોમેટિક ટ્રાન્સફર કરવાની છૂટ મળશે.
UPIથી ઉપાડાશે પૈસા
EPFO 3.0માં જે બદલાવ કરવામાં આવી રહ્યો છે એમાં હવે બીજો મહત્ત્વનો બદલાવ પૈસા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉપાડી શકાય એ છે. એટલે કે હવે UPIનો ઉપયોગ કરીને કર્મચારીઓ તેમના પૈસા ઉપાડી શકશે. EPFO દ્વારા આ માટે કામ કરવામાં આવી રહ્યું છે. એમાં સફળતા મળતાં જ કર્મચારીઓ તેમના PFના પૈસા સીધા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે. એ પણ પલક ઝપકતાની સાથે. UPIથી એક ખાતામાંથી બીજા ખાતામાં જેટલા જલદી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે એટલા જ જલદી PFના પૈસા પણ બેંક ખાતામાં આવી જશે.
આ સાથે જ ક્લેમ ફાઇલ કરવા, ટ્રેક કરવા અને અન્ય સેવાઓ માટે યુઝરને સરળતા રહે એ માટે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી શકે છે એવી એંધાણ છે. આ એપ્લિકેશન લોન્ચ થતા જ EPFOની ઓફિસમાં જવું, તેમ જ પેપરવર્ક કરવા જેવી ઘણી સમસ્યાનું સમાધાન આવી જશે. યુઝર્સ ઘણી સેવા પોતે જ કરી લેશે અને એ માટે તેને કોઈ પેપરવર્ક અને કોઈ ઓફિસમાં પણ જવાની જરૂર નહીં પડે.
યૂનિફાઇડ પેન્શન સિસ્ટમ
EPFO 3.0 દ્વારા પેન્શન સિસ્ટમને પણ યૂનિફાઇડ કરવામાં આવી રહી છે. પેન્શન મેળવનાર લોકોને સરળતા રહે અને પેન્શનને વધુ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય એ માટે મોટા ભાગની ઓફિસમાં યૂનિફાઇડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી છે. પેન્શન પહોંચવામાં મોડું થવું, ટેક્નિકલ ખામીઓ આવવી તેમજ અન્ય અડચણો માટે વર્ષોથી જે પણ ફરિયાદો હતી હવે એનું પણ સમાધાન આવી રહ્યું છે.
ઓટોમેટિક અને ડિજિટલ વેરિફિકેશન તરફ વધવાની સાથે સરકાર દ્વારા EPFOને એક સામાન્ય સિસ્ટમ કરતાં બેંકિંગ સિસ્ટમ જેવી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. UPI આધારિત પૈસા ઉપાડવાની સર્વિસ અને અન્ય ડિજિટલ સર્વિસ હજી સંપૂર્ણપણે ચાલુ નથી થઈ. એને ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હજી પણ બદલાવ હેઠળ છે.
સેલરી પર કામ કરતા કર્મચારીઓ માટે આ તમામ સેવાનો ખૂબ જ ફાયદો થશે. ઇમરજન્સી સમયે તેઓ તરત જ પોતાના ખાતામાં પૈસા મેળવી શકશે. નોકરી બદલતી વખતે પોતે જ પૈસા ટ્રાન્સફર કરવા અને કંપનીઓ પર નિર્ભર ન રહેવા જેવા લાભો મળી રહેશે.


