Science & Technology

ચેતજો! WhatsApp પર નવું સ્કેમ, ભૂલથી પણ ફાઈલ ડાઉનલોડ થઈ તો સેન્સેટીવ ડેટા હેક થવાનો ખતરો

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
વોટ્સએપ વેબ યુઝર્સ સાયબર ગુનેગારોનો શિકાર બની રહ્યા છે. હેકર્સ સરકારી વિભાગ કે બેંકના પ્રતિનિધિ બનીને .exe અને .dll ફાઈલો દ્વારા માલવેર ઇન્સ્ટોલ કરે છે. આનાથી યુઝર્સના કમ્પ્યુટરનો ડેટા ચોરાઈ શકે છે અને વોટ્સએપ એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને Windows યુઝર્સને સાવધ રહેવાની જરૂર છે. અજાણી ફાઈલો ડાઉનલોડ ન કરવા અને એન્ટિવાયરસનો ઉપયોગ કરવાની સલાહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેતજો! WhatsApp પર નવું સ્કેમ, ભૂલથી પણ ફાઈલ ડાઉનલોડ થઈ તો સેન્સેટીવ ડેટા હેક થવાનો ખતરો

WhatsApp Web Malware Scam 2026: 'WhatsApp Desktop' અથવા 'WhatsApp Web'નો ઉપયોગ કરતાં લોકોએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. સાયબર ગુનેગારોએ વ્યક્તિઓને નિશાન બનાવવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે, જે .exe અને .dll જેવી ફાઇલો દ્વારા વોટ્સએપ યુઝર્સના સિસ્ટમ પર માલવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરે છે. જેમાં એક નાની ભૂલ ફક્ત તમારા વોટ્સએપ એકાઉન્ટને જ નહીં પરંતુ તમારા કમ્પ્યુટર પર સેવા કરેલાં તમામ અગત્યના ડેટાને પણ જોખમમાં મૂકી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણકારી મેળવીએ.

વોટ્સએપ પરના નવા સ્કેમમાં સાયબર માફિયાઓ સરકારી વિભાગો, બેંકો, કંપનીઓ અથવા બિઝનેસ પાર્ટનરના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપીને વોટ્સએપમાં સંપર્ક કરે છે. જેમાં તાત્કાલિક દસ્તાવેજો, બિલો, ટેક્સ નોટિસ, ઇન્વોઇસ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ ફાઇલોનો ઉલ્લેખ કરીને તેઓ એક ઝીપ ફાઇલ મોકલે છે. આ ફાઈલ વોટ્સએપ યુઝર્સને તાત્કાલિક ખોલવા માટે જણાવવામાં આવે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં કે મેસેજને ગંભીરતાથી લઈને તેમાં આવેલી ફાઇલને વધુ વિચાર કર્યા વિના ડાઉનલોડ કરે છે.

અહીંથી જ થાય છે અસલી સ્કેમની શરૂઆત

ખરો ખતરો ત્યારે ઉદ્ભવે છે જ્યારે વોટ્સએપ યુઝર્સ ઝીપ ફાઇલમાં રહેલી .exe (એક્ઝીક્યુટેબલ) અથવા .dll (ડાયનેમિક લિંક લાઇબ્રેરી) ફાઇલ ખોલે છે. આમ કરવાથી કમ્પ્યુટર પર માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે જે સિસ્ટમ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે. આ માલવેર તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે, સંવેદનશીલ માહિતી ચોરી શકે છે અને સક્રિય વોટ્સએપ ડેસ્કટોપને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી શકે છે.

જો તમારા કમ્પ્યુટર પર વોટ્સએપ ડેસ્કટોપ અથવા વોટ્સએપ વેબ પહેલાથી જ લોગઇન હોય તો સાયબર ગુનેગારો તમારા એકાઉન્ટનો દુરુપયોગ કરી શકે છે. તેઓ તમારા મિત્રો, સંબંધીઓ અથવા સહકાર્યકરોને તમારા નામે પૈસા માંગવા, નકલી લિંક્સ શેર કરવા અથવા અન્ય લોકોને 'સેમ સ્કેમ'માં ફસાવવા માટે મેસેજ મોકલી શકે છે.

વિન્ડોઝ યુઝર્સને વધુ સાવધ રહેવાની જરૂર

સાયબર સુરક્ષા નિષ્ણાતો જણાવે છે કે, આ હુમલો ખાસ કરીને વિન્ડોઝ કોમ્પ્યુટરને નિશાન બનાવે છે. કારણ કે EXE અને DLL ફાઇલો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ કારણોસર, જે યુઝર પોતાના કોમ્પ્યુટર પર વોટ્સએપ એક્સેસ કરે છે તેમને વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

ઓફિસ કર્મચારીઓ ખાસ કરીને આ પ્રકારના કૌભાંડનો ભોગ બને છે. ઘણા કર્મચારીઓ દરરોજ ઇમેઇલ, વોટ્સએપ અને અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા ફાઇલો મેળવે છે. સ્કેમર દૂષિત ફાઇલો મોકલવા માટે વરિષ્ઠ અધિકારીઓ અથવા ક્લાયન્ટ તરીકે પોતાને રજૂ કરીને આનો ફાયદો ઉઠાવે છે. એકવાર સિસ્ટમ ચેપગ્રસ્ત થઈ જાય, પછી કંપનીનો ડેટા પણ જોખમમાં મુકાઈ શકે છે.

સ્કેમરથી બચાવ આટલું કરો

આવા સાયબર એટેકથી પોતાને બચાવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ સાવચેતી રાખવી કે અજાણ્યા યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલી ZIP, EXE, અથવા DLL ફાઇલોને પહેલા ચકાસ્યા વિના ક્યારેય ડાઉનલોડ અથવા ચલાવશો નહીં. જો કોઈ મેસેજમાં તાત્કાલિક નિહાળવાની જણાવાય તો સંબંધિત સંસ્થા અથવા વ્યક્તિ સાથે અલગ ચેનલ દ્વારા તેની પ્રમાણિકતાની પુષ્ટિ કરો. હંમેશા તમારા વિન્ડોઝ સિસ્ટમ અને વોટ્સએપ ડેસ્કટોપને અપડેટ રાખવી.

વિશ્વસનીય એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો અને કોઈપણ શંકાસ્પદ ફાઇલો અથવા લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. જો તમે આકસ્મિક રીતે આવી ફાઇલ ખોલો છો તો ક્યારેક સિસ્ટમમાં ખામી આવી શકે છે. એટલે જ્યાં પણ વોટ્સએપ શરૂ કર્યું હોય તેવા વેબ પેજમાંથી લોગ આઉટ કરો અને તમારી સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરો.