Science & Technology

સાવધાન! બોસના નામે આવી શકે છે નકલી WhatsApp મેસેજ: SEBIએ નવા સાયબર ફ્રોડ અંગે જાહેર કરી ચેતવણી

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય કંપનીઓના ફાયનાન્સ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવતી નવી "બોસ સ્કેમ" સાયબર છેતરપિંડી સામે સેબીએ ચેતવણી આપી છે. ગુનેગારો AI ટેકનોલોજી અને ડીપફેકનો ઉપયોગ કરીને CEO કે MD હોવાનો ઢોંગ કરી તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરાવે છે. WhatsApp અને ઇમેઇલ દ્વારા વાયરસવાળી ફાઇલો મોકલી ખાતા હાઇજેક પણ કરે છે. સેબીએ પેમેન્ટ રિક્વેસ્ટનું ક્રોસ-વેરિફિકેશન અને અજાણી ફાઇલો ન ખોલવાની સલાહ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! બોસના નામે આવી શકે છે નકલી WhatsApp મેસેજ: SEBIએ નવા સાયબર ફ્રોડ અંગે જાહેર કરી ચેતવણી

Beware of Fake Boss Messages: ભારતીય કંપનીઓના ફાયનાન્સ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવતી એક નવી અને અત્યંત ખતરનાક સાયબર છેતરપિંડી સામે આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India - SEBI)એ આ અંગે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ નવા કૌભાંડને "બોસ સ્કેમ" અથવા 'CEO ઇમ્પર્સનેશન ફ્રોડ' તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્રોડમાં ગુનેગારો કંપનીના CEO અથવા મેનેજિંગ ડિરેક્ટર હોવાનો ઢોંગ કરીને કર્મચારીઓ પાસે તાત્કાલિક ફંડ ટ્રાન્સફરની માંગ કરે છે, અને ભોળવાઈ ગયેલા કર્મચારીઓ નાણાં ટ્રાન્સફર કરી દેતાં કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.

તમામ લિસ્ટેડ કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આવા કેસોમાં થયેલા અચાનક વધારાના અહેવાલ બાદ SEBIએ આ પગલું ભર્યું છે.

  • સાયબર ગુનેગારો કંપનીના ફાયનાન્સ એક્ઝિક્યુટિવ્સને ઇમેઇલ, WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ટાર્ગેટ કરી રહ્યા છે.
  • તેઓ સિનિયર અધિકારીઓનો સ્વાંગ રચીને કર્મચારીઓને પોતાના નિયંત્રણ હેઠળના બેંક ખાતાઓમાં નાણાં મોકલવાની સૂચના આપે છે.
  • SEBI દ્વારા આ સત્તાવાર એડવાઇઝરી ભારતમાં લિસ્ટેડ તમામ કંપનીઓ અને નિયંત્રિત સંસ્થાઓ માટે જાહેર કરવામાં આવી છે.

સાયબર ગુનેગારો CEO બનવા માટે કરી રહ્યા છે AIનો ઉપયોગ

SEBIના વિશ્લેષણ અનુસાર, આ કૌભાંડ આચરવા માટે સાયબર ગુનેગારો મુખ્યત્વે 2 પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે:

1. AI ટેકનોલોજી અને ડીપફેક:

પહેલી પદ્ધતિમાં ગુનેગારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી જેવી કે વોઇસ ક્લોનિંગ (અવાજની નકલ), ડીપફેક વીડિયો કોલ્સ અને ફેક સોશિયલ મીડિયા ગ્રુપ્સનો ઉપયોગ કરે છે. આનાથી કર્મચારીને એવું જ લાગે છે કે તે સાચે જ પોતાના બોસ સાથે વાત કરી રહ્યો છે. એકવાર કર્મચારીનો વિશ્વાસ જીત્યા પછી, તેને ચોક્કસ બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવે છે.

2. વાયરસ અને મેલિશિયસ ફાઇલો:

બીજી પદ્ધતિ વધુ ટેકનિકલ છે, જેમાં છેતરપિંડી કરનારાઓ મેસેજ દ્વારા એક કોમ્પ્રેસ્ડ .zip ફાઇલ મોકલે છે. આ ફાઇલમાં એક નુકસાનકારક એક્ઝિક્યુટેબલ ફાઇલ અને Dynamic Link Library ફાઇલ છુપાયેલી હોય છે. જો આ ફાઇલને Windows PC પર ખોલવામાં આવે, તો તે કમ્પ્યુટરમાં માલવેર ઇન્સ્ટોલ કરી દે છે, જે યુઝરના એક્ટિવ WhatsApp Web સેશનને હાઇજેક કરી લે છે. એકવાર ફાયનાન્સ ઓફિસરના વૉટ્સએપ એકાઉન્ટનો એક્સેસ મળી જાય પછી, ગુનેગારો તેનો ઉપયોગ કરીને અન્ય કર્મચારીઓને પેમેન્ટ કરવાના નકલી આદેશો મોકલે છે.

બચાવ માટે SEBIની કંપનીઓ અને કર્મચારીઓને સલાહ

આ વધતા જતા સ્કેમને ધ્યાનમાં રાખીને, SEBIએ બચાવ માટે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા છે:

  • WhatsApp, ઇમેઇલ કે સોશિયલ મીડિયા પર મળતી કોઈપણ પેમેન્ટ રિક્વેસ્ટ પર સીધો અમલ કરવાને બદલે, સંબંધિત વરિષ્ઠ અધિકારીને સીધો ફોન કરીને તેની ક્રોસ-વેરિફિકેશન અવશ્ય કરવી.
  • કર્મચારીઓએ કોઈપણ અજાણ્યા અથવા અપ્રમાણિત સોર્સ પરથી આવેલી એક્ઝિક્યુટેબલ ફાઇલો ક્યારેય ઓપન ન કરવી.
  • વધારાની સુરક્ષા માટે, કામ પૂરું થયા પછી કમ્પ્યુટરમાંથી ઇન-એક્ટિવ WhatsApp Web સેશન્સને હંમેશાં લોગ આઉટ કરવાની ટેવ પાડવી.