Science & Technology

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક સોશિયલ મીડિયા પ્રતિબંધ નિષ્ફળ: 80%થી વધુ કિશોરો હજુ પણ વાપરી રહ્યા છે Instagram-TikTok, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

By GS Team
31 Jul 20263 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટેનો સોશિયલ મીડિયા પ્રતિબંધ નિષ્ફળ ગયો છે. 'ઈ-સેફ્ટી'ના રિપોર્ટ મુજબ, પ્રતિબંધના 3 મહિના પછી પણ 80%થી વધુ કિશોરો Instagram અને TikTok જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ટેક કંપનીઓ દ્વારા ઉંમર ચકાસણીની અસરકારક સિસ્ટમ ન હોવાથી બાળકો ખોટી ઉંમર દર્શાવીને એકાઉન્ટ ચલાવે છે. વાલીઓની જાગૃતિ પણ ઘટી છે, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક સોશિયલ મીડિયા પ્રતિબંધ નિષ્ફળ: 80%થી વધુ કિશોરો હજુ પણ વાપરી રહ્યા છે Instagram-TikTok, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Aussie Teen Tech Ban Fails: બાળકોને સોશિયલ મીડિયાની લતથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો ઐતિહાસિક કાયદો ગ્રાઉન્ડ લેવલ પર નિષ્ફળ સાબિત થયો છે. દેશના ઇન્ટરનેટ રેગ્યુલેટર 'ઈ-સેફ્ટી'ના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધ મૂક્યાના 3 મહિના પછી પણ 80%થી વધુ ઓસ્ટ્રેલિયન કિશોરો હજુ પણ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે. આ નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ ટેક કંપનીઓ દ્વારા ઉંમરની ચકાસણી માટેની કોઈ અસરકારક સિસ્ટમ લાગુ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

બાળકોનો વપરાશ યથાવત્, વાલીઓની જાગૃતિ ઘટી

ઈ-સેફ્ટીના અભ્યાસ મુજબ, ગત વર્ષે 10 ડિસેમ્બરના રોજ આ કડક પ્રતિબંધ અમલમાં આવ્યો હતો. તેમ છતાં, ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં 10થી 15 વર્ષની વયના મોટાભાગના બાળકો એટલી જ માત્રામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા જેટલો તેઓ પ્રતિબંધ પહેલા કરતા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન બાળકોના સોશિયલ મીડિયા વપરાશ અંગે વાલીઓની જાગૃતિમાં ઉલટો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે સગીર વયના યુઝર્સના ઓનલાઇન વર્તનને મોનિટર કરવું અને તેનું નિયમન કરવું એ એક મોટો પડકાર છે.

YouTube, Snapchat અને TikTokના વપરાશમાં આંશિક ઘટાડો

સરકારી કાયદાની કડકાઈને કારણે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ઓનરશિપનો દર 52%થી ઘટીને 42% થયો છે, પરંતુ બાળકોનો પ્લેટફોર્મ પરનો એકંદર વપરાશ બંધ થયો નથી. રિપોર્ટ અનુસાર, સૌથી મોટો ઘટાડો યુટ્યુબ, સ્નેપચેટ અને ટિકટોકના વપરાશમાં જોવા મળ્યો છે. ઈ-સેફ્ટીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રતિબંધ લાગુ થયા પહેલા જે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હતા, તેમાંથી મોટાભાગના બાળકો 3 મહિનાના અંતે પણ કાં તો પોતાના જૂના એકાઉન્ટ્સ ચાલુ રાખવામાં અથવા તો નવા એકાઉન્ટ્સ બનાવવામાં સફળ રહ્યા હતા.

યુઝર રિટેન્શનનો ઊંચો દર

આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, પ્રતિબંધ પહેલા સર્વેમાં સામેલ થયેલા આશરે 86% બાળકોએ સ્વીકાર્યું હતું કે તેઓ ઓછામાં ઓછા એક એવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે જ્યાં ઉંમરની મર્યાદા છે. પ્રતિબંધના 3 મહિના પછી પણ આ આંકડો સામાન્ય ઘટાડા સાથે 81% પર જ રહ્યો છે. આ ઉપરાંત, આશરે 58% કિશોરોએ જણાવ્યું કે તેઓ દરરોજ અથવા દિવસમાં ઘણી વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે પ્રતિબંધ પહેલા 60% હતો. આ દર્શાવે છે કે કાયદાકીય પ્રયાસો છતાં યુઝર રિટેન્શન ઘણો ઊંચો છે.

બાળકોએ આ રીતે બાયપાસ કરી સિસ્ટમ

સર્વેમાં બાળકોએ પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ કેવી રીતે આ પ્રતિબંધ અને એજ-ચેક સિસ્ટમને હાથતાળી આપી રહ્યા છે. એકાઉન્ટ ધરાવતા લગભગ અડધા બાળકોએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ક્યારેય તેમની ઉંમર ચકાસવાની તસ્દી જ લીધી નથી. જ્યારે અન્ય બાળકોએ સ્વીકાર્યું કે નવું એકાઉન્ટ બનાવતી વખતે તેમણે પોતાની ઉંમર ખોટી રીતે 16 વર્ષ કે તેથી વધુ દર્શાવી દીધી હતી. કેટલાક કિસ્સામાં પ્લેટફોર્મની એજ-વેરિફિકેશન સિસ્ટમની ખામીને કારણે સગીર બાળકોને આપોઆપ જ પુખ્ત વયના ગણી લેવામાં આવ્યા હતા. આ વિગતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સુરક્ષા ખામીઓને છતી કરે છે.