Apple Event: એપલે 2026ની પોતાની પહેલી મોટી ઇવેન્ટની જાહેરાત કરી દીધી છે. આ ઇવેન્ટ 4 માર્ચે યોજાઈ રહી છે. કંપની આ ઇવેન્ટને ન્યૂયોર્ક, લંડન અને શાંઘાઈમાં એકસાથે હોસ્ટ કરશે. એપલે આ માટે પસંદગીના મીડિયા પ્રોફેશનલ્સને “Special Apple Experience” માટે આમંત્રિત કર્યા છે.
ઇવેન્ટનું આમંત્રણ 3D એપલ લોગો સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કાચની લેયર્સ છે. આ કાચની લેયર્સ લિક્વિડ ગ્લાસ ડિઝાઇનને રીપ્રેઝન્ટ કરે છે. પીળો, વાદળી અને લાઇટ લીલો રંગનો આ લોગો છે. એપલ દ્વારા બજેટ-ફ્રેન્ડલી મેકબૂકના કલર સાથે એ મળતો આવે છે એવું લાગી રહ્યું છે. એપલ આ ઇવેન્ટમાં આઇફોન 17e અને નવું બજેટ મેકબૂક લોન્ચ કરશે એવી આશા છે.
કેવી રીતે જોશે ઇવેન્ટ?
એપલની આ ઇવેન્ટને ઓનલાઇન લાઇવસ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકાશે. એપલની ઓફિશિયલ વેબસાઇટ, યૂટ્યુબ ચેનલ, એપલ ટીવી અને એપ સ્ટોર પર જઈને પણ આ ઇવેન્ટ જોઈ શકાશે. આ સાથે જ અન્ય ન્યૂઝ પોર્ટલ દ્વારા પણ એનું લાઇવ બ્લોગ ચલાવવામાં આવશે. જોકે એપલ તેના ફેન્સ માટે લાઇવસ્ટ્રીમિંગ કરવાનું ક્યારેય ચૂકતી નથી.
શું-શું લોન્ચ થઈ શકે છે?
આ ઇવેન્ટમાં એપલ દ્વારા આઇફોન 17e લોન્ચ કરવામાં આવી શકે છે. એપલ દ્વારા આઇફોન 16eને પણ આ રીતે જ મેકબૂક સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. એપલ તેના લેટેસ્ટ વર્ઝનના બજેટ ફોન થોડા મહિના બાદ લોન્ચ કરે છે. આથી હવે 17eને પણ માર્ચમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સાથે જ નવું બજેટ મેકબૂક લોન્ચ થવાની શક્યતા ખૂબ જ વધુ છે. આ સાથે જ એક્સપર્ટનું માનવું છે કે આઇપેડ Air M4ને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. એપલ તેની આઇપેડની લાઇનઅપને પણ મેઇન્ટેઇન કરી રહ્યું છે અને એથી જ એ પણ લોન્ચ થઈ શકે છે.
બજેટ-ફ્રેન્ડલી મેકબૂકમાં શું હશે?
એપલનું અત્યાર સુધીનું સૌથી સસ્તુ મેકબૂક Air વર્ઝન હતું. જોકે એની કિંમત પણ ભારતના યુઝર્સ માટે ખૂબ જ વધુ છે. આથી એપલ હવે ભારતને પણ ટાર્ગેટ કરી રહ્યું છે અને એના જેવા અન્ય દેશોને પણ. આથી તેઓ હવે મેકબૂક Air કરતાં પણ સસ્તું મેકબૂક લોન્ચ કરી રહ્યાં છે. આ મેકબૂકમાં એપલ A18 Pro ચિપસેટ હશે. આ ચિપસેટ અગાઉ આઇફોન 16 Proમાં જોવા મળ્યું હતું. એનો ઉપયોગ હવે મેકબૂકમાં કરવામાં આવશે. પરફોર્મન્સ પર થોડું અસર થશે, પરંતુ દરેક કામ કરી શકાશે. આ મેકબૂકની સ્ક્રીન સાઇઝ 12.9 ઇંચ હોવાની શક્યતા છે. તેમ જ અમેરિકામાં એને 699 ડોલરમાં વેચવામાં આવે એવી શક્યતા છે, પરંતુ ભારતમાં એની કિંમત ફક્ત ₹54,000 હોવાની ચર્ચા છે. જોકે એકવાર લોન્ચ થયા બાદ જ એની કિંમતની જાણ થશે.
આઇફોન 17eમાં શું હશે?
આઇફોન 17e એક એન્ટ્રી-લેવલ આઇફોન છે. આઇફોન સિરીઝ 17માં એ સૌથી સસ્તો મોબાઇલ હશે. એમાં એપલ દ્વારા A19 ચિપ, પાતળી બેઝલ્સ ડિઝાઇન અને ડાયનામિક આઇલેન્ડનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ એમાં મેગસેફ સપોર્ટ પણ જોવા મળશે. આ આઇફોનમાં સિંગલ કેમેરા હશે. એન્ટ્રી લેવલનો હોવાથી એમાં Pro ફીચર્સનો સમાવેશ કરવામાં નહીં આવે, પરંતુ એમ છતાં તમામ બેસિક ફીચર્સ આ આઇફોનમાં પણ જોવા મળશે.
આ ઇવેન્ટ કેમ મહત્ત્વની છે?
એપલની 4 માર્ચની ઇવેન્ટ દ્વારા તેની બજેટ-ફ્રેન્ડલી ડિવાઇસને માર્કેટમાં મૂકી રહી છે. તેની આ એન્ટ્રી લેવલ પ્લાનિંગ તેને આ વર્ષે માર્કેટમાં ખૂબ જ આગળ લઈ જઈ શકે છે. એપલ હવે તેના યુઝર્સની સંખ્યા વધારવા પર ફોકસ કરી રહી છે. આથી તેઓ મેકબૂકને પણ લોન્ચ કરી રહ્યાં છે. આથી 2026 એપલ માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. તેમ જ યુઝર્સને આઇફોન અને મેકબૂક બન્ને સસ્તામાં મળી રહેતાં તેમના માટે આ વર્ષ ખૂબ જ સારું રહી શકે છે.


