Science & Technology

AI અને ઓફિસ પ્રોગ્રામ્સ બધી ભેદરેખાઓ હવે ભૂંસાઈ રહી છે

By GS Team
27 Sep 20266 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં હવે ચેટબોટમાં જ ઓફિસ ફાઇલો બનાવી શકાશે. એન્થ્રોપિક કંપનીએ તેની 'ક્લોડ' AI સર્વિસમાં ડોક્સ અને સ્લાઇડ જેવા એડિટર પ્રોગ્રામ્સ ઉમેર્યા છે. આ સુવિધાથી યુઝર્સ ક્લોડમાં જ ડોક્યુમેન્ટ અને પ્રેઝન્ટેશન તૈયાર કરી શકશે. જોકે, આ ફીચરનો લાભ ફક્ત ક્લોડના પેઇડ સબસ્ક્રાઇબર્સને જ મળશે, જેની ભારતમાં માસિક કિંમત ₹1999 થી શરૂ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI અને ઓફિસ પ્રોગ્રામ્સ બધી ભેદરેખાઓ હવે ભૂંસાઈ રહી છે
  • ચેટબોટની મદદથી અને હવે ચેટબોસમાં જ ઓફિસ ફાઈલ્સ ક્રિએટ કરી શકાય છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન પછી આખી દુનિયામાં ઉથલપાથલ થઈ ગઈ છે એમ કહેવું એ તદ્દન અન્ડરસ્ટેટમેન્ટ ગણાય. એઆઇના કારણે લગભગ દરેક ક્ષેત્રમાં વ્યાપક ફેરફારો થયા છે. અમેરિકાની આગેવાનીમાં એક બાજુ પશ્ચિમી વિશ્વ અને બીજી બાજુ ચીન એઆઇ સુપ્રીમસી ઊભી કરવા આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે.
એઆઇ સર્વિસિસ ઓફર કરતી કંપનીઓ પણ આ રેસમાં આગળ રહેવા સતત, નવાં નવાં મોડેલ અને ફીચર્સ લાવી રહી છે. બધું એટલી ઝડપે બદલાઈ રહ્યું છે કે આપણે તેની સમજ કેળવવી જ મુશ્કેલ બને, ઉપયોગ કરવાની વાત તો પછી આવે. પરંતુ એઆઇમાં અને એઆઇને કારણે આવી રહેલા ફેરફારોની સમજ કેળવવી અને સમજ્યા પછી તેનો ઉપયોગ શીખવો હવે લગભગ સૌ માટે અનિવાર્ય બન્યો છે. તમે સ્ટુડન્ટ કે નોલેજ-વર્કર હો તો તો ખાસ.

હવે AI ચેટબોટમાં જ ડોક્યુમેન્ટ ક્રિએશન
હજી થોડાં વર્ષ પહેલાં ચેટજીપીટી જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સર્વિસ લોન્ચ થઈ ત્યારે જાણે જિન બાટલીમાંથી બહાર આવી ગયો! આ જિન આપણે જે કહીએ તે લગભગ બધું જ કરી આપે તેવો કહ્યાગરો અને કાબેલ છે. પરંતુ તેનો કેવી રીતે લાભ લેવો એ વિશે ટેક કંપનીઓ પણ ખાસ્સી ગૂંચવણમાં હતી.
શરૂઆતમાં આપણે પણ એઆઇ ચેટબોટ્સનો તેના નામ મુજબ તેની સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા હતા. ફક્ત વાતચીત. એથી વિશેષ લગભગ કશું જ નહીં.
એક રીતે જુઓ તો સર્ચ એન્જિનના નવા પ્રકાર તરીકે આપણે એઆઇ ચેટબોટ્સનો ઉપયોગ કરવા લાગ્યા. આપણે કંઈક પૂછીએ, ચેટબોટ તેના જવાબ આપે. પરંપરાગત સર્ચ એન્જિનમાં આપણે સર્ચ એન્જિનને કંઈ પણ પૂછીએ તો તે ઢગલાબંધ વેબપેજિસનો ખડકલો કરી આપે. જોઇતી માહિતી શોધવા માટે આપણે આ બધાં વેબપેજિસ ફેંદવા જવું પડે.
તેની સામે એઆઇ ચેટબોટ એ બધી મહેનત પોતે કરી લે છે અને આપણને જોઇતા હોય સીધા એ જ જવાબો તારવીને આપે છે.
સમય જતાં એઆઇની ક્ષમતાઓનો ટેક કંપનીઓને વધુ ને વધુ અંદાજ આવતો ગયો તેમ તેમ સામાન્ય ચેટિંગ ઉપરાંત કન્ટેન્ટ જનરેશન, સોફ્ટવેર પ્રોગ્રામ માટે કોડ રાઇટિંગ, ઇમેજ અને વીડિયો ક્રિએશન, પ્રોગ્રામર્સે લખેલા કોડમાંની ખામીઓ શોધવી વગેરે વગેરે પ્રકારે એઆઇના જુદા જુદા ઉપયોગ વિકસતા ગયા.
ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીના પરંપરાગત સર્ચ એન્જિનમાં ‘એઆઇ મોડ’ ઉમેરાયા. આગળ જતાં આ બંને કંપનીએ પોતપોતાના ઓફિસને સંબંધિત પ્રોગ્રામ્સમાં પણ એઆઇનો ઉમેરો કર્યો.
પરિણામે વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ, ગૂગલ ડોક્સ, ગૂગલ સ્પ્રેડશીટ, ગૂગલ સ્લાઇડ્સ જેવા વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇ ચેટ સર્વિસ સાથે વાતચીત કરતાં કરતાં જે તે પ્રોગ્રામ સંબંધિત જુદાં જુદાં કામ કરાવી શકીએ એવું શક્ય બન્યું. બીજી તરફ વેબ પબ્લિશિંગ, ડિઝાઇનિંગ, વીડિયો એડિટિંગ વગેરેના વર્ષો જૂના પ્રોગ્રામ્સમાં પણ એઆઇ ફીચર્સ ઉમેરાવાં લાગ્યાં.
બરાબર એ જ રીતે વિવિધ કંપની પોતાના વેબબ્રાઉઝરમાં એઆઇ ફીચર્સ ઉમેરવા લાગી. બીજી બાજુ એઆઇ ફોક્સ્ડ સર્વિસિસ પૂરેપૂરાં એઆઇ આધારિત વેબબ્રાઉઝર લોન્ચ કરવા લાગી.
હવે આખી વાત નવો વળાંક લઈ રહી છે.
ચેટબોટની મદદથી ડોક્યુમેન્ટ
અત્યાર સુધી આપણે વર્ષોથી જૂનો ઉપયોગ કરતા આવ્યા છીએ એ બધા કમ્પ્યૂટર પ્રોગ્રામ કે વેબસર્વિસિસમાં એઆઇ ફીચર્સ ઉમેરાઈ રહ્યાં હતાં.
હવે એઆઇ સર્વિસિસમાં ઓફિસ પ્રોગ્રામ્સની ક્ષમતાઓ ઉમેરાઈ રહી છે.
અત્યારે તમે ઇચ્છો તો ચેટજીપીટી કે જેમિનાઇ જેવી એઆઇ સર્વિસ સાથે વાત કરતાં કરતાં તેની પાસે વર્ડ, ગૂગલ ડોક, એક્સેલ કે ગૂગલ શીટ જેવા પ્રોગ્રામની ફાઇલ તૈયાર કરાવી શકો છો. જેમ કે તમે તેને કહો કે ‘‘મારે એક ટિફિન સર્વિસ લોન્ચ કરવી છે, પ્રોજેક્ટ પ્લાનના વિવિધ તબક્કા દર્શાવતી વર્ડ કે ડોક ફાઇલ તૈયાર કરી આપ, સાથે બજેટ, ફંડિગનાં સ્ટેજિસ દર્શાવતી એક્સેલ કે શીટ ફાઇલ તૈયાર કરી આપ’’ તો ચેટબોટ આપણી આપણે કહી હોય તે ફાઇલ જનરેટ કરી આપે અને આપણે તેને ડાઉનલોડ કરીને કામ આગળ વધારી શકીએ.
બીજી બાજુ, માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સમાં કે ગૂગલ ડ્રાઇવના ઓફિસ પ્રોગ્રામમાં હોઈએ તો જે તે ફાઇલમાં જ એઆઇ પાસે આપણી સૂચના મુજબ કામ કરાવી શકીએ.
ડોક્યુમેન્ટ કે સ્પ્રેડશીટ કે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કામ ‘ક્લોડ’માં પણ થઈ શકતું હતું, હવે તે હજી વધુ સ્માર્ટ રીતે કામ કરશે.
ક્લોડમાં ઓફિસ પ્રોગ્રામ્સ
એઆઇ સર્વિસિસ માટે બહુ જાણીતી એન્થ્રોપિક કંપનીએ તેની ‘ક્લોડ’ એઆઇ સર્વિસમાં જ ઓફિસ પ્રોગ્રામ્સ ઉમેર્યા છે. અત્યાર સુધી આપણે ક્લોડ સાથે વાત કરતાં કરતાં તેની મદદ લઇને માઇક્રોસોફ્ટ વર્ડ કે તેના વિકલ્પ જેવા વર્ડ પ્રોસેસર ‘ગૂગલ ડોક્સ’ના નવા ડોક્યુમેન્ટ ક્રિએટ કરી શકતા હતા. હવે ક્લોડમાં જ ડોક્સ અને સ્લાઇડ જેવા એડિટર પ્રોગ્રામ્સ ઉમેરાઈ ગયા છે.
મતલબ કે આપણે ઓફિસના કોઈ કામકાજ માટે કે કોલેજના એસાઇનમેન્ટ માટે નવું ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું હોય તો એ માટે ‘ક્લોડ’ ‘બધી રીતે’ આપણી મદદ કરશે. આપણે તેને સવાલો પૂછશું અને પછી સૂચના આપીશું એ મુજબ ક્લોડમાં જ ડોક્યુમેન્ટ કે પ્રેઝન્ટેશન તૈયાર થઈ જશે.
આપણી સૂચનાઓ સમજ્યા પછી ક્લોડને કંઈ ગૂંચવણ હશે તો તે સ્પષ્ટતા માટે આપણને વધુ સવાલો પૂછશે અને પછી પોતાનું કામ શરૂ કરશે. ક્લોડ જે ડોક્યુમેન્ટ કે પ્રેઝન્ટેશન તૈયાર કરી આપશે તે ક્લોડમાં જ ‘આર્ટિફેકટ્સ’ નામના ટેબમાં ક્રિએટ થશે. આ ડોક્યુમેન્ટમાં ક્લોડ પોતે કેવી સમજ સાથે ડોક્યુમેન્ટના વિવિધ ભાગ તૈયાર કર્યા છે તે જણાવવા માટે બાજુમાં પોતાની કમેન્ટ્સ ઉમેરશે.
તમે જાણતા જ હશો કે હાલના માઇક્રોસોફ્ટ વર્ડ કે ગૂગલ ડોક્સમાં પણ જ્યારે આપણે શેર્ડ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હોઇએ ત્યારે એ જ ડોક્યુમેન્ટ પર કામ કરતા કરતા જુદા જુદા લોકો ડોક્યુમેન્ટના વિવિધ ભાગ વિશે પોતાની કમેન્ટ્સ ઉમેરી શકે છે.
ક્લોડના ડોક્યુમેન્ટમાં ફેર એટલો હશે કે આવી કમેન્ટ એઆઇ પોતે પણ ઉમેરશે. આપણે ક્લોડ ડોક્યુમેન્ટ્સને રિઅલ ટાઇમ કોલાબોરેશન માટે પોતાના કોલેજ મેટ્સ કે કલિગ્સ સાથે શેર કરી શકીશું. ક્લોડમાં તૈયાર થયેલા ડોક્યુમેન્ટ્સ માઇક્રોસોફ્ટ વર્ડ, ગૂગલ ડોક્સ, પીડીએફ કે માર્કડાઉન ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકાશે.
આનો અર્થ એ થયો કે હવે આપણે એઆઇના ઉપયોગ સંબંધે હજી એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.
એઆઇનો ફક્ત આસિસ્ટન્ટ તરીકે ઉપયોગ કરવાને બદલે ડોક્યુમેન્ટ ક્રિએશનના બધા જ તબક્કામાં એઆઇ એક ‘એજેન્ટિક પ્લેટફોર્મ’ તરીકે કામ કરશે. ભવિષ્યમાં કોલેજ સ્ટુડન્ટ વિવિધ પ્રકારના એસાઇનમેન્ટ્સ કે ઓફિસ પ્રેઝન્ટેશન, સ્ટેટસ રિપોર્ટ વગેરે માટે ટેમ્પલેટ તૈયાર કરી શકશે અને ઓછા પ્રોમ્પ્ટ સાથે ઓછા સમયમાં પોતાના કામ વધુ ઝડપથી કરી શકશે.
કોને લાભ મળશે?
જોકે આ બધું આપણને મફતમાં ઉપલબ્ધ નહીં થાય. હાલમાં ક્લોડમાં ડોક્સ સર્વિસ બિટા ફેઝમાં લોન્ચ થઈ છે. તે ફ્રી પ્લાનમાં સામેલ નથી. આ ફીચરનો લાભ માત્ર પ્રો, મેક, ટીમ અને એન્ટરપ્રાઇઝ પ્લાન્સના યૂઝર્સને મળશે. આ બધા પેઇડ સબસ્ક્રાઇબર્સ માટે આ ફીચર બાયડિફોલ્ટ ઇનેબલ્ડ રહેશે. હાલમાં ભારતમાં ક્લોડના પેઇડ પ્લાન્સનું સબસ્ક્રિપ્શન્સ આખા વર્ષની ફી એક સાથે ચૂકવીએ તો મહિને રૂ.૧૯૯૯/- તથા દર મહિને ચૂકવીએ તો મહિને રૂ.૨૩૯૯/- થી શરૂ થાય છે.
આનો અર્થ એ થયો કે સરેરાશ સ્ટુડન્ટ કે ઓફિસ એક્ઝિક્યુટિવ્સને તેમના ક્લોડના ફ્રી પ્લાનમાં આ નવી સગવડોનો લાભ નહીં મળે. પરંતુ, એઆઇ સર્વિસિસમાં નવાં નવાં ઉમેરાતાં ફીચર્સ વિશે માહિતગાર રહીએ તો નવી જોબ મેળવવામાં કે પોતાની જોબ ટકાવી રાખવામાં આ નોલેજ કામ લાગશે.
આ બધાં નવા સમયનાં ઓફિસ ટૂલ્સ છે. આજે સ્ટુડન્ટ તરીકે ભલે તમને તેનો સીધો લાભ ન મળે, પણ આ બધાં ટૂલ્સ કઈ રીતે કામ કરે છે તે જાણતા હશો તો ઇન્ટરવ્યૂ ક્રેક કરવા સહેલા બનશે.
જે રીતે એક સમયે કાગળ-પેન વિના ચાલતું નહીં, એ જ રીતે, નવા સમયમાં આ બધું જાણ્યા-સમજ્યા-ઉપયોગમાં લીધા વિના ચાલશે નહીં!