WhatsApp બાદ હવે ઈન્સ્ટાગ્રામના કારણે મેટા પર લાલચોળ થઈ સરકાર, યૌન શોષણની જાહેરાતો અંગે સમન્સની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Instagram Child Exploitation Advertisement Controversy : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતું મેટા વધુ એક મુશ્કેલીમાં મુકાયું છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારને ફ્રોડ થવાની આશંકા જતાં વોટ્સએપના નવા 'યુઝરનેમ ફીચર'ને લૉન્ચ પહેલા જ અટકાવવાનો આદેશ આપ્યો હતો. હવે સરકારે ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથે જોડાયેલી વાંધાજનક જાહેરાતો મામલે મેટા પર મોટી કાર્યવાહી કરી છે.
બાળકો સાથે જોડાયેલા વાંધાજનક જાહેરાતો : મેટાને જવાબ આપવા આદેશ
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બાળકો સાથે જોડાયેલા વાંધાજનક જાહેરાતોને ગંભીરતાથી લઈને મેટાને જવાબ આપવા આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રાલય આવી જાહેરાતોને લઈને મેટા પાસેથી સ્પષ્ટ જવાબ માંગશે કે, ઈન્ટાગ્રામ પર વાંધાજનક જાહેરાતો કેમ દેખાડવામાં આવી અને તેને અટકાવવા માટે શું પગલા ભરવામાં આવ્યા?
વોટ્સએપના યુઝરનેમ ફીચર મામલે પણ મેટાને નોટિસ
ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપનું નવું ‘યુઝરનેમ ફીચર’ ભારે વિવાદમાં આવ્યું છે. આ ફીચરના કારણે ફ્રોડ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આશંકા વ્યક્ત કરીને લૉન્ચ પહેલા જ ‘યુઝરનેમ ફીચર’ અટકાવી દીધું છે. આ મામલે સરકારે મેટાને નોટિસ પણ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો આ ફીચર ભારતમાં લાગુ થશે તો ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ એટેક, ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. સરકારે વોટ્સએપને કડક નિર્દેશ આપ્યો હતો કે સરકારની સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી આ ફીચરને રોકી દેવામાં આવે.
વોટ્સએપે ભારતના મોટા બજારમાં તેના યુઝરનેમ ફીચરનો બચાવ કર્યો
વોટ્સએપે બુધવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં આ ફીચરનો બચાવ કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે યુઝરનેમ ફીચરમાં છેતરપિંડી અને દુરુપયોગ રોકવા માટે મજબૂત સુરક્ષા ઉપાયો પહેલાથી કરવામાં આવ્યા છે. આ ફીચર યુઝર્સની પ્રાઈવસી (ગોપનીયતા) અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. ભારત વોટ્સએપનું સૌથી મોટું બજાર છે. અહીં તેના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે, જે ટેલિગ્રામના ભારતીય યુઝર બેઝ કરતાં ઘણો વધારે છે.
યુઝરનેમ ફીચર ફરજિયાત નથી, વૈકલ્પિક રહેશે : વોટ્સએપની સ્પષ્ટતા
વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે એપ પર યુઝરનેમ સેટ કરવું દરેક માટે ફરજિયાત નથી, પરંતુ તે તદ્દન વૈકલ્પિક (Optional) રહેશે. આ ફીચર પાછળનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો છે, જેથી કોઈને પોતાનો પર્સનલ ફોન નંબર આપ્યા વિના પણ માત્ર યુઝરનેમ દ્વારા ચેટ કરી શકાય. યુઝર્સની પ્રાઇવસી અંગે સ્પષ્ટતા કરતા વોટ્સએપે જણાવ્યું છે કે, એપ પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન નંબર સર્ચ નથી કરી શકાતો, તેવી જ રીતે કોઈનું યુઝરનેમ પણ સર્ચ કરી શકાશે નહીં. આ ઉપરાંત, અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ માટે યુઝર્સને એડવાન્સ ચેતવણી મળશે. તેમ છતાં જો કોઈ હેરાન કરે, તો અનિચ્છનીય મેસેજ રોકવા માટે બ્લોક અને રિપોર્ટ જેવા તમામ સુરક્ષા ફીચર્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે.









