Science & Technology

શું ભૂકંપ આવતા પહેલા કોઈ સંકેત મોકલે છે? વિજ્ઞાનીઓએ રિસર્ચમાં શોધી રસપ્રદ પેટર્ન

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ, મોટા ભૂકંપ પહેલાં સંકેતો મળી શકે છે. ઈરાનમાં 2014-2021 દરમિયાન આવેલા 6 મોટા ભૂકંપોના અભ્યાસમાં જાણવા મળ્યું કે ભૂકંપના મહિનાઓ પહેલાં જમીનની અંદર દબાણ વધતું હતું અને ચુંબકીય ફેરફારો પણ નોંધાયા હતા. ESAના 'સ્વોર્મ' સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને 300 કિમી વિસ્તારમાં ચુંબકીય હલચલનો અભ્યાસ કરાયો. જોકે, ચોક્કસ આગાહી હજુ શક્ય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ભૂકંપ આવતા પહેલા કોઈ સંકેત મોકલે છે?  વિજ્ઞાનીઓએ રિસર્ચમાં શોધી રસપ્રદ પેટર્ન
IMAGE - IANS

Earthquake Signs Before Impact: વિજ્ઞાનીઓના એક રિસર્ચ મુજબ મોટા ભૂકંપ આવતા પહેલા તેના કેટલાક સંકેતો મળી શકે છે. ઈરાનમાં 2014થી 2021 દરમિયાન આવેલા 6.0થી 7.3ની તીવ્રતાના 6 મોટા ભૂકંપોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભૂકંપ આવ્યાના કેટલાક મહિના પહેલા જ જમીનની અંદર દબાણ વધવા લાગ્યું હતું અને તેની સાથે જ પૃથ્વીની ઉપર ચુંબકીય ફેરફારો (Magnetic Activity) પણ વધી ગયા હતા. આ સંશોધન માટે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના 'સ્વોર્મ' સેટેલાઈટ મિશનના ડેટાનો ઉપયોગ કરીને ભૂકંપના મુખ્ય કેન્દ્રથી 300 કિલોમીટરના વિસ્તારમાં થયેલી ચુંબકીય હલચલ અને ભૂકંપીય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં સામે આવેલા મુખ્ય ભૂકંપો અને b-valueનું મહત્ત્વ

આ અભ્યાસમાં મુરમૂરી (2014), હોજેડક (2017), અઝગેલેહ (2017), ફિન (2021) અને અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલા સેફિડસાંગ જેવા 6.0થી 7.3ની તીવ્રતા ધરાવતા 6 મોટા ભૂકંપોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન દરમિયાન વિજ્ઞાનીઓએ 'b-value' નામના મહત્ત્વના પરિબળ પર ધ્યાન આપ્યું, જે નાના અને મોટા ભૂકંપોના પ્રમાણનો અંદાજ મેળવવામાં મદદ કરે છે. જો b-value ઘટે, તો તેનો સીધો અર્થ એ થાય છે કે પૃથ્વીના ખડકોની અંદર દબાણ વધી રહ્યું છે. મોટા ભાગના કિસ્સાઓમાં જેમ b-value ઘટતી ગઈ, તેમ સેટેલાઈટ ડેટામાં પણ ચુંબકીય હલચલ વધતી જોવા મળી હતી.

ભૂકંપના મહિનાઓ પહેલા દેખાયા ફેરફાર

મુરમૂરી ભૂકંપના કિસ્સામાં ઘટનાના 10થી 20 દિવસ પહેલા b-valueમાં ઘટાડો થયો હતો અને સેટેલાઈટે ચુંબકીય ફેરફારો નોંધ્યા હતા. આ જ રીતે હોજેડક ભૂકંપમાં આ ફેરફાર વધુ સ્પષ્ટ હતો, જ્યાં ભૂકંપના 3થી 6 મહિના (200થી 100 દિવસ) પહેલા જ b-value ઝડપથી ઘટી હતી અને ચુંબકીય પ્રવૃત્તિ વધી હતી. જમીનની અંદર જ્યારે ખડકો પર ભારે દબાણ આવે છે ત્યારે તેમાં નાની તિરાડો પડે છે, જેનાથી ખડકોના વીજળી અને ચુંબક સાથે જોડાયેલા ગુણધર્મો બદલાય છે. આ ફેરફારોની અસર ઉપરના વાતાવરણ અને આયનોસ્ફિયર (Ionosphere) સુધી પહોંચી શકે છે. વિજ્ઞાનીઓએ સૂર્યની પ્રવૃત્તિઓ અને ભૂ-ચુંબકીય તોફાનોના ડેટા અલગ રાખીને આ તારણ કાઢ્યું છે.

ચોક્કસ ભવિષ્યવાણી હજુ પણ શક્ય નથી

વિજ્ઞાનીઓના મતે આ સંશોધન માત્ર એક સંભવિત સંબંધ દર્શાવે છે. અત્યારે જ સેટેલાઈટ દ્વારા ભૂકંપની ચોક્કસ તારીખ, સ્થળ કે તીવ્રતા પહેલાથી જ જાણી શકાશે એવું કહેવું વહેલું ગણાશે. જોકે, 6 મોટા ભૂકંપો પહેલા જમીનની અંદર દબાણ વધવા અને ઉપર ચુંબકીય હલચલ વચ્ચે એકસરખી પેટર્ન જોવા મળી છે તે આ અભ્યાસનું મહત્ત્વનું પાસું છે. જો આગામી સંશોધનોમાં પણ આ બાબત સાબિત થશે, તો ભવિષ્યમાં સેટેલાઈટ ડેટા ભૂકંપ પહેલા થતા ફેરફારોને સમજવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.