Whale Graveyard Discovered: ખૂબ જ વિશાળ અને રહસ્યમય ગણાતા સમુદ્રના પેટાળમાંથી વૈજ્ઞાનિકોને એક એવી સફળતા મળી છે, જેણે સમગ્ર વૈજ્ઞાનિક જગતમાં ભારે ઉત્તેજના જગાવી છે. ચીનના વૈજ્ઞાનિકોએ હિંદ મહાસાગરના તળિયે વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી પ્રાચીન “વ્હેલ કબ્રસ્તાન” શોધી કાઢ્યું છે. આ ઐતિહાસિક શોધ દર્શાવે છે કે, લાખો વર્ષ જૂના વ્હેલ માછલીઓના હાડપિંજરો આજે પણ સમુદ્રની અસીમ ઊંડાઈમાં જીવસૃષ્ટિ માટે એક અનોખું અને સક્રિય ઇકોસિસ્ટમ પૂરું પાડી રહ્યા છે.
નેચર જર્નલનો મોટો દાવો: પૃથ્વી પરનું સૌથી ઊંડું કબ્રસ્તાન
પ્રતિષ્ઠિત સાયન્સ મેગેઝિન 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલ અનુસાર, આ સ્થળ પૃથ્વી પર અત્યાર સુધી જાણીતું સૌથી ઊંડું અને સૌથી જૂનું વ્હેલ કબ્રસ્તાન છે. અહીં મળી આવેલા કેટલાક અવશેષો અને હાડપિંજરો અંદાજે 53 લાખ વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.
આ અતિ મુશ્કેલ ગણાતી શોધ માટે ચીની વૈજ્ઞાનિકોએ “ફેન્ડોઝે” નામની અત્યાધુનિક અને નાની સબમર્સિબલ પનડૂબીનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2023 દરમિયાન આ પનડૂબીએ સમુદ્રના અત્યંત જોખમી વિસ્તારોમાં કુલ 32 ઊંડી ડૂબકીઓ લગાવીને આ ડેટા એકત્ર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા નજીક ‘ડાયમેન્ટિના ઝોન’માં મળ્યો અવશેષોનો ખજાનો
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગની નજીક લગભગ 1,200 કિલોમીટર લાંબા વિશાળ વિસ્તારમાં આ હાડપિંજરો ફેલાયેલા છે. સમુદ્રના આ ચોક્કસ વિસ્તારને વૈજ્ઞાનિક પરિભાષામાં “ડાયમેન્ટિના ઝોન” તરીકે ઓળખવામાં આવે છે.
સમુદ્રની સપાટીથી લગભગ 7 કિલોમીટર જેટલી આશ્ચર્યજનક ઊંડાઈએ પનડૂબીના રોબોટિક હાથોની મદદથી સંશોધકોએ આશરે 500 જેટલા હાડપિંજરોના નમૂનાઓ સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. સંશોધકોનું અનુમાન છે કે આ સમગ્ર વિસ્તારમાં 1 કરોડથી વધુ વ્હેલ માછલીઓના હાડપિંજરો દફન હોઈ શકે છે.
સમજો, શું છે આ ‘વ્હેલ ફોલ’?
જ્યારે કોઈ વિશાળકાય વ્હેલ માછલી કુદરતી કે અન્ય કારણોસર મૃત્યુ પામે છે, ત્યારે તેનું મહાકાય શરીર સમુદ્રની અગાધ તળેટીમાં ડૂબી જાય છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને “વ્હેલ ફોલ” કહેવામાં આવે છે. સમુદ્રના જે ભાગમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી, તેવા ઘાઢ અંધકારમય અને હાડ થીજવતી ઠંડી ધરાવતા સમુદ્રના તળિયે આ મૃત દેહો અનેક દરિયાઈ જીવો માટે ખોરાક અને ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત બને છે.
વિજ્ઞાનીઓના મતે, આ ચોક્કસ વિસ્તાર લાખો વર્ષો પહેલાં વ્હેલ માછલીઓના શિકાર અને ખોરાક માટે આદર્શ સ્થળ રહ્યો હશે. વધુમાં, સમુદ્રના પેટાળમાં આવેલી વિશાળ V-આકારની ખીણ મૃત વ્હેલોના શરીરને ઘસડીને એક જ જગ્યાએ એકત્રિત કરતી હતી, જેના કારણે સમય જતાં આ વિશાળ કબ્રસ્તાન અસ્તિત્વમાં આવ્યું છે.
અંધકારમય સમુદ્રમાં ધબકતી એક અનોખી ‘જીવંત દુનિયા’
આ પ્રોજેક્ટના સહ-લેખક પેંગ ઝોઉએ પોતાનો રોમાંચક અનુભવ શેર કરતા જણાવ્યું કે, "આ વ્હેલ કબ્રસ્તાનને નજરે નિહાળવું એ એક અવિશ્વસનીય અને આશ્ચર્યજનક અનુભવ હતો." સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્રનું તળિયું સાવ નિર્જીવ અને વેરાન હોય છે, પરંતુ આ હાડપિંજરોની આસપાસ અત્યંત સક્રિય ઇકોસિસ્ટમ જોવા મળ્યું છે.
વૈજ્ઞાનિકોને અહીંથી અનેક દુર્લભ દરિયાઈ જીવો મળી આવ્યા છે, જેમાં ખાસ પ્રકારની જેલીફિશ, બ્રિટલ સ્ટાર, હાડકાંને કોતરી ખાતા વિશિષ્ટ કીડા અને બાઇવાલ્વ મોલસ્કનો સમાવેશ થાય છે. આ શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્હેલની એક એવી લુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિના અવશેષો પણ શોધી કાઢ્યા છે, જેનો ઇતિહાસમાં અગાઉ ક્યારેય ઉલ્લેખ નથી.
67 લાખ ટન કાર્બનનો સંગ્રહ અને વૈજ્ઞાનિક મહત્ત્વ
સંશોધનના મુખ્ય લેખક શિયાઓતાંગ પેંગના જણાવ્યા મુજબ, આ અબજો હાડપિંજરોમાં રહેલી ચરબી અને ટિશ્યુએ પોતાનામાં અંદાજે 67 લાખ ટન કાર્બન સંગ્રહિત કરીને રાખ્યો છે. દરિયાના પેટાળમાં રહેતા જીવો માટે આ એટલો જ મહત્ત્વનો પોષણ સ્ત્રોત છે જેટલો સમુદ્રના તળિયે આવેલા ગરમ પાણીના ઝરા એટલે કે 'હાઇડ્રોથર્મલ વેન્ટ્સ' હોય છે.
અમેરિકાના જાણીતા જીવાશ્મ વૈજ્ઞાનિક સ્ટીફન ગોડફ્રેએ આ શોધને ક્રાંતિકારી ગણાવી છે. તેમણે આ શોધની સરખામણી વર્ષ 1977માં થયેલી હાઇડ્રોથર્મલ વેન્ટ્સની ઐતિહાસિક શોધ સાથે કરી છે. તેમણે ઉમેર્યું કે, "આ તો માત્ર એક શરૂઆત છે, ભવિષ્યમાં સમુદ્રના આવા અંધકારમય ગહન ભાગોમાંથી પૃથ્વીના ઇતિહાસના અનેક મોટા રહસ્યો દુનિયા સામે આવશે.”


