ઇન્સ્ટાગ્રામ પર હવે ચાલશે યુઝરનું રાજ! કંપનીએ લોન્ચ કર્યું ‘Your Algorithm’ ફિચર, તમે ઈચ્છશો એવું જ દેખાશે કન્ટેન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Instagram New Update: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની એક નવું શાનદાર ફિચર લોન્ચ કરી રહી છે, જેનું નામ "Your Algorithm" રાખવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી હવે યુઝર્સ પોતે નક્કી કરી શકશે કે તેઓ તેમના મેઈન ફીડ પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગે છે. ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ સત્તાવાર રીતે આ અપડેટની જાહેરાત કરી છે.
દરેક સેક્શન પર યુઝર્સનું રહેશે નિયંત્રણ
એડમ મોસેરીના જણાવ્યા અનુસાર, આ નવા ફિચર દ્વારા યુઝર્સ એપ્લિકેશનના તમામ મુખ્ય સેક્શનમાં પોતાની પસંદગીના વિષયો જોઈ શકશે અને તેમાં ફેરફાર પણ કરી શકશે. હાલના તબક્કે આ ફિચર માત્ર ટોપિક કસ્ટમાઇઝેશનને સપોર્ટ કરે છે. પરંતુ આગામી અપડેટ્સમાં યુઝર્સ ચોક્કસ વ્યક્તિઓ, મૂડ/વાઇબ્સ અને કન્ટેન્ટના પ્રકાર એટલે કે ફોટો કે વીડિયોને પણ પોતાની મરજી મુજબ સેટ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામ અગાઉ પણ રીલ્સ અને એક્સપ્લોર પેજ માટે આ પ્રકારનું નિયંત્રણ આપી ચૂક્યું છે, પરંતુ હવે તેનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. મોસેરી આ અપડેટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના સશક્તિકરણની એક મોટી શરૂઆત તરીકે જુએ છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સની અકળામણ દૂર થશે
આજના સમયમાં સોશિયલ મીડિયા અલ્ગોરિધમ યુઝર્સની દરેક પ્રવૃત્તિ જેમ કે તેઓ કઈ પોસ્ટ પર ટેપ કરે છે, શું જુએ છે અને શું શેર કરે છે તેના પરથી આપોઆપ શીખે છે અને કન્ટેન્ટ બતાવે છે. મોસેરીએ સ્વીકાર્યું કે આ વન-વે પ્રક્રિયાને કારણે ઘણીવાર યુઝર્સ અકળામણ અનુભવતા હોય છે, કારણ કે તેઓ સિસ્ટમને પોતે શું જોવા માંગે છે તે સીધું કહી શકતા નથી. નવું ફિચર આ ખામીને દૂર કરશે અને યુઝર્સને પ્રોડક્ટ પર પૂરતો કંટ્રોલ આપશે.
આ પણ વાંચો: ભારતની સૌથી મોટી IT કંપની હવે પહેલાં જેટલું હાયરિંગ નહીં કરે, આ રહ્યું ચોંકાવનારું કારણ
LLM ટેક્નોલોજી લાવશે મોટો બદલાવ
ઇન્સ્ટાગ્રામના હેડના જણાવ્યા મુજબ, અગાઉના ટ્રેડિશનલ રેન્કિંગ મોડલ્સ એવી ટેક્નોલોજી પર આધારિત હતા જે સામાન્ય યુઝર્સ સમજી શકતા નહોતા. પરંતુ હવે લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs)ના આગમન સાથે ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટના ક્લસ્ટર્સને એવી ભાષામાં વર્ણવી શકે છે જે માણસો સરળતાથી સમજી શકે. આ ટેક્નોલોજીકલ શિફ્ટને કારણે ઇન્સ્ટાગ્રામ યુઝર્સની ચોક્કસ પસંદગીને ઓળખી શકશે અને યુઝર્સ પણ પ્લેટફોર્મને પોતાની ઈચ્છા જણાવી શકશે, જેનાથી સોશિયલ મીડિયાનો અનુભવ વધુ ઇન્ટરેક્ટિવ બનશે.









