Get The App

સૌરાષ્ટ્રમાં હળવાં-ભારે ઝાપટાં સાથે ત્રણ ઈંચ સુધી વરસાદ

- વડીયામાં ધોધમાર ત્રણ, કોટડાસાંગાણી અને ભાણવડમાં બે, પોરબંદર, જસદણ અને ગોંડલમાં એક ઈંચ મેઘકૃપા

- દિવસ-રાત સમયાંતરે વરસી જતાં વાદળો

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં હળવાં-ભારે ઝાપટાં સાથે ત્રણ ઈંચ સુધી વરસાદ 1 - image


રાજકોટ, તા. 26 જુલાઈ, 2020, રવિવાર

સૌરાષ્ટ્રમાં આજે પણ શ્રાવણી સરવડાં વચ્ચે ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. શ્રીકાર મેઘમહેર વરસવાનાં બદલે દિવસ-રાત ગમે ત્યારે સમયાંતરે વાદળો વરસીને જતાં રહે છે. આજે સૌથી વધુ વડિયામાં ધોધમાર ત્રણ ઈંચ તથા કોટડાસાંગાણી અને ભાણવડમાં બે ઈંચ મેઘકૃપા વરસી હતી.

રાજકોટ શહેર-જિલ્લામાં આજે સવારથી વાદળ-છાયા વાતાવરણ વચ્ચે છૂટા-છવાયા ઝાપટાં પડયા હતા. રાજકોટમાં બપોરે ઝરમર પાંચ મી.મી. વરસાદથી માર્ગો ભીના થયા હતા. જ્યારે કોટડાસાંગાણીમાં બપોરે ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન ધોધમાર બે ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ અને જસદણમાં પણ આજે બપોર બાદ ૪ વાગ્યાથી ૬ વાગ્યા વચ્ચે એક ઈંચ વરસાદ પડતાં અસહ્ય ઉકળાટમાંતી થોડી રાહત મળી હતી. ધોરાજીમાં આજે અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામકંડોરણા, જેતપુર, લોધીકા, પડધરીમાં પણ હળવા-ભારે ઝાપટાં પડયા હતા.

અમરેલી જિલ્લામાં આજે પણ છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વડિયામાં બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન મુશળધાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી બે ઈંચ વરસાદ પડયાનાં વાવડ છે. ખાંભા અને લાઠીમાં ૭-૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે છૂટા-છવાયા શ્રાવણી સરવડા વચ્ચે ભાણવડમાં વહેલી સવારે બે ઈંચ વરસાદથી માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે હળવા-ભારે ઝાપટાથી લોકોએ સંતોષ માનવો પડયો હતો. 

પોરબંદરમાં રવિવારે સવારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે સવારે ૬ થી ૮ વચ્ચે ૨૪ મી.મી. એટલે કે એક ઈંચ વરસાદ પડયો હતો. 

જૂનાગઢ જિલ્લામાં આજે ધૂપછાંવયુક્ત વાતાવરણ વચ્ચે વંથલી, માંગરોળ તથા મેંદરડા પંથકમાં અડધો-અડધો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં મેઘાવી માહોલ બાદ ઝરમર છાંટા પડયા હતા. ત્યારબાદ આકરો તડકો નીકળ્યો હતો.

Tags :