Gujarat

PGVCLની તવાઈ, 10 માસમાં રૂા.12.72 કરોડની પાવર ચોરી ઝડપી

By GS Team
4 Jan 20202 mins read
This article was originally published on 4 Jan 2020
PGVCLની તવાઈ, 10 માસમાં રૂા.12.72 કરોડની પાવર ચોરી ઝડપી

- પાલિતાણા ડિવિઝનમાં સૌથી વધુ 4.33 કરોડની પાવર ચોરી બહાર આવી, રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 8150 કનેક્શનમાં ગેરરીતિ મળી આવી

ભાવનગર, તા. 4 જાન્યુઆરી 2019, શનિવાર

ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલએ વીજચોરી કરતા તત્ત્વો ઉપર તવાઈ બોલાવી છેલ્લા ૧૦ માસમાં જ અધધ.. ૧૨.૭૨ કરોડની પાવર ચોરી ઝડપી પાડી હતી. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીનું દૂષણ વધું હોય, ગામડાઓમાંથી સૌથી વધુ ગેરરીતિ મળી આવી હતી. આ સમયગાળામાં પોલીસ સાથે ચેકીંગમાં જતી વીજ ટીમોને ઘણી વખત ઘર્ષણના બનાવનો પણ ભોગ બનવો પડયો હતો.

પીજીવીસીએલ દ્વારા પાવર ચોરીના દૂષણને ડામવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં જિલ્લામાં વીજચોરીનું દૂષણ સમ્યું નથી. મફતમાં જ વીજળી વાપરવાની માનસિકતા ધરાવતા તત્ત્વો દ્વારા લંગરિયા નાંખી, સ્ટ્રીટલાઈનને રસ્તામાં બ્રેક કરી, મીટર સુધી જતા વાયરમાં વચ્ચે ફોલ્ટ તેમજ અન્ય અલગ-અલગ કીમિયા કરી પાવર ચોરી કરવામાં આવતી રહે છે. આવા લોકો સામે વીજ તંત્ર દ્વારા સમયાંતરે ખાસ પાવરચોરીની ઝુંબેશ હાથ ધરી લાખો રૂપિયાના બીલ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવે છે.

જે મુજબ એપ્રિલ-૨૦૧૯થી નવેમ્બર-૨૦૧૯ના સમયગાળામાં ભાવનગર વર્તુળ કચેરી અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ શહેર ઉપરાંત જિલ્લાના અલગ-અલગ ડિવિઝન હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કરી ૮૧૫૦ વીજ કનેક્શનમાં ગેરરીતિ થયાનું ઉઘાડું પાડી વીજચોરી કરતા ગ્રાહકોને કુલ રૂ.૧૨.૭૨.૧૧ કરોડના બીલ ફટકાર્યા હતા. નોંધનિય છે કે, ૧૦ માસમાં થયેલી ઝુંબેશમાં સૌથી વધુ પાલિતાણા ડિવિઝનમાં પાવર ચોરીના કિસ્સા બહાર આવ્યા હતા.