Get The App

જિલ્લામાં ઉતરાયણ દરમિયાન ચાઇનીઝ તુક્કલ-માંઝા પર પ્રતિબંધ

- માનવ તેમજ પશુ-પક્ષીની જાનહાની નિવારવા

- 25 જાન્યુઆરી સુધી જાહેરનામુ અમલી: ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે

Updated: Jan 4th, 2020

GS TEAM

Google News
Google News
જિલ્લામાં ઉતરાયણ દરમિયાન ચાઇનીઝ તુક્કલ-માંઝા પર પ્રતિબંધ 1 - image


ભાવનગર, તા. 4 જાન્યુઆરી 2019, શનિવાર

તા.૧૪/૦૧/૨૦૨૦ના રોજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશ કર્યો છે. 

ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન જિલ્લાભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે.

આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો-ડ્રેનેજ જામ થઇ જાય છે. તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે. ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે.

આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૨૫/૦૧ સુઘી અમલમા રહેશે. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

Tags :