Sahiyar

જરાવસ્થા અને આયુર્વેદ

By GS Team
10 Aug 20263 mins read
જરાવસ્થા અને આયુર્વેદ
  • આરોગ્ય સંજીવની

જરાવસ્થા એ જીવનનો અંતિમ તબક્કો છે. જે શરીર એક સમયે યૌવનથી ભરપૂર લાગતું હતું તે કેટલાંક વર્ષોનાં અંતે વૃદ્ધ અને કરચલીયુક્ત દેખાવ લાગે છે. જે શરીરને દર્પણમાં જોવાથી ખૂબ ગર્વ થતો હતો, તે જ શરીરને થોડા વર્ષો પછી દર્પણમાં જોવાની ઇચ્છા થતી નથી. છતાં પણ વૃદ્ધાવસ્થા એ જીવનની વાસ્તવિકતા છે. અને કુદરતી ઘટના છે. તેને આજ સુધી કોઈ રોકી શક્યું નથી, કે રોકી પણ નહીં શકે. યૌવનમાં જે બુદ્ધિશક્તિ અને સ્મૃતિશક્તિ ઉપર આપણને અભિમાન થતું હતું તે પણ વૃદ્ધાવસ્થામાં ગર્વ કરવા લાયક રહેતા નથી.
ઉપરની બધી જ વાસ્તવિકતા હોવા છતાં આયુર્વેદનાં આચાર્યોએ એવાં ઘણાં ઔષધો બતાવ્યા છે કે, જેના દ્વારા વૃદ્ધાવસ્થાની ગતિને ધીમી ચોક્કસ પાડી શકાય છે.
સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ હોય છે જે પોતાની વાસ્તવિક ઉંમરથી ઘણી જ નાની દેખાતી હોય છે. જેનું કારણ તેના શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ અંત:સ્ત્રાવો અને કોષોમાં થતાં ફેરફારો અન્ય કરતાં ઘણાં જ અલગ હોય છે. આયુર્વેદિક ઔષધોથી વૃદ્ધાવસ્થામાં શરીરના અવયવોની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે, આજે ઘડપણની ગતિને ધીમી પણ કરી શકાય છે. આજે આપણે તેવા જ વૃદ્ધાવસ્થામાં થતાં રોગોમાં ઉપયોગી સિદ્ધ થાય તેવાં ઔષધો વિશે જાણીશું. જે જાણકારી વડીલ વાંચકમિત્રોને ઘણી જ ઉપયોગી સાબિત થશે.
વૃદ્ધાવસ્થામાં શરીર કૃશ થતું હોય છે. નિર્બળતા વધતી હોય છે, અને શરીરના બધાં જ અવયવોની કાર્યક્ષમતા ઘટતી હોય છે. તેમની કાર્યક્ષમતા વધારવા માટે નીચે પ્રમાણેનાં ઔષધોનું વૈદ્યની સલાહમાં રહીને સેવન કરી શકાય છે.
જેમાં :

  • રસાયણ ચૂર્ણ : ગળો, ગોખરું અને આમળા આ ત્રણેય ૧-૧ ચમચી જેટલું પાણી સાથે લેવાથી વૃદ્ધાવસ્થામાં થતી સપ્તધાતુઓની ઘટ સામે રક્ષણ મળે છે.
  • અશ્વગંધા ચૂર્ણ : લગભગ ૧-૧ ચમચી જેટલું અશ્વગંધાનું ચૂર્ણ તાજા ગાયનાં દૂધ સાથે લેવું. ડાયાબિટીસ ન હોય તો સાંકર ને દૂધમાં મિશ્ર કરીને તે લેવું. વૃદ્ધાવસ્થામાં લગભગ ૪૦ દિવસ સુધી તેનું સેવન કરવું. આ પ્રયોગ વૃદ્ધાવસ્થામાં અમૃતસેવન ગરજ સારે છે.
  • શરીરનાં બળાબળનો વિચાર કરીને સવારે નરણે કોઠે ૧૦ થી ૨૦ ગ્રામ જેટલાં તલ ખાવાં તલ ખાવાથી અને બહુમૂગતામાં ઘણો ફાયદો થાય છે.
  • સવારે નરણે કાંઠે ૨૦ થી ૩૦ નંગ તાજા બ્રાહ્મીનાં પાન ચાવીને ખાવાથી વૃદ્ધાવસ્થાનાં કારણે આવેલી માનસિક નબળાઈ દૂર થાય છે અને સ્મરણશક્તિ ઘણી જ તેજ બને છે.
  • વૃદ્ધાવસ્થામાં કાનમાં બહેરાશ આવી ગઈ હોય તો પ્રથમ કાનને રૂ થી સાફ કરો. પછી 'બિલ્વાદી તેલ'નાં ટીપાં નિયમિત નાખતા રહેશો તો કાનની બધીરતા અટકી જશે.
  • વૃદ્ધાવસ્થામાં સાંધાઓનો દુ:ખાવો પણ ઘણું કરીને થતો હોય છે. તે માટે ઋતુ પ્રમાણે યોગ્ય તેલથી માલિશ કરતા રહેવું.
  • રોજ બે થી અઢી માઈલ જેટલું ચાલવાનું રાખો 'વા'નો રોગ વૃદ્ધાવસ્થામાં ખૂબ જ પરેશાન કરતો હોય છે, તે માટે મહાયોગરાજ ગુગળ ૨-૨ ગોળી સવાર-સાંજ વર્ષમાં બે વાર ૧-૧ માસ સુધી દૂધ સાથે લેવી.
  • સમયસર નિયમિત તાજી રસોઈ ભોજનમાં લેવી જોઈએ. પેટ બરાબર ભરીને ક્યારેય ન જમવું જરૂર કરતાં થોડું ઓછું જમવું.
  • વૃદ્ધાવસ્થામાં શતાવરીનું દૂધ સાથે સેવન કરવું ખૂબ જ હિતકારી બને છે.
  • વાત-કફ વધારે રહેતો હોય તો સવારે નરણે કાઠે સૂંઠ-ગંઠોડામાં ગોળ મેળવીને તેની ગોળી બનાવી અથવા સહેજ ગરમ કરી નરણે કોઠે ખાવી.
  • વર્ષાઋતુમાં સુદર્શન ઘનવટીની ગોળી પંદર દિવસ સુધી સળંગ ૨-૨ લેવી જોઈએ.
  • તુલસીનાં પાન ૩૦ થી ૩૫ નંગ સવારે નરણે કોઠે ખાવાં.
  • જો સાઈટીકા નસ દુ:ખતી હોય તો સવારે નરણે કોઠે (ડાયાબિટીસ ન હોય તો) ૧ કે ૨ કેળાં ૨૧ દિવસ સુધી ખાવાં.
    ઉપરોક્ત પ્રયોગોથી વૃદ્ધાવસ્થામાં ઘણો જ લાભ જણાશે.
    આ સિવાય હંમેશા હકારાત્મક (પોઝિટિવ) રહેવું. હકારત્મકવૃત્તિથી નિરોગી રહેવામાં ખૂબ ફાયદો થાય છે. અને શક્ય હોય ત્યાં સુધી પ્રવૃત્તિમય જીવન વિતાવવું, કારણ કે નિવૃત્ત માણસનું શરીર અને મન જલદીથી વૃદ્ધ થઈ જાય છે. સતત પ્રવૃત્તિશીલ મનુષ્ય પોતે પણ સ્વસ્થ રહી શકે છે અને વૃદ્ધાવસ્થાની ગરિમાને સંપૂર્ણ ન્યાય આપી શકે છે.
  • જહાનવીબેન ભટ્ટ