Sahiyar

તહેવારોમાં સાદા-સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરો

By GS Team
5 Oct 20262 mins read
તહેવારોમાં સાદા-સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરો

કેટલાક લોકોને તહેવારોમાં પણ બહુ ભપકો કરવો નથી ગમતો એટલે તેઓ નવરાત્રિ હોય કે દિવાળી વસ્ત્ર-અલંકારોમાં બહુ ઠાંઠમાઠ નથી કરતાં. પણ તહેવારોની મઝા માણવા ઇચ્છતી યુવતીઓ પૂછે છે કે… શુભ દિવસોમાં સાવ સાદા વસ્ત્રાલંકારો શા માટે પહેરવા? ભલે તમે બહુ ભારે પરિધાનમાં સજ્જ ન થાઓ. પરંતુ તહેવાર જેવું કાંઈક લાગે એટલે થોડાં સરખી રીતે તૈયાર તો થવું જ પડે.
ફેશન નિષ્ણાતો આવી સ્થિતિમાં શું પહેરવું તેની માહિતી આપતાં કહે છે કે પરંપરાગત તહેવારોમાં પરંપરાગત પોશાકથી રૂડુ શું? આ વર્ષે લોકોમાં કોરોના વાઈરસનો ડર હોવાથી તેઓ ખાસ ક્યાંય જવાનો પ્રયાસ નહીં કરે, કે નહીં ઝાઝા લોકોને પોતાના ઘરે આમંત્રણ આપશે. આમ છતાં તહેવાર ટાણે તૈયાર થવા માટે તેઓ હળવા રંગની સાડી, અનારકલી, સલવાર સુટ ઇત્યાદિ પહેરી શકે. આવા પરિધાન સાથે ટ્રેડિશનલ જ્વેલરી જ સારી લાગશે. જો તમે સાડી પહેરો તો તેની સાથે સોનાનો કે મોતીનો મોટો હાર પહેરવાના સ્થાને બે નાની-મોટી ચેન કે માળા પહેરો. સાથે કાનમાં ગોળ બુટ્ટી અને હાથમાં બબ્બે અથવા ચાર ચાર બંગડીઓ પહેરી લો. તમે ચાહો તો વાળનો અંબોડો વાળીને ગજરો લગાવો અને કપાળે મોટો ચાંલ્લો કરો.
પરંતુ જો અનારકલી કે સલવાર સુટ પહેરો તો એક ચેન અતવા માળા, કાનમાં લટકણિયા અને હાથમાં કડાં સુંદર લાગશે. જો તમને આ બધુ પહેરવાની ઇચ્છા ન હોય તો કોઈપણ એક સ્ટેટમેન્ટ જવેલરી પહેરો. જેમ કે કાનમાં આકર્ષક લટકણિયા અથવા એક મોટી વીંટી.
આ વર્ષે દિવસ દરમિયાન પહેરવા માટે પેસ્ટલ કલર ફેવરિટ છે. મહિલાઓ પીચ, ગુલાબી, લેમન, ગ્રીન જેવા રંગોના વસ્ત્રો પહેરી શકે. જ્યારે સાંજમાં સમયે ગોલ્ડન કે સિલ્વર જેવા જ્વેલ ટોમ્સ યોગ્ય વિકલ્પ ગણાય. તમે ચાહો તો બાંધણી પ્રિન્ટમાં થોડું હળવું વર્ક કરેલા ડ્રેસ કે બોર્ડર લગાવેલી બાંધણી પહેરી શકો. ચીકનકારી સાડી - ડ્રેસ પણ આવી જ રીતે પહેરી શકાય.
પાતળી કટિ ધરાવતી માનુનીઓ પ્લેન ઓરગેન્ઝા સાડી સાથે ગોલ્ડન અથવા સિલ્વર બ્લાઉઝ પહેરીને સાડી ઉપર બ્લાઉને મેચ કરતું પાતળું બેલ્ટ બાંધે તો શોભી ઉઠે. તેમાંય જો કમરપટ્ટામાં વર્ક કરેલું હોય તો અન્ય જ્વેલરીની ઝાઝી જરૂર ન પડે. ખાસ કરીને હાર કે ચેન પહેરવાની આવશ્યકતા જ ન રહે.
જ્યારે છોકરીઓ બાંધણી પ્રિન્ટ કે ચીનકારીનું વર્ક કરેલું સ્કર્ટ અને તેની સાથે જએ એવું ટોપ પહેરી શકે.
પુરુષોના પરંપરાગત પોશાક માટે ચુડીદાર કુરતાથી વધુ સારું બીજું શું હોઈ શકે? ખાસ કરીને જ્યારે તહેવારની સાદગીપૂર્ણ ઉજવણી કરવાની હોય ત્યારે આવો પોશાક સુંદર અને આરામદાયક પણ લાગે. સાથે ગળામાં ચેન અને ઘડિયાળ પૂરતાં થઈ રહે.