Sahiyar

ટ્રોમા બોન્ડિંગ : જ્યારે પ્રેમ અને પીડા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય

By GS Team
31 Aug 20267 mins read
ટ્રોમા બોન્ડિંગ : જ્યારે પ્રેમ અને પીડા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય
  • પ્રેમ વ્યક્તિને અંદરથી ખાલી નથી કરતો, તે તો તમને વધુ મજબૂત બનાવે છે. જો કોઈ સંબંધ તમને હસવા કરતાં વધુ રડાવતો હોય, અને જો તમારે માત્ર થોડી કાળજી મેળવવા માટે તમારું આત્મસન્માન ગુમાવવું પડતું હોય, તો તે પ્રેમ નથી, તે ટ્રોમા બોન્ડિંગ છે. તમારી જાતને આ પીડામાંથી મુક્ત કરવાની શરૂઆત તમારા પોતાના જ નિર્ણયથી થાય છે.

ઘણી વખત સંબંધમાં આપણને ક્યારેક એવું લાગે છે કે આપણે સતત ગૂંચવણમાં જીવી રહ્યા છીએ? ક્યારેક સામેવાળી વ્યક્તિ તમને એટલો પ્રેમ આપે છે કે તમને લાગે કે દુનિયામાં આનાથી સારો માણસ કોઈ નથી, અને બીજા જ પળે એ જ વ્યક્તિ તમને એ હદે અપમાનિત કરે કે દુ:ખ પહોંચાડે કે તમે અંદરથી સાવ તૂટી જાવ. તમને ખબર છે કે આ સંબંધ તમને તકલીફ આપી રહ્યો છે, તમારી માનસિક શાંતિ છીનવી રહ્યો છે, છતાં પણ જ્યારે એ વ્યક્તિ થોડો પ્રેમ કે ધ્યાન આપે છે, ત્યારે તમે બધું જ ભૂલીને ફરી તેની પાસે દોડી જાવ છો. આ એક એવી લાગણી છે જેમાં આપણે જીવી પણ શકતા નથી અને એ સંબંધને કે વ્યક્તિને છોડી પણ શકતા નથી. આ લાગણીને ટ્રોમા બોન્ડિંગ કહેવાય છે. સીધી ભાષામાં કહીએ તો વ્યક્તિથી સહેવાતું પણ નથી અને રહેવાતું પણ નથી. ટ્રોમા બોન્ડિંગ એક એવું ભાવનાત્મક જોડાણ છે, જેમાં વ્યક્તિ સંબંધમાં સતત માનસિક તણાવ અને પીડા અનુભવે છે, પરંતુ તેમાંથી બહાર નીકળી શકતી નથી. તેને આ તકલીફ સામાન્ય લાગવા માંડે છે, અને તે માત્ર થોડીક કેર અને એટેન્શન માટે વારંવાર પોતાની જાતને દુ:ખ પહોંચાડનાર વ્યક્તિ પાસે પાછી ફરે છે.
ટ્રોમા બોન્ડિંગ એટલે કોઈ એવી વ્યક્તિ સાથેનું ખાસ ભાવનાત્મક જોડાણ, જે તમારું શારીરિક, માનસિક કે ભાવનાત્મક શોષણ કરતી હોય. આ જોડાણ ત્યારે બને છે જ્યારે સંબંધમાં દુ:ખ અને પ્રેમનું એક ચક્ર સતત ચાલ્યા કરે છે. અહીં વ્યક્તિ તમને સતત દુ:ખી નથી કરતી. જો કોઈ સતત ખરાબ વર્તન કરે, તો માણસ તરત સંબંધ તોડી નાખે. પરંતુ ટ્રોમા બોન્ડિંગમાં ખરાબ વર્તન પછી તરત જ માફી, ભેટ-સોગાદો અને અતિશય પ્રેમનો મારો ચલાવવામાં આવે છે. આ વિરોધાભાસી વર્તનને કારણે પીડિત વ્યક્તિનું મગજ એક પ્રકારના વ્યસનનો શિકાર બની જાય છે. તેના કારણે જ તે આવી વ્યક્તિ વગર રહી શકતી નથી અને તેનું વર્તન સહન પણ કરી શકતી નથી.
નિશા અને સમીર છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં છે. શરૂઆતમાં સમીર નિશાની ખૂબ કાળજી રાખતો. પરંતુ ધીમે ધીમે તેનું વર્તન બદલાવા લાગ્યું. તે નાની-નાની વાતોમાં નિશા પર ગુસ્સે થવા લાગ્યો. એક દિવસ સમીરે જાહેરમાં નિશાનું અપમાન કર્યું અને તેને ખૂબ ખરાબ શબ્દો કહ્યા. નિશા રડી પડી અને તેણે નક્કી કર્યું કે તે હવે સમીર સાથે નહીં રહે. પરંતુ બીજે જ દિવસે સમીર નિશાના ઘરે પહોંચી ગયો. તે રડવા લાગ્યો, તેણે નિશાના પગ પકડી લીધા અને કહ્યું, ''મારો ઇરાદો તને દુ:ખ પહોંચાડવાનો નહોતો. મને ઓફિસમાં બહુ ટેન્શન હતું એટલે મારો ગુસ્સો તારા પર નીકળી ગયો. તારા વગર હું મરી જઈશ.'' સાથે જ તે નિશા માટે તેનું મનપસંદ પરફયુમ પણ લાવ્યો હતો. નિશાનું હૃદય પીગળી ગયું. તેણે વિચાર્યું, ''દરેક માણસથી ભૂલ થાય. એ મને પ્રેમ તો કરે જ છે ને!'' તેણે સમીરને તરત જ માફ કરી દીધો.
થોડા દિવસ બધું સરસ ચાલ્યું, પણ પછી ફરીથી સમીરે એ જ વર્તન શરૂ કર્યું. ગુસ્સો કરવો, અપમાન કરવું, નિશાને ટોકવી અને પછી રડીને માફી માંગવી. હવે નિશા આ ચક્રમાં ફસાઈ ગઈ છે. તે સતત તણાવમાં રહેવા લાગી. તે તેના બીજા મિત્રોથી દૂર થઈ ગઈ છે, પણ સમીર તેને થોડું પણ અટેન્શન આપે એટલે તે બધું ભૂલી જાય છે. આ છે ટ્રોમા બોન્ડિંગ. નિશા સમીરના પ્રેમના નાના ટુકડાઓ માટે મોટામાં મોટું દુ:ખ સહન કરી રહી છે. જેનઝીની ભાષામાં કહીએ તો નીશા હવે સમીરના બ્રેડક્રમ્બ્સ લવ ઉપર આધારિત થઈ ગઈ હતી.
જ્યારે સંબંધમાં ઝઘડો થાય છે કે અપમાન થાય છે, ત્યારે શરીરમાં કોટસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન વધે છે, જે માણસને ભય અને તણાવ આપે છે. પરંતુ જ્યારે માફી અને પ્રેમ મળે છે, ત્યારે મગજમાં અચાનક ડોપામાઇન રિલીઝ થાય છે, જે ખુશી અને રાહતનું હોર્મોન છે. આ સતત 'સ્ટ્રેસ અને રિલીફ'નું ચક્ર મગજને ડ્રગ્સના વ્યસન જેવી અસર આપે છે. પીડિત વ્યક્તિ ડોપામાઇન (પ્રેમ અને રાહત)ની ઝંખનામાં વારંવાર કોટસોલ (દુ:ખ) સહન કરવા તૈયાર થઈ જાય છે.
ખાસ વાત એવી છે કે, કોઈપણ સંબંધ રાતોરાત ટ્રોમા બોન્ડ નથી બની જતો. તેના અમુક નિશ્ચિત તબક્કા હોય છે. શરૂઆતમાં વ્યક્તિ તમારા પર એટલો પ્રેમ વરસાવે છે અને ભેટ-સોગાદોનો વરસાદ કરે છે કે તમને લાગે કે તમને સપનાનો રાજકુમાર/રાજકુમારી મળી ગયા છે. હકિકતે તેને લવ બોમ્બિંગ કહેવાય છે. ધીમ ધીમે સ્થિતિ એવી આવે છે કે, તમે એ વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ કરવા લાગો છો. તમે તમારી બધી જ ખુશીઓ તેના પર નિર્ભર કરી દો છો. ત્યારબાદ ધીમે ધીમે તે વ્યક્તિ તમારામાં ખામીઓ કાઢવાનંો શરૂ કરે છે. તું આવા કપડાં કેમ પહેરે છે?, તને કશી ખબર પડતી નથી. પોતાની ગમતી વ્યક્તિનું એકાએક બદલાયેલું આ વર્તન તમારા આત્મવિશ્વાસને તોડે છે.
બીજી બાજુ જ્યારે તમે વિરોધ કરો, ત્યારે તે તમને જ ખોટા સાબિત કરે છે. મેં એવું કશું કહ્યું જ નહોતું, તારું મગજ ખરાબ છે, આવું કહીને તે તમને તમારી જ સમજણ પર શંકા કરતા કરી દે છે. જેનઝી તેને ગેસલાઈટિંગ કહે છે. ઘણી વખત ઝઘડા ટાળવા માટે તમે તેની દરેક સાચી-ખોટી વાત માનવા લાગો છો. તેમે ઈમોશનલી તેને સરંડર થઈ ગયા છો તે દેખાવા લાગે છે. સ્થિતિ એવી આવે છે કે, તમે પોતાની ઓળખ ગુમાવવા લાગો છે. તમે પહેલાં શું હતા અને હવે શું બની ગયા છો, તે તમને જ સમજાતું નથી. તમે માત્ર તેને ખુશ રાખવા જ જીવો છો તેવું લાગ્યા કરે છે. આ સંબંધ સાવ ટોક્સિક બની ગયો હોવા છતાં, તમે તેનાથી અલગ થવાની કલ્પના પણ કરી શકતા નથી.
આ એવી બાબત છે જેના લક્ષણો ખરેખર સમજવા જોઈએ અને જાત તપાસ અથવા તો નિરિક્ષણ દ્વારા જ તેને જાણી શકાય છે. જ્યારે તમારા મિત્રો કે પરિવારજનો તે વ્યક્તિના ખરાબ વર્તન વિશે વાત કરે, ત્યારે તમે તે વ્યક્તિને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરો છો. તમે તેનો બચાવ કરવા લાગો છો. તમને ખબર છે કે આ સંબંધ તમારા માટે ઝેર સમાન છે, તમે તેને છોડવાનો અનેકવાર પ્રયાસ પણ કરો છો, પણ અંતે પાછા તેની જ પાસે ખેંચાઈ જાવ છો. આ સિવાય જો તે તમારી સાથે બે મિનિટ સારી રીતે વાત કરી લે, તો તમે આખો દિવસ ખુશ રહો છો. તમારી ખુશીનું રિમોટ કંટ્રોલ તેના હાથમાં આવી ગયું છે. તે તમારી સાથે ગમે તેટલું ખરાબ વર્તન કરે, અંતે તમને એવું જ લાગે છે કે, મારી જ કંઈક ભૂલ હશે, એટલે તેણે આવું કર્યું. તમે પોતાની જાતને જ દોષિત માનતા થઈ જાઓ છો. આ તમામ રિલેશનશિપના રેડ ફ્લેગ છે. આવી વ્યક્તિઓના ટ્રોમા બોન્ડિંગથી વહેલી તકે બહાર આવી જવું જોઈએ.
આ ચક્રમાંથી બહાર આવવું અઘરું ચોક્કસ છે, પણ અશક્ય બિલકુલ નથી. જો મનોબળ મક્કમ કરો, તો તમે તમારી જાતને આ પીડામાંથી મુક્ત કરી શકો છો. સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું એ સ્વીકારવાનું છે કે આ સંબંધ સામાન્ય કે પ્રેમભર્યો નથી, પરંતુ તેમાં ઝેર ફેલાયેલું છે, તેનો જાતે સ્વીકાર કરતા શીખો. તમારી જાતને જૂઠી વાર્તાઓ કહેવાનું બંધ કરો. આ સિવાય જ્યારે તમે સંબંધ તોડવાનું નક્કી કરો, ત્યારે સામેવાળી વ્યક્તિ ફરીથી રડીને કે ધમકી આપીને તમને પાછા લાવવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારે શારીરિક, માનસિક અને ડિજિટલ એમ દરેક રીતે સંપર્ક તોડવો પડશે. નંબર બ્લોક કરો અને કોઈપણ બહાને વાત કરવાનું ટાળો. તેનાથી જેટલું અંતર જાળવશો તેટલા વધારે શાંત રહી શકશો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, જાતે ન થતું હોય ત્યારે બીજાની મદદ લેવી જોઈએ. જેમ ડ્રગ્સ છોડાવવા માટે રિહેબની જરૂર પડે છે, તેમ ટ્રોમા બોન્ડિંગના માનસિક પ્રભાવમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લેવી શ્રેષ્ઠ છે. તેઓ તમને સમજવામાં મદદ કરશે કે શા માટે તમે આ ચક્રમાં ફસાયા અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું. આ ઉપરાંત આવા ફેઝમાં તમારા માટે સપોર્ટ સિસ્ટમ ઊભી કરો. આ સમયગાળામાં એકલા ન રહો. તમારા પરિવાર, સાચા મિત્રો અને હિતેચ્છુઓ સાથે સમય પસાર કરો. તેમને તમારી સ્થિતિ વિશે જણાવો જેથી જ્યારે તમે નબળા પડો, ત્યારે તેઓ તમને સાચવી લે.
આ તમામ સમસ્યામાંથી બહાર નીકળવાની અને જાતને સંભાળવાની કવાયત વચ્ચે તમારી જાતને પ્રેમ કરતા શીખો. તમારો આત્મવિશ્વાસ જે અત્યાર સુધી કચડાઈ ગયો હતો, તેને ફરી જગાડવાનો સમય છે. પ્રેમ વ્યક્તિને અંદરથી ખાલી નથી કરતો, તે તો તમને વધુ મજબૂત બનાવે છે. જો કોઈ સંબંધ તમને હસવા કરતાં વધુ રડાવતો હોય, અને જો તમારે માત્ર થોડી કાળજી મેળવવા માટે તમારું આત્મસન્માન ગુમાવવું પડતું હોય, તો તે પ્રેમ નથી, તે ટ્રોમા બોન્ડિંગ છે. તમારી જાતને આ પીડામાંથી મુક્ત કરવાનો અધિકાર તમને છે, અને તેની શરૂઆત તમારા પોતાના નિર્ણયથી થાય છે.