Sahiyar

સૌંદર્ય નિખારવા ચહેરાની જેમ હાથ-પગની ત્વચા પણ બનાવો સુંવાળી

By GS Team
5 Oct 20263 mins read
સૌંદર્ય નિખારવા ચહેરાની જેમ હાથ-પગની ત્વચા પણ બનાવો સુંવાળી

સૌંદર્ય નિખારવાની વાત હોય કે સુંદરતાના રખોમાં કરવાની, મોટાભાગની માનુનીઓ ચહેરાને જ પ્રાધાન્ય આપે છે. આવી સ્થિતિમાં શરીરના અન્ય ભાગો તેમની સૌંદર્ય વિષયક સમજની ચાડી ખાય છે. કહેવાનો અર્થ એ છે કે સુંદર દેખાવા ચહેરાની ત્વચાની કાળજી લેવી જેટલી જરૂરી છે એટલી જ આવશ્યકતા હાથ-પગની ત્વચાને પણ સુંવાળી-મુલાયમ-ચળકતી રાખવાની છે. ચહેરાની જેમ આપણા હાથ-પગ પણ શરીરના અન્ય ભાગોની તુલનામાં વધુ ખુલ્લાં રહે છે. ભલે દરેક રમણીના અડધા પગ ખુલ્લાં ન રહેતાં હોય, પરંતુ પગના પંજા તો ઉઘાડા રહેવાના જ. પગની એડીમાં ચીરા પડવા, પગની પાનીઓ મેલી થવી, હાથ પર પ્રદૂષિત હવાનો મારો ચાલવો, સૂર્યના પારાજાંબલી કિરણોથી હાથના ખુલ્લા ભાગની ત્વચાનો રંગ મ્લાન થવો, ગૃહકાર્યો કરતી વખતે હથેળીની ત્વચા ખરબચડી થવી ઇત્યાદિ હાથ-પગની વિશેષ કાળજી માગી લે છે. આવી સ્થિતિમાં જે તે મહિલા પ્રસંગોપાત ગમે તેટલી તૈયાર થાય તોય તેના હાથ-પગ તેની સૌંદર્ય પ્રત્યેની નિષ્કાળજી છત્તી કરી દે છે. જોકે સૌંદર્ય નિષ્ણાતો કહે ચે કે હાથ-પગ જેવા ખુલ્લા અંગોની ત્વચાના રખોપાં કરવા ખાસ અઘરું કામ નથી. તમે ચાહો તો ઘરગથ્થુ ઉપાયો અજમાવીને આ અંગોની ત્વચા એક્સફોલિએટ કરી શકો છો. તેઓ તેના વિશે જાણકારી આપતાં કહે છે..,
બટેટાં-મધનું માસ્ક

  • સામગ્રી : એક બટેટું, બે ટેબલસ્પૂન મધ, બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ, બે ટેબલ સ્પૂન દૂધ.
  • રીત : એક મધ્યમ કદનું બટેટું બાફી લો. હવે તેને સારી રીતે છૂંદીને તેમાં મધ, દૂધ અને ઑલિવ ઑઇલ નાખીને સારી રીતે મિક્સ કરો. તેની સુંવાળી પેસ્ટ એ એક પ્રકારનું એક્સફોલિએટ માસ્ક ગણાશે. આ માસ્કને હાથ પર સારી રીતે ફેલાવીને ૨૦ મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે તે હળવે હાથે ધોઈ લો. આ પ્રક્રિયા તમારી શુષ્ક અને ખરબચડી બની ગયેલી ત્વચાને સુંવાળી બનાવવામાં મદદ કરશે.
    મધ અને ખાંડનું સ્ક્રબ
  • સામગ્રી : એક ટેબલ સ્પૂન મધ અને એક ટેબલ સ્પૂન ખાંડ.
  • રીત : મધ અને ખાંડને સારી રીતે મિક્સ કરીને તમારા હાથ પર લગાવી ગોળાકારમાં હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી આ મિશ્રણ ત્વચા પર ૧૦ મિનિટ સુી રહેવા દો. હવે તે હુંફાળા પાણી વડે દૂર કરો. આ પ્રયોગ દર અઠવાડિયે એક વખત કરવાથી હાથની ત્વચા મુલાયમ-ચળકતી રહેશે.
    ઓટનો લોટ અને દહીનું માસ્ક
  • સામગ્રી : બે ટેબલ સ્પૂન ઓટનો, એટલે કે ઘઉંના ફાડાનો લોટ, બે ટેબલ સ્પૂન દહીં.
  • રીત : ઓટનો લોટ અને દહીં સારી રીતે ભેળવીને પેસ્ટ બનાવો. આ માસ્ક હાથ પર એકસમાન રીતે ફેલાવો. આ મિશ્રણ ત્વચા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી રહેવા દીધા પછી હુંફાળા પાણી વડે ધોઈ લો. ઘઉંના ફાડાના લોટથી ત્વચા સુંવાળી બનશે અને દહીંમાં રહેલું લેક્ટિક એસિડ હાથ પર રહેલી મત ત્વચા દૂર કરવામાં મદદ કરશે. આમ તમારી ત્વચા માત્ર મુલાયમ જ નહીં બને, બલ્કે સારી રીતે શ્વસી પણ શકસે.
    બેકિંગ સોડાની પેસ્ટ
  • સામગ્રી : એક ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને થોડાં ટીપાં પાણી.
  • રીત : એક ટેબલ સ્પૂન બેકિંગ સોડામાં થોડાં ટીપાં પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળવા હાથે સહેજ ભીનાં હાથ પર લગાવીને થોડી મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ લો.
    બેકિંગ સોડા તમારી કરબચડી ચામડીને સુંવાળી બનાવે ચે અને ત્વચા પરના મૃત કોષો દૂર કરે છે. ઉપરોક્ત પ્રયોગો હાથની સાથે પગ પર પણ કરી શકાય.
  • વૈશાલી ઠક્કર