ત્વચાને સદાયુવાન બનાવે આ નુસ્ખા

'યે ચાંદ સા રોશન ચેહરા'
દુનિયાની કઈ કામિની એવી હશે જેને સુંદર દેખાવું ન ગમે? કોઈપણ મહિલાની ત્વચા તેના સૌંદર્યનું દર્પણ હોય છે. આ કારણે જ માનુનીઓ ત્વચાના રખોપાં કરવા, ચામડીને સદાયુવાન રાખવા કંઈકેટલાય નુસ્ખા અજમાવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામીન 'ઈ' તમારી ત્વચાને સ્વસ્થ, કરચલી રહિત અને ચમકદાર બનાવે છે. આ વિટામીન ત્વચાને પ્રદૂષણ તેમ જ સૂર્યના પારાજાંબલી કિરણોથી થતાં નુકસાનથી બચાવે છે. તેના સિવાય તે ત્વચા નીચે રહેલા કોષોને સ્વસ્થ રાખે છે. અને જો રાત્રે સુવા જવાથી પહેલા ચોક્કસ પધ્ધતિથી વિટામીન 'ઈ'નો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને લાંબા વર્ષો સુધી યુવાન રાખી શકાય છે. ત્વચા નિષ્ણાતો તેના ઉપયોગ વિશે જાણકારી આપતાં કહે છે..,
લીંબુનો રસ : લીંબુના રસમાં રહેલું વિટામીન 'સી' ચહેરાની ચમક વધારવામાં સહાય કરે છે એ વાત સર્વવિદિત છે. પરંતુ જો લીંબુના રસમાં વિટામીન 'ઈ'ની એક કેપ્સુલ ફોડીને તેમાં રહેલું તેલ ભેળવીને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરો ખિલી ઉઠે છે. આ મિશ્રણ બનાવવા એક લીંબુનો રસ નિચોવી લો. તેમાં વિટામીન 'ઈ'ની કેપ્સુલ ઉપરથી સહેજ કાપીને તેમાં રહેલું તેલ કેપ્સુલ દબાવીને કાઢી લો. બંને પ્રવાહીને સારી રીતે ભેળવીને ચહેરા પર હળવા હાથે ફેશ્યલ કરતાં હો એ રીતે મસાજ કરો. હવે આ મિશ્રણ ૧૫થી ૨૦ મિિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરો સાદા પાણી વડે ધોઈને સુવા જાઓ. રાતભર શરીર તેનું નિયમિત સમારકામ કરશે તેની સાથે તમારા કોષો પણ નવપલ્લવિત થશે. આમ તમે સવારના ઉઠશો ત્યારે તમારો ચહેરો એકદમ ખિલેલો દેખાશે.
મધ : મધમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણો ચહેરા પરના ખિલ, ડાઘ, ધાબા દૂર કરવાનું કામ સરસ રીતે કરે છે. સાથે સાથે ચહેરાને ભીનાશ બક્ષે છે તે છોગામાં. તેથી જો મધમાં વિટામીન 'ઈ'ની કેપ્સુલમાં રહેલું તેલ ઉમેરીને બંને પ્રવાહીનું મિશ્રણ ચહેરા પર લગાવવામાં આવે તો તે ચમત્કારિક પરિણામ આપે છે.
આ મિશ્રણ બનાવવા એક ટી-સ્પૂન મધમાં વિટામીન 'એ'ની એક કેપ્સુલ કાપીને તેમાં રહેલું તેલ ઉમેરો. તેને સારી પેઠે ભેળવીને ચહેરા પર હળવા હાથે લગાવો. થોડીવાર પછી સાદા પાણી વડે ચહેરો ધોઈ લો. આ મિશ્રણ ચહેરા પર રહેલી શુષ્કતા, સોજા, કરચલી દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સુવાથી પહેલા આ પ્રયોગ કરો અને નિરાંતે સુઈ જાઓ. આ પ્રયોગ સાથે શાંત નીંદ્રા મળવાથી પણ ત્વચા કાંતિવાન દેખાશે.
- વૈશાલી ઠક્કર









