Sahiyar

સર્વના હિતમાં જ સ્વનું સ્મિત સમાયેલું છે

By GS Team
10 Aug 20263 mins read
સર્વના હિતમાં જ સ્વનું સ્મિત સમાયેલું છે
  • વંદના ગોસ્વામી
  • પાર્વતીને સમજાઈ ગયું કે શિવ ઘરમાં રહે તો સૃષ્ટિમાં ઉથલપાથલ થઇ જાય. આખી સૃષ્ટિ શિવનો પરિવાર છે. એટલે એમણે બધાનો ખ્યાલ રાખવો પડે

ક્યા રેક જગતના માતા પણ મુંજવણમાં મુકાઈ જતા હોય છે. ક્યારેક આંખ આગળ ધુમ્મસ છવાઈ જાય ત્યારે આગળનું દેખાતું બંધ થઇ જાય છે. એ માટે તડકો નીકળે એની રાહ જોવાની હોય છે. પાર્વતીમાતા સાથે પણ એકવાર એવું બનેલું.
એકવાર નારદ એમની ટેવ મુજબ અચાનક આવી ચડયા. પાર્વતી ઉદાસ બેઠા હતા. એમને પ્રસન્ન કરવા દેવલોકની હલકીફૂલકી વાતો કહેવા લાગ્યા. નારદજી એ રીતે જગતના પ્રથમ પત્રકાર હતા. પાર્વતી તો ય ઉદાસ જ રહ્યા. એથી ઉદાસીનું કારણ પૂછયું તો પાર્વતીએ કહ્યું કે 'શિવ જગતનું ધ્યાન રાખવામાં પરિવારમાં સમય આપતા જ નથી. મારી ફરિયાદને દૂર કરવા એક કાર્તિકેયને જન્મ આપ્યો. મારો સમય એમાં વીતવા લાગ્યો પણ થોડાં સમયમાં કાર્તિકેય મોટો થયો એટલે શિવે એને પણ જગતકલ્યાણના કાર્યોમાં રોકી લીધો. ફરી શિવને મેં ફરિયાદ કરી તો એક અશોકસુંદરી નામે દીકરીનો જન્મ થયો. ફરી મારો ખાલીપો સભર થયો. સાચું કહું તો દીકરી સાથે મારો સમય પસાર થયો તે સર્વશ્રેષ્ઠ હતો. પણ એ મોટી થતા તપ કરવા જતી રહી. હું ફરી એ જ સ્થિતિ પર આવીને ઊભી રહી. જો કે આ વખતે સ્થિતિ વધુ કફોડી હતી કેમ કે એકવાર સુખ માણ્યા પછી દુ:ખ આવે સહન કરવું થોડું મુશ્કેલ હોય છે. કેમ કે આપણે હંમેશા બે પરિસ્થિતિને સાથે મુકીને જોવા ટેવાયેલા છીએ.'
નારદજીએ કહ્યું કે, 'આવી સમસ્યા ઇન્દ્રની પત્ની શચિદેવીને પણ થઇ હતી. એમણે એક નાટક કર્યું હતું. એમણે મને ઇન્દ્ર દાનમાં આપી દીધા. થોડા સમયમાં જ મેં ઇન્દ્રને પાછા આપી દીધા. ત્યારથી ઇન્દ્રને બીક લાગી ગઈ કે હું ઘરમાં બહુ નહીં રહું તો ફરી ઇન્દ્રાણી મને દાનમાં આપી દેશે. ત્યાર પછી ઇન્દ્ર પરિવારને સમય આપવા લાગ્યા.'
પાર્વતીને પણ આવું કરવાની ઈચ્છા થઇ. નકલમાં અકલ ન હોય. એમ એમણે પણ શિવજીને દાનમાં આપવા બધા દેવોને કહેવા લાગ્યા. પણ શિવને દાનમાં સ્વીકારે કોણ ? બધાની ના આવવા લાગી. છેવટે બ્રહ્માના ચાર પુત્રોએ પાર્વતીની વાતને સ્વીકારી. સનક, સનાતન, સનંદન અને સનતકુમારે શિવને દાન સ્વરૂપે સ્વીકાર્યા. પાર્વતીને એમ કે થોડાં સમયમાં શિવને પરત કરી જશે. પણ એ આવ્યા નહીં. નારદજીએ ચારેયને શિવને પરત કરવાની વાત કહી તો એમણે ચોખ્ખી ના પાડી.
બીજી બાજુ શિવની ગેરહાજરીમાં સૃષ્ટિનું તંત્ર ખોરંભાઈ ગયું. દેવલોકમાં હોહા થઇ ગઈ. પછી તો દરેક દેવ ચારેય પુત્રોને વિનંતી કરવા લાગ્યા. પણ ચારેય પુત્રો માન્યા નહીં. અંતે પાર્વતી બ્રહ્મા પાસે ગયા અને વિનંતી કરી ત્યારે શિવજીને પરત કર્યા.
પાર્વતીજીએ શિવની ક્ષમા માંગી ત્યારે શિવે કહ્યું કે, 'તમારે માફી માગવાની કંઈ જરૂર નથી. આ આખી માયાજાળ મેં જ રચેલી. બ્રહ્માના ચારેય પુત્રોને પણ પરત ન કરવા મેં જ કહેલું. અને તમારા મનમાં આ વિચાર પ્રગટાવનાર પણ હું જ હતો.'
પાર્વતીને સમજાઈ ગયું કે શિવ ઘરમાં રહે તો સૃષ્ટિમાં ઉથલપાથલ થઇ જાય. આખી સૃષ્ટિ શિવનો પરિવાર છે. એટલે એમણે બધાનો ખ્યાલ રાખવો પડે. હું સ્વાર્થી બની મારા એકલાનો વિચાર કરું એ યોગ્ય નથી. બીજાનું કામ કરવામાં જે સુખ છે એ બીજા કોઈ કામમાં નથી. એ રીતે શિવ જગતના સૌથી સુખી વ્યક્તિ છે.
સમાપન
આપણે ક્યારેય આપણે એટલા દુ:ખી હોતા નથી અને ક્યારેય આપણે એટલા સુખી પણ હોતા નથી જેટલા આપણે આપણને સમજતા હોઈએ છીએ. -લા રોશ ફૂંકો